વ્યારા: બાજીપુરા (Bajipura) ખાતે સહકાર મંત્રી તથા ગૃહમંત્રી અમિત શાહના (Home minister Amit shah) કાર્યક્રમને પરવાનગી ન આપવા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ (congress) સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, ધારાસભ્ય પુનાજી ગામીત, સુનીલભાઇ ગામીત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલા ગામીત, સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુભ ગામીત સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માટે જો વહીવટી તંત્ર તાપી અને સુરત (Surat) જિલ્લાના લાખો લોકોના જીવન જોખમમાં મૂકી પરવાનગી અપાશે તો આ પરવાનગીને કાયદાકીય રીતે કોર્ટમાં (court) પડકારી વહીવટી તંત્ર તથા આયોજકો સામે કાર્યવાહી કરવા કોર્ટમાં દાદ પણ કરવાની કોંગ્રેસે ચીમકી પણ આપી છે.
આવેદનમાં આગામી તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ બાજીપુરા ખાતે સહકારમંત્રી તથા ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉપસ્થિત રહેશે એવો ઉલ્લેખ કર્યો છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. જેથી કોરોના વકરવાનો ભય છે. જો આ કાર્યક્રમ બાજીપુરા ખાતે યોજાશે તો તાપી જિલ્લામાં કોરોના મહામારી વકરશે અને તે માટે સમગ્ર તાપી વહીવટી તંત્ર સુમુલના કર્તાહર્તાને તથા અન્ય આયોજકો જવાબદાર રહેશે. હાલમાં પાંચ રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ ચૂંટણી પંચ દ્વારા જાહેરસભા રેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફ લગ્ન પ્રસંગો માટે ગાઇડલાઇન જાહેર કરાય છે તો બીજી તરફ નેતાઓ ભીડ કરે છે. ભૂતકાળમાં પણ તાપી જિલ્લામાં લગ્ન પ્રસંગમાં હજારો માણસો ભેગા થતાં લગ્નપ્રસંગનું આયોજન કરનાર પર ગુનો દાખલ કરાયો હતો.
કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા સાડી અને ડીનરસેટનાં પ્રલોભનો અપાય છે
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ સંમેલનથી હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતાં મૃત્યુ થશે તેવી દહેશત છે. જેથી આ સંમેલમને વહીવટી તંત્રે મંજૂરી નહીં આપવી જોઇએ. મહત્તવનું તો એ છે કે સહકાર સંમેલન છે ત્યારે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓનું ઇન્કમટેક્સના મુદ્દાનું ૨૦૧૪માં ભાજપ આવી ત્યારથી આજદિન સુધી સરકાર તેનું નિરાકરણ લાવી શકી નથી. ભાજપના નેતાઓ દ્વારા ભીડ ભેગી કરવા માટે સાડી અને ડિનર સેટના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. જેની સામે અમારો વિરોધ છે. – ડો.તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી.