Business

પૌરાણીક કાળ સાથે જોડાયેલું માંડવી તાલુકાનું પ્રગતિશીલ ગામ તડકેશ્વર

સુરત જિલ્લો ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠો છે. માંડવી તાલુકાનું તડકેશ્વર ગામ એવા જ પૌરાણીક કાળ સાથે જોડાયેલું છે. માંડવી-કીમ રોડ પર આવેલા તડકેશ્વર ગામનું નામ પહેલા ‘ભીમનગર’ હતું. 2 હજાર વર્ષ પૂર્વે તુર્કી લોકોએ આ ગામમાં રાજ કર્યું હતું. અને ગામ તુરકેશ્વર તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ સમય જતાં તુરકેશ્વર નામ પરથી ગામનું નામ તડકેશ્વર આપવામાં આવ્યું છે. આ ગામમાં તળાવ પણ આવેલાં છે. અને લોકચર્ચા મુજબ આ જગ્યા પરથી તુર્કીઓએ નાશ કરેલાં અવશેષો જોવા મળ્યાં છે. ઉપરાંત ગામમાં વર્ષોપુરાણાં મંદિરો, જૈન દેરાસર, મસ્જિદ આવેલી છે. એ રીતે તડકેશ્વર ગામ એ ગંગા-જમના સંસ્કૃતિનું પ્રતીક બની ગયું છે. આ તડકેશ્વર ગામનો તાપી પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તડકેશ્વર ગામની ભૂમિ પર ભગવાન રામે તારકા નામની રાક્ષસીનો વધ કર્યો હતો. જેથી કહેવાય છે કે, તડકેશ્વરની ભૂમિ થોડી લાલ અને થોડી કાળી છે. આ ગામ પહેલાં ‘ભીમનગર’ તરીકે પણ ઓળખાતું હતું.

સુરત જિલ્લાના કુલ 9 તાલુકા પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ એટલે તડકેશ્વર. આ ગામમાં ખાસ કરીને કોળી પટેલ, જૈન, મુસ્લિમ, મોઢવણિક, વસાવા, દલિત, રાઠોડ વગેરે જાતિના લોકો રહે છે. અને ગામની વસતી 15 હજાર જેટલી છે. તડકેશ્વર ગ્રામ પંચાયતના સુનિયોજીત આયોજનને કારણે આ ગામ વિકાસની દૃષ્ટિ હવે આગળ વધી રહ્યું છે. તડકેશ્વર ગ્રામ પંચાયતના કુલ 14 સભ્ય છે. અને વસતીના પ્રમાણમાં વિસ્તાર પણ વિસ્તર્યો છે. ગામમાં અલગ અલગ 64 જેટલાં ફળિયાં છે. જેવાં કે બજાર ફળિયું, તળાવ ફળિયું, બના ફળિયું, સુથાર ફળિયું, પારસી ફળિયું, લુહાર ફળિયું, કાવા ફળિયું, કુંભાર ફળિયું, આંબેડકર ફળિયું, મોરી ફળિયું, પોલ્ટ્રીફાર્મ ફળિયું, નવાપરા ફળિયું, ટાંકી ફળિયું વગેરે. 2011ની વસતી ગણતરી પ્રમાણે મતદાર 9,786 છે, જેમાં પુરુષ 5141, મહિલા 4645 છે. આ ગામ કુલ ક્ષેત્રફળ 3655.98માં આવેલું છે. જ્યારે ગોચરનો કુલ વિસ્તાર 116.47 જેટલો છે.

માંડવી તાલુકામાં સૌથી મોટી ગ્રામ પંચાયતમાં પણ તેનો સમાવેશ થાય છે. ગામ ભલે મોટું પણ વિકાસની વાતો આવે તો ગામલોકો પાછીપાની નહીં કરે. જેને કારણે આજે તમે ગામમાં આવો એટલે ઠેર ઠેર સુવિધા જોવા મળે. ગામમાં પીવાના પાણીની સુવિધા, સીસી રોડ, ગટર, પેવર બ્લોક ગ્રામ પંચાયતની કાબીલેદાદ કામગીરીની પ્રતીતિ કરાવે છે. તડકેશ્વર ગ્રામ પંચાયતે સન-2016થી 2021 સુધીમાં તો કાયાપલટ કરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. પાંચ વર્ષમાં સ્વભંડોળમાંથી રૂ.1,56,35,484, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના રૂ.1,63,68,394, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 50થી વધુ, હળપતિ આવાસ યોજનામાં 80, ટ્રાઈબલમાંથી 15 ઉપરાંત 14માં નાણાપંચમાંથી રૂ.1,69,740,11 મળી કુલ 5,49,77,889ની રકમથી ગામ પ્રગતિશીલ બન્યું છે. અને હજી પણ સુવિધામાં વધારો કરવામાં આવશે. આ ગામમાં 3 પ્રાથમિક શાળા, 9 આંગણવાડી સરકારી, 2 ખાનગી આંગણવાડી, 2 માધ્યમિક શાળા, પંચાયતઘર, દૂધમંડળી, વોટર વર્કસ, સરકારી પશુ દવાખાનું, ધાર્મિક સ્થળો, પોલીસ આઉટ પોસ્ટ, 15 સરકારી તળાવ, ઔદ્યોગિક એકમ (G.M.D.C.-લિગ્નાઈટ પ્રોજેક્ટ), સખીમંડળ, સિંચાઈ કમાન્ડ વિસ્તાર વગેરે સવલતો ઉપલબ્ધ છે.

ફલાહી અને તડકેશ્વર વિભાગ હાઇસ્કૂલમાં મળે છે શ્રેષ્ઠ ભણતર

તડકેશ્વરના મદ્રેસામાં 550 જેટલા વિદ્યાર્થી રહે છે, જેમાં બહાર ગામના 450 અને ગામના 100 જેટલા વિદ્યાર્થી છે. તેમજ પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં 270 વિદ્યાર્થી છે. અને ફલાહી હાઈસ્કૂલમાં 1200 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઉપરાંત અન્ય તડકેશ્વર વિભાગ હાઇસ્કૂલમાં 407 જેટલી સંખ્યા છે. આમ, શિક્ષણમાં પણ આગવું સ્થાન ધરાવે છે.

ખેડૂતોની સંખ્યા 1820થી વધુ

તડકેશ્વર ગામ માંડવીથી કીમ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું હોવાથી નાના પાયે બજાર પણ વિકાસ પામ્યું છે. લોકો અહીં ખરીદી માટે આવે છે. આ ગામની બાજુમાંથી કાકરાપાર સિંચાઇ યોજનાની મોટી નહેર પસાર થાય છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તો આ જ ખેતી થકી કેટલાક શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. અહીંના લોકોએ પરંપરાગત પશુપાલનનો વ્યવસાય પણ ટકાવી રાખ્યો છે. જેને કારણે દૂધના વ્યવસાયને વેગ મળ્યો છે. આ ગામમાં ખેડૂતોની સંખ્યા 1820થી વધુ છે. જેઓ જુવાર, મગફળી, ડાંગર, ચણા, વાલ, તુવર તથા અન્ય શાકભાજીનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં વગેરેની ખેતી પણ કરે છે.

ગામના 70 ટકા લોકો શિક્ષિત

આ ગામ શિક્ષણની દૃષ્ટિએ જોઈએ તો લોકો 70 ટકા શિક્ષિત છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવી ઘણા ઉચ્ચ હોદ્દા ઉપર પણ પહોંચ્યા છે. જેમાં ડોક્ટર, વકીલો, બેન્કના મેનેજર, શિક્ષકો તેમજ અન્ય હોદ્દાનો સમાવેશ થાય છે. ઉપરાંત ગામનાં હિન્દુ-મુસ્લિમો વિદેશમાં જઈને પણ વસ્યા છે. હાલમાં ઘણા લોકો અમેરિકા, કેનેડા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં રહે છે. અને ગામના ગરીબ વ્યક્તિઓને આર્થિક મદદ કરે છે. જે લોકો માટે આશીર્વાદરૂપ છે.

આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલની સુવિધા પણ ઉપલબ્ધ

તડકેશ્વર ગામની આસપાસ 16 જેટલાં ગામો જેવાં કે નવી રોસવાડ, જૂની રોસવાડ, વિરપોર, હરિયાલ, વરેઠી, મોલવણ, લીમોદરા, છમુછર, બૌધાન, ધરમપુર, ઉશ્કેર, તોગાપુર, પાટણા, કરંજ, તુકેદ, વરેલી વગેરે ગામ આવેલાં છે. ઉપરાંત ગામ ખાતે પોલીસ સ્ટેશન ઓ.પી., બેન્કો, શિફા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.

45 વર્ષથી કાર્યરત દૂધમંડળી

તડકેશ્વર ગામની સહકારી દૂધમંડળીની સ્થાપના સન-1976માં કરાઈ હતી. આ મંડળીના પ્રથમ પ્રમુખ તરીકે નાથુભાઈ સુકાભાઇ આહીર હતા. હાલમાં દૂધમંડળીના પ્રમુખ ભરતભાઈ મગનભાઈ પટેલ છે. જ્યારે મંત્રી તરીકે રોમીલ બળવંતભાઈ આહીર છે. આ મંડળીના 380 જેટલા સભાસદ છે. અને રોજનું 3 હજાર લીટર દૂધ ભરાય છે. આ મંડળીની એક માસની આવક રૂ.30 લાખ જેટલી છે. અને દર વર્ષે 7 કરોડનું ટન ઓવર કરે છે. તેમજ દર વર્ષે દૂધનો ભાવફેર અંદાજિત રૂ.1 કરોડ આવે છે. પશુપાલકોને દૂધ પ્રમાણે રૂપિયાની ચૂકવણી કરાય છે. આ મંડળીના પ્રમુખ-મંત્રીના કુશળ વહીવટીના કારણે પશુપાલકોને સંતોષકારક ભાવ મળે છે. આ બાબતે પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, તડકેશ્વર દૂધમંડળીમાં સુમુલ ડેરીએ 3.70 કરોડની પશુ માટે લોન આપી હતી. જે તડકેશ્વર મંડળીએ ભરપાઈ કરી દીધી છે. અને વસૂલાત લેતાં મોટા ભાગના સભાસદોએ મંડળીને દૂધના પેમેન્ટમાંથી ચૂકવણી કરી દીધી છે. પરંતુ થોડી વસૂલાતો અમુક સભાસદ પાસે બાકી છે. તે ટૂંક સમયમાં ભરપાઈ કરશે.

4 ચોપડી ભણેલા ગોરધનભાઈ વૈજ્ઞાનિક ઢબે કરે છે 900 વીઘાં ખેતી

  • જામફળ, કેરી, ડ્રેગન ફ્રૂટ, તરબૂચ, કેળાં, પપૈયાંની ખેતી કરતા ગોરધનભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ
  • શેરડીની ખેતીમાં પણ અવ્વલ, દર વર્ષે 10 હજાર ટન શેરડી મહુવા, સાયણ, ચલથાણસુગરમાં નાંખે છે
  • ગૌશાળામાં 50 ગીર ગાય થકી રોજ 80 લીટર દૂધ મેળવી પ્રતિ લીટર 120 રૂપિયા ભાવે વેચાણ કરે છે

દક્ષિણ ગુજરાત આમ તો ખેતી માટે જાણીતું. પરંતુ કુદરતી આપત્તિઓ વચ્ચે ખેતી પડકાર બની છે. નાના ખેડૂતો માટે આર્થિક ખોટ નજીવી હોય છે. ત્યારે મોટા ખેડૂતો માટે ખેતી જુગાર બની છે. આ સ્થિતિમાં સુરતના વરાછાની શ્યામધામ મંદિરની સામે, ગણેશનગર રો હાઉસ-19-20 ખાતે સંયુક્ત પરિવારમાં રહેતા અને માંડવીમાં ખેતી સાથે સંકળાયેલા 54 વર્ષીય અગ્રણી ખેડૂત ગોરધનભાઈની હિંમત અને લગન કોઈ પણ ખેડૂત માટે પ્રેરણાદાયક છે એમ કહીએ તો ખોટું નથી. ગોરધનભાઈ ફુરજીભાઈ ગોયાની જમીન સાથે જોડાયેલા માણસ. અને નાનપણથી જ ખેતીમાં રસ એટલે ખેતીનો આ જુગાર તેમને ફાવી ગયો.

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરના તળાજા તાલુકાના મોટા માંડવાણીના વતની ગોરધનભાઈના પરિવારની સૌરાષ્ટ્રમાં 25 વીઘાં જમીન. પણ સૌરાષ્ટ્રમાં પાણીનો અભાવ એટલે તેમના પરિવારે વર્ષ-1996માં સુરત તરફ પ્રયાણ કર્યું. તેમના પિતા ફુરજીભાઈ વેલજીભાઈ ગોયાની મહેનતુ પણ એ જમાનામાં ખેતી સિવાય બીજું કંઈ વિચારી પણ ન શકે. એટલે વલ્લભભાઈ અને સેવાભાઈ 5 ચોપડી સુધી ભણેલા અને ગોધરનભાઈ 4 ચોપડી ભણેલા. જેમાં સૌથી મોટા વલ્લભભાઈ, બીજા ભાઈ સેવાભાઈ અને ગોરધનભાઈ સૌથી નાના. સુરતમાં આવ્યા બાદ તેમના પરિવારે અનેક મુશ્કેલીનો સામનો કર્યો. પરંતુ તમામ પરિસ્થિતિમાંથી પાર ઊતરી ગયા. એ જમાનામાં તો આજની જેમ જમીનની કિંમત નહીં. એટલે સુરતમાં આવીને રહ્યા બાદ ભાગીદાર સાથે માંડવી-કીમ રોડ ઉપર આવેલા મુંઝલાવ ગામે 12 વીઘાં જમીન રાખી હતી. બાદ વર્ષ-1998માં ભાગીદાર સાથે છૂટા પડ્યા બાદ તડકેશ્વર ખાતે ધીમે ધીમે જમીન રાખી હતી. અને આજે તેઓ 300 વીઘાં જમીનના માલિક છે. તેમ છતાં તેઓ 600 વીઘાં જમીન ગણોતે ખેડે છે. તડકેશ્વરમાં લાલ પ્રકારની જમીન તેમને વધુ અનુકૂળ આવતાં આજે વિવિધ પાકો લે છે. તેમના બે ભાઈ પણ ખેતી ક્ષેત્રે જ સંકળાયેલા છે. ત્રણેય ભાઈઓ મળી આજે 900 વીઘાં જમીન ખેડે છે એ કોઈ નાનીસૂની વાત નથી.

તેઓ પોતાની 150 એકરમાં ઓર્ગેનિક ફ્રૂટ અને શેરડીનું ઉત્પાદન કરે છે. 10 વર્ષ પહેલાં શરૂઆતમાં અમેરિકન મકાઈ અને તરબૂચની ખેતી કરી હતી. જેનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થતાં તેમણે પ્રયોગ ચાલુ રાખ્યા હતા. અને હાલમાં તેમણે પોતાના ખેતરમાં ઓર્ગેનિક ફળો જેવાં કે જામફળ, કેરી, ડ્રેગન ફ્રૂટ, તરબૂચ, કેળાં, પપૈયાં વગેરે ફળોનું ઉત્પાદન કરે છે. તેઓ આ ફળોનું વેચાણ સુરતના માર્કેટમાં કે વેપારીઓને કરતા નથી. પરંતુ 20 કિલોના ઝભલાં બનાવી તેનું છૂટક વેચાણ સુરત તેમજ આજુબાજુ વિસ્તારોમાં કરે છે. જેનો એક મણનો ભાવ રૂ.300થી 350 જેટલો હોય છે. જ્યારે બજારમાં રૂ.120થી 150 જેટલો હોય છે. આ ઓર્ગેનિક ફ્રૂટનું ઉત્પાદન કરવાથી લોકોને સારાં ફળો મળે છે. અને ફ્રૂટમાં તેની મીઠાશ કંઈ અલગ પ્રકારની હોય છે. ખેતીની શેરડીમાં પણ તેઓ અવ્વલ. તેઓ દર વર્ષે 10 હજાર ટન જેટલું શેરડીનું ઉત્પાદન કરી મહુવા, સાયણ, ચલથાણ સુગર ફેક્ટરીમાં મોકલાવે છે. દરેક સુગર દીઠ એક ટનનો અંદાજિત ભાવ રૂ.2500 કે રૂ.2600 મળે છે. જે તેમની સફળ ખેડૂત હોવાની પ્રતીતિ કરાવે છે. તેઓ ખેતીની સાથે સાથે ગૌશાળા પણ ચલાવે છે. જેમાં 50 જેટલી ગીર ગાયો રાખે છે. આ ગીર ગાયનું રોજનું દૂધ 80 લીટર થાય છે. જેનું છૂટક વેચાણ કરે છે. આ દૂધનો ભાવ લીટરનો રૂ.120 છે. આ ગીર ગાયોને 18 પ્રકારની ઔષધિ ખવડાવે છે. જેથી દૂધનું ઉત્પાદન સારું મળે છે અને દૂધ પણ ગુણવત્તાવાળું હોય છે.

