તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ શ્રમિકોને પૂરતી રોજગારી મળે અને ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ થાય તેવા હેતુથી સરકારના વિવિધ વિભાગો દ્વારા માળખાગત સુવિધાનાં જુદાં જુદાં કામો મંજૂર કરાયાં છે. આ કામોની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે એ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કામો તાપી જિલ્લામાં થાય એવી અપેક્ષા સાથે જિલ્લા વિકાસ અધિકારી કાપડિયા દ્વારા અમલીકરણ અધિકારીઓને ક્યાંય ઢીલાશ ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે.
સરકારના આ વિકાસલક્ષી કામોમાં ક્યાંય ગેરરિતી ન થાય અને સંપૂર્ણ પારદર્શક રીતે કામો થાય તેમજ તાપી જિલ્લાના લોકોને સંતોષ થાય તેવા ઉમદા આશય સાથે ‘મનરેગા મોનિટરિંગ એન્ફોર્સમેન્ટ સેલ’ની રચના કરવામાં આવી છે. જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના નેતૃત્વમાં ટેક્નિકલ કર્મચારીઓ સહિતની કુલ ૪ ટીમો બનાવવામાં આવી છે.
આ ટીમ રેન્ડમલી આકસ્મિક ચેકિંગ હાથ ધરશે અને જ્યાં પણ મનરેગા કામો શરૂ થયા હોય, કામ ચાલુ હોય તેમજ થોડું કામ પૂર્ણ થાય ત્યારે જિલ્લાની આ મોનિટરિંગ ટીમ દ્વારા ઓચિંતી સ્થળ તપાસણી કરી વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી કરવામાં આવશે. તેમજ ચેક લીસ્ટ મુજબ સંપૂર્ણ અહેવાલ જિલ્લામાં રજૂ કરશે. મોનિટરિંગ ટીમ ક્યાં જશે તેની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે, જેથી કામગીરી સારી રીતે કરી શકાય.