National

તામિલનાડુના સલેમમાં PM મોદી થયા ભાવુક, થોડીવાર માટે તેમનું ભાષણ રોકી દીધું

સલેમ: (Salem) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે તમિલનાડુના સલેમમાં 10 વર્ષ પહેલા જિલ્લામાં માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકરને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે થોડીવાર માટે પોતાનું ભાષણ બંધ કરી દીધું હતું. ભાજપ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ જિલ્લા સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓને યાદ કર્યા જેમાં ભાજપના દિવંગત નેતા કેએન લક્ષ્મણનનો પણ સમાવેશ થાય છે. જોકે તેઓ ‘ઓડિટર’ રમેશ વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા જેની હત્યા કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન વડાપ્રધાને પોતાનું ભાષણ થોડા સમય માટે રોકી દીધું હતું. જ્યારે તેમણે ફરીથી બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમણે રમેશના પાર્ટીમાં આપેલા યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે હું ઓડિટર રમેશને ભૂલી શકતો નથી. કમનસીબે આજે રમેશ આપણી સાથે નથી. રમેશે પાર્ટી માટે દિવસ-રાત મહેનત કરી હતી અને તે એક સારા વક્તા હતા. પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી. આજે હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

વી રમેશ ભાજપ તમિલનાડુના મહાસચિવ હતા
વી રમેશ વ્યવસાયે ઓડિટર હતા સલેમના વતની અને પાર્ટીના રાજ્ય એકમના મહાસચિવ હતા. જુલાઇ 2013માં તેમના ઘરમાં તેમની હત્યા કરવામાં આવી હતી. મોદીએ સ્વર્ગસ્થ લક્ષ્મણનને પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને તમિલનાડુમાં પાર્ટીના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.

જેઓ શક્તિનો નાશ કરવા માગે છે તેઓ વિનાશકારી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં ફરી એકવાર INDI ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું. આ સાથે પીએમ મોદીએ ફરી રાહુલ ગાંધીના શક્તિ સામે લડવાના નિવેદન પર આકરા પ્રહારો કર્યા અને મંચ પરથી કહ્યું કે આપણા શાસ્ત્રો એ વાતના સાક્ષી આપે છે કે જેઓ શક્તિનો નાશ કરવાનું વિચારે છે તેમનો વિનાશ થાય છે. જોકે રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top