શિફા હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ

માંડવીના તડકેશ્વર ગામે શિફા હોસ્પિટલની શરૂઆત સન 1999માં થઈ હતી. જેના પ્રથમ પ્રમુખ પદે યુસુફ દેસાઈ હતા. જેમણે સન-2006 સુધી હોસ્પિટલનો વહીવટ સંભાળ્યો હતો. ત્યારબાદ યસફિન નવસારીવાળાએ સન-2006થી સન-2016 સુધી 10 વર્ષ સુધી સેવા આપી હતી. હાલ ગામના સરપંચ યુનુસભાઈ મહિડા હોસ્પિટલનો વહીવટ સન-2016 સંભાળી રહ્યા છે. આ હોસ્પિટલમાં દર્દીઓને અનેક પ્રકારની સારવાર રાહત દરે આપવામાં છે. જેનો આજુબાજુ ગામના લોકો લાભ લઈ રહ્યા છે. તડકેશ્વર ગામના સાઉથ આફ્રિકામાં વસેલા રાવત પરિવારે શિફા કોવિડ સેન્ટર શરૂ કરવા માટે સહયોગ આપ્યો હતો. કોરોનાની મહામારીમાં સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવતાં અન્ય લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા હતા.

આ ગામના રાવત ફેમિલીએ શિફા કોવિડ સેન્ટર શરૂ કરવા જણાવ્યું હતું. આ કોવિડ સેન્ટરની મુલાકાત બારડોલી સાંસદ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, તાલુકા પંચાયતનાં પ્રમુખ હિનાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય રોહિત પટેલ, લાલુભાઈ ભરવાડ તેમજ તડકેશ્વરના સરપંચ યુનુસભાઈ મહિડાએ લીધી હતી. તેમજ શિફા હોસ્પિટલનાં કાર્યને બિરદાવ્યું હતું. આ કોવિડ સેન્ટર શરૂ કરવા પહેલાં ઘણી મુશ્કેલી હતી. ખાસ તો જગ્યાનો અભાવ. સાથે કોવિડ સેન્ટર શરૂ કરવા માટે ખર્ચ પણ ખૂબ વધુ હતો. આ બધું મેનેજ કરવું ખૂબ મુશ્કેલ હતું. પણ શિફા હોસ્પિટલના ટ્રસ્ટી પણ કોવિડ સેન્ટર શરૂ કરવા માટે આતુર હતા. આ શિફા કોવિડ સેન્ટરમાં ખર્ચ કોણ ઉઠાવશે.

એ બાબતની જાણ રાવત ફેમિલીને થતાં તેમણે તમામ ખર્ચ ઉઠવ્યો હતો. જે 65 બેડ સાથે કોવિડ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં બે વેન્ટિલેટર, ફર્સ્ટ ફ્લોર ