પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાને દેખાવકારો પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 3નાં મોત થયાં હતાં. દેખાવકારોએ તાલિબાની બેનર હટાવીને અફઘાનિસ્તાનનો ઝંડો મૂકવાની હિમ્મત કરી હતી. આનાથી તાલિબાનો અફઘાનિસ્તાન પર કેવું શાસન કરશે એની દહેશતો વધી છે. તાલિબાનો સુધરી ગયાનો દાવો કરે છે, માનવ અધિકાર અને મહિલાઓના આદરની વાતો કરે છે પણ જલાલાબાદમાં હુમલો કરાયો ત્યારે દહેશત વધી છે. ઘણા અફઘાનો બીકના માર્યા ઘરમાં જ રહ્યા છે અથવા અમુક દેશ છોડી ભાગવાની ફિરાકમાં છે.
અફઘાનના મધ્યસ્થ બૅન્કના ગવર્નરે ચેતવણી આપી છે કે અમેરિકાના પ્રતિબંધોથી અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટું જોખમ છે. એની પાસે વિદેશી ચલણ આમેય નથી. તાલિબાનોનો વિરોધ કરવા અમુક લોકો પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એકત્ર થયા હતા અને અફઘાનનો એના સ્વતંત્રતા દિવસના એક દિન અગાઉ તિરંગો ઝંડો ફરકાવ્યો હતો. તેમણે તાલિબાની ઝંડો નીચે ઉતાર્યો હતો અને એનાથી નારાજ તાલિબાને હવામાં ગોળીબાર કર્યો હતો અને લોકોને વિખેરવા લાકડીઓ મારી હતી. સ્થાનિક સમાચાર સંસ્થાના એક પત્રકાર અમિરઝાદાએ કહ્યું કે તાલિબાનોએ એને માર્યો હતો. ઘટનામાં 3નાં મોત મનાય છે અને બીજા છ ઘાયલ થયા હતા. એક અન્ય હેવાલ મુજબ પત્રકાર નઝિરઝાદાની ગોળી મારી હત્યા કરાઇ હતી.
હિજાબ પહેરવાનો ઇનકાર કરવા બદલ એક મહિલાને પણ ગોળીથી મારી નખાઇ હતી. જલાલાબાદ તે જ શહેર છે જેને તાલિબાને કાબુલની પહેલાં કબજે કર્યું હતું. અહીંના લોકોએ તાલિબાનનો ઝંડો ઉઠાવવાને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. બુધવારે રેલી દરમિયાન તેઓએ સીધો જ તાલિબાનીઓને પડકાર ફેંક્યો હતો.
તાલિબાન વિરોધ કે હિંસા સહન કરતું નથી. તાલિબાને એક પણ ગોળી ચલાવ્યા વિના સત્તા કબજે કર્યા બાદ આ પહેલો વિરોધ છે. જો કે જ્યાં તાલિબાન હજી ગયું નથી એ પંજશીર પ્રાંતમાં પણ વિરોધ વધી રહ્યો છે. દરમ્યાન તાલિબાન સરકાર રચવા માટે વાટાઘાટ ચાલુ રાખી છે. તેમણે અફઘનના પૂર્વ રાષ્ટ્રપતિ હમિદ કરઝાઇ અઅને અબ્દુલ્લા સાથે ચર્ચા કરી હતી.
કાબુલથી ઉડાન ભરનારા અમેરિકન પ્લેનના વ્હીલ પરથી મળ્યા માનવ અંગોના અવશેષો
કાબુલમાં ફસાયેલા અમેરિકન ડિપ્લોમેટ્સ અને નાગરિકોને લઈને રવિવારે ઉડાન ભરનારા અમેરિકન વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાનના પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાલિબાનના કાબુલ પર કબ્જા બાદ ગમે તે ભોગે દેશ છોડવા માંગતા હજારો અફઘાનીઓ એરપોર્ટના રનવે પર ઉમટી પડ્યા હતા. આ દરમિયાનમાં અમેરિકન વાયુ સેનાના વિમાને ઉ઼ડાન ભરી ત્યારે તેના પૈડા પર પણ કેટલાક લોકો ચઢી ગયેલા નજરે પડયા હતા.આ ઘટનાની અમેરિકન વાયુસેના સમીક્ષા કરી રહી છે અને ચોંકાવનારી વાત એ છે કે પ્લેન લેન્ડ થયા બાદ જ્યારે ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા.