Columns

કાગડાને કાળજામાં રાખો..!

આયો રે આયો રે આયો રે…..’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ…ફેણિયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..! પણ આ તો માઈક ટેસ્ટીંગ કરી જોયું..! સાલો એક પણ દેશ એવો નહિ મળે કે જ્યાં કાગડા ને પંચાતિયાની વસ્તી જ ના હોય..!  જેમ બધે જ કાગડા કાળા હોય, એમ પંચાતિયા પણ દરેક દેશમાં રેશનકાર્ડ કઢાવીને જ બેઠાં હોય..! ભાદરવો બેસે ને ભીંડો ઊગે, એમ આવાં મીંઢા પણ ‘અલખ નિરંજન’ બોલીને હાજરાહજૂર થઇ જાય..!

  • અષાઢે મેઘો ભલો… ને શ્રાવણમાં ભલો શીરો,
  • ભાદરવે દૂધપાક ભલો…ને દિવાળીએ ઘૂઘરો  

અહાહાહા..! શું ભર્યો ભાદર્યો આ ભાદરવાનો નજારો છે..? એક બાજુ શ્રાદ્ધ પક્ષનો માસ ને બીજી બાજુ ધુંઆધાર વરસાદનો સમાસ..! વરસાદ પલળાવતાં અટકતો નથી ને શ્રાદ્ધનો મહિમા પાછો ઠેલાતો નથી. સારું છે કે, મુશળધાર વરસાદ જોઇને કાગડાઓ રેઈનકોટ માંગવાની જીદ કરતા નથી. બાપા પલળે તો ચાલે જ કેમ, એવા લાગણીવેડામાં રેઈનકોટ પણ આપવો પડે ને બામના બાટલાનો પણ કાગવાસ કરવો પડે..! જીવતાં જીવત ભલે પલાળ્યા નહિ હોય, પણ વરસાદમાં બાપા પલળે તો હૃદય ચીરાઈ જાય..!

૧૧-૧૧ મહિના સુધી ભલે કાગડાને નજરઅંદાજ કરો, પણ રાતોરાત આખી મીનીસ્ટ્રી બદલાઈ જાય એમ, ભાદરવો બેસે એટલે ૧૧ મહિનાની મીનીસ્ટ્રી આઉટ ને કાગવાસનું શાસન શરૂ..! શ્રાદ્ધનો સંપૂર્ણ હવાલો  કાગડા પાસે  હોય. જે માંગે તે આપવું પડે.!  ભાદરવો એટલે કાગડા-દર્શનનો માસ..! ધૂળધોયાઓ સોનું શોધે એમ, આપણે પણ કાગડા જોઇને નક્કી કરવાનું કે, કયો કાગડો કોના પૂર્વજોની ‘ડીઝાઈન’ વાળો છે..! એના કપાળમાં કાંદા ફોડું, શ્રીશ્રી ભગાના એક પૂર્વજ તો એવાં ‘એન્ટીક’ કે, જ્યાં સુધી સાયગલસાહેબના ગીત નહિ સંભળાવો ત્યાં સુધી, કાગડો કાગવાસ નહિ ઉપાડે..!

ઊડી-ઊડીને ભાગી જાય..! પણ પરિવાર એવો સંસ્કારી કે, શ્રદ્ધા અને શ્રાદ્ધના મામલામાં પોતાના પરપોટા કાઢે જ નહિ. ચલતીકા નામ ગાડી સમજીને ચાલવા દે..! આડા ઢેફાં નહિ નાંખે..! જીવતા હોય ત્યારે ભલે આઘું-પાછું થયું હોય, પણ શ્રાદ્ધના મહિનામાં સ્વર્ગસ્થ સાથે એસીડ ટેસ્ટ નહિ કરે. કાગડો કહે એ સવા વીસ સમજીને, કાગડાને જ કાળજામાં રાખે..! પેટ છૂટી વાત કરું તો, તાલીબાની સેનાને કદાચ પહોંચી વળાય, પણ શ્રાદ્ધ ટાણે વિફરેલા કાગડાને નહિ પહોંચાય..! કાગડાની ફોજ બહુ કાબેલ હોય મામૂ..! ભાદરવાના મહિનામાં જો કાગડા સામે આંખ આડા કાન કરવા ગયા તો, ભીંગરાં કાઢી નાંખે..!

બાંધછોડમાં તો એ લોકો સગા બાપની શરમ નહિ રાખે..! જંગલના રાજા પાસે જે પાવર નહીં, એવાં પૂર્વજોના ‘સ્પેશ્યલ પાવર’ કાગડા પાસે જ હોય..! શ્રાદ્ધના દિવસો શરૂ થાય એટલે, કોઈ પણ પ્રકારની ટોપી પહેરેલી સારી..! એટલા માટે કે, કાગડાઓની ચાંચ ચકલી જેવી મુલાયમ હોતી નથી. વાંકુ પડ્યું ને, કાગડાના હવાઈ હુમલા થાય તો ટાલને રક્ષણ મળે..! કાગડો પોતાની જ ભાષા બોલે. પોપટની માફક બીજાએ પઢાવેલી ભાષા બોલતો ના હોવાથી, કાગડો પોપટની માફક પાંજરે પુરાયો નથી. એટલે તો શ્રાદ્ધના દિવસો સિવાય કોઈ એને પંપાળતું નથી. શ્રાદ્ધના દિવસો આવે, એટલે લોકોમાં ‘કાગડા-પ્રેમ’ ઉભરાવા માંડે.

એ તો સારું છે કે, ગુગલમાં એવાં કોઈ ફીચર્સ અપ-ડેઇટ થયા નથી કે, કાગડાના દેખાવ ઉપરથી પૂર્વજની બાયોગ્રાફી મળી જાય.  નહિ તો કંઈ કેટલા કાગડાઓ પાંજરામાં સબડતા હોત..! કોને ખબર કયા ભેજાબાજે શ્રીશ્રી ભગાના ભેજામાં ભૂસું નાંખેલું તે, શ્રાદ્ધ મહિનો બેસે ને એ કાગડાના કલરના ‘ડ્રેસકોડ’ માં જ આવી જાય. મને કહે, ‘રમેશીયા..! કાગડાને પણ  લાગવું જોઈએ કે,  આ લોકો પૂર્વજોનો મલાજો તો વ્યવસ્થિત રાખે છે. પૂર્વજો આગળ છાપ સુધરે બીજું શું..? શ્રીશ્રી ભગો એટલે, ખાડી નાની ને પુલ મોટો.  અક્કલ ઓછી પણ  ઉમેદ વધારે. કોઈ માંગે કે નહિ માંગે પણ સલાહ તો આપવાનો..! મને કહે, ‘રમેશીયા..! મોર ભલે રળિયામણો હોય, એના ડાન્સથી એ ઢેલને સંતૃપ્ત કરી શકે, બાકી ઉકલી ગયેલા ડોહલાઓને નહિ..!

શ્રાદ્ધના મામલામાં તો કાગડું જ કામ આવે..!  તને ખબર છે,” ત્રેતાયુગમાં એક કાગડાએ સીતાજીને ચોંચ મારવાનો અભદ્ર વ્યવહાર કરેલો, એમાં કાગડાએ એની એક આંખ ગુમાવેલી. ધ્યાનથી જોજો, એ ડણાક-ડણાક જ જોતો હોય..!  પાછળથી ભગવાન શ્રીરામને ખબર પડી કે, કાગડો તો ઇન્દ્રનો પુત્ર જયંત કહેવાય..! પણ ‘ હો ગયા સો હો ગયા’  એટલે ભગવાન શ્રી રામે વરદાન આપેલું કે, ‘જા, તને ખવડાવેલા ભોજનથી ખવડાવનારના પિતૃઓ કાગવાસ ખાઈને સંતૃપ્ત થશે. ત્યારથી પૂર્વજોને ટીફીન સેવા પૂરી પાડવાનું ‘લાઈસન્સ’  કાગડાઓ પાસે છે. 

એટલે તો, ડોહાઓ સાથે કાગડાઓની સાંઠ-ગાંઠ એવી મજબૂત હોય કે, એક-એક કાગડો પૂર્વજોના જાસૂસ જેવો લાગે..! ખુદની છાપને બગાડવી ના હોય તો, કાગડા સાથે સંબંધો સલૂણા જ રાખવા. હું એમ નથી કહેતો કે, કાગડાઓને ખોળે બેસાડીને બચીઓ કરવાની, પણ આદર  કરવાનો..! બાકી, નહિ ખાધી હોય તો એક વાર કાગડાની મજબૂત ચોંચ ખાઈ જોજો. ઉકલી ગયેલા વડવાઓ યાદ કરાવી દેશે..! ચોંચ મારવી એ માણસનો ઈજારો નથી, કાગડાઓનો સ્વભાવ છે. માણસ તો લાગ જોઇને લાકડાં ભાંગે, પણ કાગડાઓ  ચોંચ મારવા માંડે ત્યારે  ચોઘડિયાં જોતાં નથી.

ચૂંટણી આવે ત્યારે મતદાર યાદ આવે એમ, શ્રાદ્ધના દિવસો આવે એટલે  લોકોને કાગડા યાદ આવવા માંડે ને કાગડાને લોકો યાદ આવે..! જોવાની વાત એ છે કે, માણસે કાગડાના અવાજની મિમિક્રી કરી હશે, બાકી કાગડાએ ક્યારેય માણસના અવાજની ‘મિમિક્રી’ કરી નથી. એ ભલો ને એની કાગડાઈ ભલી..! માટે કહું છું કે, સરાધીયાના દિવસોમાં કોઈ પણ જાલીમે કાગડાઓ જોઈને પથ્થરબાજી કરવી નહિ…!  બીજાને જે કહેવું હોય તે કહે, પણ કોઇ પણ કાગડાને લુચ્ચો  કહેવો નહિ..!  સંભવ છે કે, એમાંનો એકાદ કાગડો આપણો સ્વજન પણ નીકળે..! ‘ સૌનો વાસ સૌની સુવાસ…..!

લાસ્ટ ધ બોલ

હોટલમાં જમવા જઈએ અને ‘વેઈટીંગ’ માં બેસવાનું આવે, ત્યારે ખબર પડે કે, માણસ  કરતાં તો કાગડાઓની ઈજ્જત ઊંચી. ખાવા માટે કાલાવાલા કરવા પડે.  આપણે તો જમવાને બદલે કોઈના બેસણામાં આવ્યા હોય એમ એક કોરાણે બેસી રહેવાનું, ને ટેબલ ખાલી થાય ત્યાં સુધી ‘મોબાઈલ-ચાલીસા’ કરવાની. એના કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top