વડોદરા: શહેરના વોર્ડ નંબર 11 માં આવેલ ટાગોર નગર વિસ્તારમાં પાલિકાની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કો.ઓ. સોસાયટી દ્વારા હોલ અને ઓફિસ ઉભી કરી દેવામાં આવી છે અને વર્ષોથી સાંસ્કૃતિક ફંડના નામે સોસાયટીની તિજોરી ભરી રહ્યા છે. આ અંગે ટૂંક જ સમયમાં પાલિકા દ્વારા તપાસના આદેશો કરવામાં આવશે. વડોદરા મહાનગર પાલિકાની હદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓ.પી.રોડ.પર સૈયદ વાસણા-અકોટા ટી.પી.સ્કીમ નં -૧૫ જેને સરકારના શહેરી વિકાસ ગાંધીનગર દ્વારા ફાયનલ નોટીફીકેશન નં GH/V/119 OF 1995/TPS-1294-1495 L તા – ૫-૧૦-૯૫ થી મંજુર કરવામાં આવેલ છે.તેમા ફાયનલ પ્લોટ નં ૨૧ આશરે ૨૫,૦૦૦ ચો.ફુટ પર ગેરકાયદેસર કબ્જો હોવાનું જાણવા મળ્યું છે.
જે વડોદરા મહાનગરપાલિકા ની માલિકીનો વાણીજ્ય વેચાણ માટેનો અનામત પ્લોટ રાખવામાં આવેલ છે. આ પ્લોટની માલિકી તા- ૫-૧૦-૯૫ થી વડોદરા મહાનગરપાલિકાની છે. તેમજ વડોદરા મહાનગરમા માલિકીના ટી.પી.ના અનામત પ્લોટો ની દેખરેખની તેમજ જાળવણી ની જવાબદારી વહીવટી વોડૅ ના વોડૅ ઓફીસરની હોય છે. પરંતુ આ પ્લોટ મા છેલ્લા ૨૫ વષૅથી ટાગોર નગર કો.ઓ.હા.સોસાયટીના પ્રમુખ,મંત્રી,સહમંત્રી દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્લોટમાં ગેરકાયદેસર હોલનુ બાંધકામ વષૉથી કર્યું છે.અને ટાગોર નગર સોસાયટીના પ્રમુખ, મંત્રી, સહમંત્રી વડોદરા મહાનગરપાલિકાના માલિકીના પ્લોટને સોસાયટીના તેમજ વડોદરા ના રહીશોને ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગે તેમજ બેસણાના પ્રસંગે તેમજ અન્ય કાર્યક્રમો માટે મોટી રકમ લઈ ને ભાડેથી આપે છે. આ સમગ્ર બાબત પાલિકાના ધ્યાન ઉપર છે કે કેમ અને હોય તો કોઈના ઈશારે આ કામ થઇ રહયું છે કે શું તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દે પાલિકાના અધિકારીઓ દ્વારા ટૂંક જ સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે આ સમગ્ર બાબત વોર્ડ ઓફિસરના ધ્યાન ઉપર હોવી જ જોઈએ પરંતુ ક્યાંક તેઓની પણ મિલી ભગત નથી ને તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.