તારીખ 28 ઓગસ્ટના ગુ.મિત્રમાં ‘ શિક્ષકોને જવાબદારીના પાઠ શીખવવાની જરૂર છે’ એ શીર્ષક હેઠળ નાનક ભટ્ટના લેખમાં તમામ શિક્ષકોને એક લાકડીથી ઝૂડી નાંખ્યા છે.વાહ..! રાજ્યમાં એકેય નિષ્ઠાવાન શિક્ષક નથી.! પ્રસ્તુત લેખમાં શિક્ષકને મળતી રજાઓ, કામના કલાકો અને ફરજ બાબતે આંકડા સાથે જે વાતો રજૂ કરી જે કહેવાયું છે તેમાં શિક્ષકો પ્રત્યેની સૂગ કે ઈર્ષા જવાબદાર હોય એમ લાગે છે. ખરેખર તો આ પ્રકારની સગવડો રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને મળે છે. જેમને વેકેશન નથી તેમને માંદગીની રજાઓ મળે છે .પગાર ધોરણ તો રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને પણ આ પ્રકારે જ મળે છે.
શિક્ષણનું સ્તર કથળ્યું હોય તો તેમાં માત્ર શિક્ષક જ જવાબદાર? સરકારી નીતિ, શિક્ષકોને એમની ફરજમાં ન આવતા 50થી વધુ પ્રકારના કામો શિક્ષણના ભોગે ફરજિયાત સોંપવા, છાસવારે શિક્ષણમાં થતા પ્રયોગો વગેરે શું જવાબદાર નથી? દરેક ક્ષેત્રમાં ઓછો વધતો સડો છે, નિષ્ઠા વગરના માણસો છે, તો માત્ર શિક્ષકોને જ દોષ દેવો ઉચિત નથી.પોતાનું કામ નિષ્ઠાપૂર્વક બજાવનારા શિક્ષકો હજારોની સંખ્યામાં મળશે; બસ જોવાની દ્રષ્ટિ બદલવી પડે. વળી, હવે સરકારી અને ગ્રાન્ટેબલ શાળાઓ કરતા સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની સંખ્યા વધી છે ત્યારે લેખમાં કરેલ પગાર ધોરણ અને રજાઓની વાત બધે લાગુ પડતી નથી. પંતુજી ગણાતો શિક્ષક આર્થિક રીતે પગભર થયો છે એમાં લેખકને પેટમાં દુઃખે છે..! ટૂંકમાં પ્રસ્તુત લેખ અધકચરી માહિતી સાથે કેવળ દ્વેષથી એકતરફી દૃષ્ટિકોણથી લખાયો હોય એવુ સ્પષ્ટ થાય છે.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.