Business

સ્વાસ્થ્યની કાળજી લઈ રોજા રાખો

રમઝાન માસ મોટે ભાગે કાળઝાળ ગરમી ઓકતા ઉનાળામાં આવે. અહીં પુષ્કળ ગરમી અને પાણીની પણ મનાઈ. ખૂબ આકરા ઉપવાસ! પણ રોજા ખૂલે પછી ખૂબ વધુ કેલરી ધરાવતો (મોટે ભાગે તળેલો) ખોરાક ખાવામાં આવે અને એ કેલરી બાળવા માટે કોઈ કસરત આ દિવસોમાં કરવામાં ન આવે એટલે પાચનતંત્ર પર લોડ વધે અને અંતે રોગપ્રતિકારકશક્તિ ખોરવાય. અહીં આપણી રોગપ્રતિકારકશક્તિ જળવાઈ રહે અને સાથે સાથે ધાર્મિક મૂલ્યોની પણ જાળવણી અકબંધ રહે તે રીતે રોજા રાખવામાં આવે તો ચોક્કસ થનારા નુકસાનને ટાળી શકાય. એ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

  • રોગપ્રતિકારકશક્તિ ઓછી ન થાય તે માટે રોજા ખોલતી વખતે  એસિડિટી ન થાય તે માટે ૧૦-૧૨ કાળી સૂકી દ્રાક્ષ અથવા ૧ વાડકો તરબૂચ ખાવું. કાળી દ્રાક્ષ ગ્લુકોઝ અને આયર્નયુક્ત હોઈ તાકાત આપશે. તરબૂચ પાણીથી ભરપૂર હોઈ આખા દિવસનું હાઈડ્રેશન મળી રહે.
  • ખૂબ ગરમીના દિવસો હોઈ, રોજો તોડ્યા બાદ પુષ્કળ તળેલા વ્યંજનો લેવાનું ટાળવું. તળેલી વાનગીઓને પચાવવા શરીર વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન કરે જે આપને હાઇપર એસિડિટીનો અનુભવ કરાવશે. વળી, તળેલા વ્યંજનો આવી ગરમીમાં પચાવવા ભારે પડી શકે જેને કારણે ઝાડા – ઊલ્ટી થવાની સંભાવના રહે.
  • જો પરંપરાગત તળેલા વધુ કેલરી ધરાવતાં વ્યંજનો ખાવા જ પડે એવું હોય તો મુખ્ય ભોજન પહેલાં કોઈ પણ શાકભાજીનો કે ચિકનનો સૂપ લીધા બાદ જ ભોજન કરવું જેથી પ્રમાણમાં નુકસાનકારક એવો ભારે ખોરાક ઓછા પ્રમાણમાં ખાઈ શકાય.
  • વિટામિન સી ધરાવતાં ફળોનો ઉપયોગ દર ૨-૩ કલાકે કરતાં રહેવો. આ ફળોમાં સંતરાં, દ્રાક્ષ, જમરૂખ, મોસંબી, પાઈનેપલ જેવાં ફળોનો સમાવેશ થાય છે.
  • દર બે – અઢી કલાકે પુષ્કળ રંગ અને ઍસેન્સ ધરાવતાં શરબતોને બદલે તાજા લીંબુનું શરબત થોડી થોડી માત્રામાં લેવાનું રાખો.
  • બિરિયાનીમાં ઓછી માત્રામાં ઘી, સમોસા અને પરાઠા તળવાને બદલે ઓવનમાં બેક કરી ખોરાકને લો કેલરી બનાવી શકાય.
  • ડેઝર્ટમાં ફાલુદા કે આઇસક્રીમ(હાલ આઇસક્રીમ માત્ર દૂધના બનેલા હોતા નથી. પુષ્કળ ચરબીથી ભરપૂર વેજીટેબલ ફેટના બનેલ હોઈ વધુ નુકસાન કરે છે) ને બદલે જેલી અને લો શુગર પુડિંગ અથવા ફ્રૂટ મિલ્કશેક પી શકાય.
  • સવારે રોજા શરૂ થાય તે પહેલાં ડ્રાયફ્રૂટ મિલ્કશેક પી શકાય જેના દ્વારા આખા દિવસ માટેની એનર્જીનો સંચાર શરીરમાં કરી શકાય.
    આમ, આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખી રોજા કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન કર્યા વગર ધર્મ નિભાવી શકાશે.

Most Popular

To Top