નડિયાદ: નડિયાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને લઇને છાશવારે રજૂઆતો થતી રહે છે. જોકે, આવા બાંધકામ સામે પાલિકા તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે. શહેરમાં આવી જ રીતે રીંગ રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું હોવાનું સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનના ધ્યાને આવતાં તેમના દ્વારા પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, દર વખતે થાય છે એમ પાલિકાએ નોટિસ આપી, પરંતુ બિલ્ડર નોટિસને ઘોળીને પી ગયા છે અને હાલમાં પણ બાંધકામની કામગીરી ચાલી રહી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી રીંગ રોડ પર જવાના માર્ગે આવેલા ટી.પી. સ્કીમ નંબર બે, ફાઇનલ પ્લોટ સર્વે નંબર 3૪૨ માં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટું કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જોકે, કેટલુંક બાંધકામ પરવાનગી વિના બિનઅધિકૃત રીતે કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવતાં સ્થાનિક કાઉન્સિલર અને સંગઠન ઉપરાંત સ્થાનિક રહીશો દ્વારા નડિયાદ નગરપાલિકાના સત્તાધિશો અને ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે. જોકે, પાલિકા તંત્ર દ્વારા રજૂઆતો બાદ દેખાડા માટે નોટિસ આપવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. નોટિસ આપ્યાના પખવાડિયા બાદ પણ બાંધકામ ચાલું જ રહ્યું છે, જેને લઇને કોન્ટ્રાક્ટર સામે તંત્ર કેમ પગલાં ભરતું નથી ? તેને લઇને અનેક ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે.