ડોલવણના તકિઆંબા ગામે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારમાંથી તા.૩૦મી જૂનના રોજ તકિઆંબા અને બેસનીયા ગામના રેશનકાર્ડધારકોનું આખા વર્ષ દરમિયાનનું અનાજ રેશનકાર્ડધારકોને નહીં આપી વાહન નં. GJ 19 V 1336માં વેચાણ અર્થે બહાર ગામ લઈ જતાં ગ્રામજનોએ અટકાવી જે તે સમય ડોલવણ મામલતદારને આની જાણ કરી હતી. તપાસ દરમિયાન પીકઅપ વાહનમાંથી ૬૨ ગુણ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.
પણ અઠવાડિયા પછી પણ કોઇ ફોજદારી કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ડીએસઓને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે, આ જથ્થો ઝડપાયો ત્યારે વાહનચાલકને પૂછતા સસ્તા અનાજની દુકાનના ગોડાઉનમાંથી આ જ માસમાં ૩ ફેરા અનાજનો જથ્થો સગે વગે કર્યું હોવાનું નાયબ મામલતદારને વાહનચાલકે રૂબરૂ જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં જયસિંહભાઈ બાપુભાઈ કોકણીના ગોડાઉન તેમજ ઘરમાં વધુ અનાજનો જથ્થો પડ્યો હોવાનુ જણાવ્યું હતું. સરકારી કર્મચારી દ્વારા તપાસ કરતા ૪૫ ગુણ અનાજનો જથ્થો જયસિંહ કોંકણીના ઘરમાંથી મળી આવ્યો હતો.
જેની કિંમત પૂરવઠા મામલતદાર અને મામલતદાર દ્વારા રૂ.૪,૬૫,૯૫૬.૪૦નો મુદ્દામાલ હોવાનું જણાવ્યું હતું.વધુમાં ઉમેર્યુ છે કે, વર્ષોથી બંને ગામના રેશનકાર્ડ ધારકોને દુકાનમાં અનાજ લેવા જાય ત્યારે ૫થી ૭ વાર ધક્કો ખવડાવી “ આજે નેટ નથી ચાલતુ અથવા લાઇટ નથી, લાઇટ હોવા છતાં પાવર ઓછો છે” કહી બહાનું કરી ગામના લોકોને કુપન આપવામાં આવતી ન હતી. આવી હેરાનગતિથી ગ્રાહકો અનાજ લેવા જતા ન હતા. કેરોસીન કાર્ડ ઉપર નહીં આપતાં તમારું કેરોસીન આવ્યું નથી. ગ્રાહકના રેશનકાર્ડમાં અનાજની એન્ટ્રી કરી અનાજ ઓછું આપવા છતાં પૂરેપૂરો દર્શાવતો અને કહેવા જતાં “ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો ” એમ કહી ભોળી પ્રજાને ધાકધમકી આપી ૨વાના કરી આપતો હતો. જેથી તેનું લાઇસન્સ રદ કરી ફોજદારી રાહે કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી છે.