વ્યારા: તાપી જિલ્લામાં (Tapi District) ગુરુવારે ઉત્સાહપૂર્વક મતદાન (Voting) થયું હતું. વ્યારા વિધાનસભા મત વિસ્તારમાં (Assembly constituency) 65.29 ટકા મતદાન, જ્યારે નિઝર વિધાનસભા મતવિસ્તારમાં 77.87 ટકા મતદાન થયું હતું. તાપી જિલ્લાના વ્યારા વિધાનસભા મત વિસ્તારમાં 65.29 ટકા, નિઝર વિધાનસભા મત વિસ્તારમાં 77.87 ટકા મતદાન નોંધાવીને કુલ 72.32 ટકા મતદાન સાથે તાપી જિલ્લો પ્રથમ તબક્કાના 19 જિલ્લામાં બીજા ક્રમે રહ્યો છે. તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતાં વધારે છે. અહીં કુલ 2,46,435 પુરુષ મતદારની સામે 2,59,256 સ્ત્રી મતદાર મળી કુલ 5,05 695નોંધાયેલા મતદારો છે. છતાં મહિલા મતદારો મતદાન કરવામાં પુરુષ મતદારો કરતાં આગળ રહ્યાં છે. તાપી જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 72.32 ટકા મતદાન નોંધાયું હતું.
- મતદાન કરવામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધારે
- તાપી જિલ્લો પ્રથમ તબક્કાના 19 જિલ્લામાં બીજા ક્રમે રહ્યો
- તાપી જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 72.32 ટકા મતદાન નોંધાયું હતું
માંડવી વિધાનસભા ચૂંટણીમાં કુલ 76.02 ટકા મતદાન
માંડવી: માંડવી વિધાનસભામાં ચૌધરી સમાજના 95 હજાર મત, ગામીત સમાજના 45 હજાર, વસાવા સમાજના 45 હજાર, મુસ્લિમ સમાજના 12 હજાર, કોળી પટેલના 10 હજાર, હળપતિ સમાજના 8 હજાર તથા અન્ય સમાજના મતો મળી કુલ 2,46000 મતદાર છે. માંડવી વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જે કુલ મતદાન 76.02 ટકા થયું હતું. આ માંડવી વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાયો હતો. માંડવીના ગામતળાવ બુજરંગ ગામની ચૈતાલી ઉર્ફે સોનલ ધનસુખભાઈ પટેલે હલદી રસમ બાદ મતદાન કર્યુ હતું.
બારડોલી વિધાનસભામાં નીરસ મતદાન: માત્ર 65.97 ટકા
બારડોલી: બારડોલી વિધાનસભા બેઠક પર નીરસ મતદાન રહ્યું હતું. 5 વાગ્યા સુધી લગભગ 65.97 મતદાન નોંધાયું હતું. 2017ની ચૂંટણી કરતાં 5.83 ટકા મતદાન ઓછું થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા.બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાનાં 58 ગામો, પલસાણાનાં 58 ગામ અને ચોર્યાસીના 19 ગામ તેમજ બારડોલી અને કડોદરા નગરપાલિકાનાં કુલ 272 મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બારડોલીના ભાજપના ઈશ્વર પરમાર, કોંગ્રેસનાં પન્નાબેન પટેલ, આપના રાજેન્દ્રપ્રસાદ સોલંકી સહિત બસપા અને અપક્ષ મળી પાંચ ઉમેદવારોનાં ભાવિ EVM મશીનમાં સીલ થયાં હતાં.
બારડોલી તાલુકામાં અંદાજિત 65.97 ટકા મતદાન થયું
બારડોલી તાલુકામાં અંદાજિત 65.97 ટકા મતદાન થયું હતું. જે ગત બે ચૂંટણી કરતાં ખૂબ જ ઓછું હોય રાજકીય પક્ષોએ પણ તારણ કાઢવું મુશ્કેલ બની ગયું છે. 2017ની ચૂંટણીમાં 71.80 ટકા અને 2012ની ચૂંટણીમાં 74.51 ટકા મતદાન થયું હતું. જેની સામે હાલની ચૂંટણીમાં 65.97 ટકા જ મતદાન થયું છે, જે રાજકીય નેતાઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. મતદારો કઈ તરફે રહ્યા છે તે અંગે કળવું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે આગામી 8મી ડિસેમ્બરના રોજ પરિણામના દિવસે જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.