સુરત : આખા દેશમાં ભારે ચકચાર જગાવનાર સુરતમાં સરથાણા ખાતે થયેલા તક્ષશિલા આગ કાંડની ઘટનામાં જીવતા મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાંજલી આપવાના ભાગરૂપે મહાપાલિકા દ્વારા જે સ્થળે આ દુર્ઘટના બની તેની આસપાસમાં શહીદ સ્મારક બનાવવામાં આવશે. આ માટે મનપાના શાસકો દ્વારા બજેટમાં રૂપિયા એક કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી.
- સરથાણા ખાતે તક્ષશિલા એપાર્ટમેન્ટમાં 24 મે 2019ના રોજ આગ લાગી હતી
- આ ઘટનામાં આગથી અને ઉપરથી નીચે કૂદવાના લીધે 22 બાળકોના મોત થયા હતા
- હવે પ્રાણીસંગ્રહાલય અને ગણેશ ડેરીની બાજુમાં અથવા નજીકમાં કશેક શહીદ સ્મારક બનાવા લેવાયો નિર્ણય
સને 2019માં 24મી મેના રોજ સુરતમાં સરથાણા ખાતે તક્ષશિલા આગ કાંડની આ ઘટના બની હતી. આગને કારણે માસુમ બાળકો પૈકી કેટલાક જીવતા ભૂંજાઈ ગયા હતા. તો કેટલાક આગથી બચવા માટે ઉપરથી કૂદયા હતા અને નીચે પડતા મોતને ભેટ્યા હતા. આ હોનારતમાં કુલ 22ના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી ઊભી થઈ હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને મહાપાલિકા, ફાયર તેમજ ડીજીવીસીએલના અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આશરે અઢી વર્ષ બાદ મનપાના ભાજપ શાસકો દ્વારા તક્ષશિલા કાંડમાં મોતને ભેટેલા બાળકો માટે શહીદ સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રાણી સંગ્રાહલય પાસે ગણેશ ડેરીની બાજુમાં અથવા આસપાસના વિસ્તારમાં આ માસુમ બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવશે.
શહીદ સ્મારકની જાહેરાત સાથે બાળકો મનપા અને ડીજીવીસીએલના પાપે ભૂંજાઈ ગયાનો એકરાર પરંતુ ચેરમેને શહીદ શબ્દ હટાવી દેવાનું કહી વાત વાળી લીધી
મનપાના ભાજપ શાસકો દ્વારા તક્ષશિલા આગ કાંડનો ભોગ બનેલા માસુમ બાળકોને માટે શહીદ સ્મારક બનાવવાની જાહેરાત કરી જાણે મનપા તેમજ ડીજીવીસીએલના પાપે જ આ બાળકોને મોતને ભેટ્યા હોવાનો આડકતરો એકરાર કરી લીધો હતો. જોકે, બાદમાં ચેરમેન પરેશ પટેલે ‘શહીદ’ શબ્દનો ઉપયોગ નહીં કરાય તેમ કહી વાત વાળી લીધી હતી. જો સ્મારકમાં શહીદ શબ્દ વપરાશે તો મનપા અને ડીજીવીસીએલના તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બાળકો મોતને ભેટ્યા હોવાના એકરાર સાથે મનપાના ઈતિહાસમાં આ કાળી ટીલી કાયમ માટે ઉજાગર થતી રહેશે.
એક બાજુ બીઆરટીએસ રૂટ પર પીપીપીથી સોલારની વાત, બીજી બાજુ 65 કરોડની જોગવાઇ કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાના હેતુથી સુરતને એનર્જી સેવિંગ અને સોલાર સિટીના બનાવવા માટે મનપાના 108 કિમીના BRTS રૂટ પર સોલાર રૂફટોપ પાવર જનરેશન કરવા માટે 10 મેગાવોટના સોલાર પેનલ મુકવા માટે બજેટમાં 65 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જો કે તાજેતરમાં જ આ રૂટ પર પીપીપીથી વર્ટીકલ મેઇન્ટેન્સના મનપાને 45 કરોડનો લાભ કરાવતા ઇજારાનું ટેન્ડર આ રૂટ પર પીપીપીથી સોલાર રૂફ ટોપનું આયોજન કરાવું હોવાનું કહીને દફતરે કરી દેવાયા છે, ત્યારે આ જોગવાઇથી આશ્ચર્ય થયું છે.
ફાયરમાં ક્વીક રિસ્પોન્સ માટે 25 લાખ, વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન માટે મનપાની પણ સબસીડી
ફાયર અને અન્ય અકસ્માત જેવી ઘટનાઓ માટે મહાનગર પાલિકા દ્વારા ત્વરિત જાણ થાય તે માટે ૨૫ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય ભુગર્ભ જળ સ્ત્રોતને સુધારવા માટે ૧૦૭૬ ચો. ફુટ અને ૫૩૮૦ ચો. ફુટના ટેરેસ મુજબના ઘરો અને એપાર્ટમેન્ટ માટે નવી ડિઝાઈન મુજબ રેઈન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારની ૩૫ કરોડની ગ્રાન્ટ સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
દરેક ઝોનમાં જનસેવાકેન્દ્ર, દરેક ઝોનમાં મિનિ ઓડિટોરિયમની જૂની જોગવાઇ ફરી મુકાઇ
જ્યારે ઉધના ઝોન – બી ખાતે જે રીતે જન સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે તેવા જ જનસેવા કેન્દ્રો શહેરના અન્ય ઝોનમાં પણ શરૂ કરવા માટે ૨૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરીજનો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા યુવાઓને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં પહેલીવાર સિન્થેટિક રનિંગ-વોકિંગ ટ્રેક બનાવવા માટે પણ પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય ૩૬ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે શહેરના દરેક ઝોનમાં આવશ્યકતાનુસાર ૪૦૦થી ૫૦૦ પ્રેક્ષકોની મર્યાદા ધરાવતા મિનિ ઓડિટોરિયમ બનાવવા માટે પણ આયોજન સ્થાયી સમિતિની બજેટમાં સમાવાયું છે. જોકે, ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આવી જોગવાઈ થઈ ચૂકી છે.