Charchapatra

ક્લોક ટાવરની કાળજી તોલો !

આજે રીસ્ટવોચ, વોલક્લોકનું મહત્વ મોબાઈલે ઘટાડી દીધું છે, મોબાઈલમાં એક સુવિધા સમય અને તારીખ દર્શાવવાની પણ હોય છે. પાછલી સદી સુધી શહેરીજનોને સમયની જાણ થાય તે માટે શહેરની વચ્ચે ઘડિયાળ સાથે ટાવરનું નિર્માણ થતું હતું. આવા ટાવર શહેરની શોભા વધે તે હેતુસર ક્લાત્મક દેખાવ સાથે તૈયાર થતા હતા. સૂરત શહેરના ક્લોક ટાવર પર રાષ્ટ્રીય પર્વે રાષ્ટ્રધ્વજ લહેરાતો અને ઈલેક્ટ્રીક લાઈટની રોશની થતી હતી. શહેરના હિતાર્થે સખી દાતા બરજોરજી ફ્રેઝરે તેમના પિતા મહેરવાનજીની યાદમાં અઢારસો ઈકોતેરની સાલમાં ત્યારના રૂપિયા અગિયાર હજારના જંગી ખર્ચે ક્લોક ટાવરનું નિર્માણ કર્યું અને સુધરાઈને અર્પણ કરવા સાથે ત્રણ શરતો મૂકેલી.

પહેલી શરત મુજબ ટાવરની જાળવણીની જવાબદારીની હતી, કાળક્રમે સુધરાઈ તરફથી તેની ઉપેક્ષા થવા લાગી. બીજી શરત દાતાની દીર્ઘદૃષ્ટિવાળી હતી. ભવિષ્યમાં શહેરનો વિકાસ થતાં વેપારથી ધમધમતા સંસ્કાર સભર શહેરમાં ગીચતાને કારણે જો એલાઈન્ટમેન્ટને કારણે ટાવરને અન્ય સ્થળે ખસેડવાનું પણ વિચારાય તો બાંધકામનું સ્વરૂપ અને તકતી જાળવી રાખવામાં આવે, જો કે આજપર્યત ટાવરના સ્થળાંતર વિશે વિચારાયું નથી. ત્રીજી અગસ્ટની શરત ક્લોક ટાવરની સ્પષ્ટ રીતે ક્લોક ટાવરમાં દર્શાવાતો સમય શહેરીજનો જોઈ શકે તે માટે ઘડિયાળ તો પહેલેથી જ જરૂરી ઊંચાઈનો ખ્યાલ રાખી ટાવરમાં ચારે બાજુએ મૂકાઈ હતી, પણ સાવચેતી ખાતર તેની જગ્યાએથી પાંચસો મીટર સુધી કોઈપણ ઈમારતનું નિર્માણ કરવામાં ન આવે તેવી અપેક્ષા હતી, પણ સુધરાઈ દ્વારા તેવી ઉમદા અપેક્ષા અને ભાવનાને કચડી નાંખવામાં આવી.

સૂરત મહાનગર પાલિકા બન્યા પછી તો મેઈનટેનન્સમાં પણ એટલીજ બેદરકારી જોવાઈ છે. ક્લોક ટાવરનાં ઘડિયાળો બંધ પડી રહેવાનું સામાન્ય થઈ પડયું અને હવે તો તેમાં બેસાડેલાં ઘડિયાળો પણ ગાયબ થઈ ગયેલા જોવાયાની ઘટના બની છે. ક્લોક ટાવરની આસપાસ પાંચસો મીટરમાં આવતી ઈમારતોનું ડિમોલીશન થવું જોઈએ.
સુરત- યૂસુફ એમ. ગુજરાતી–આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top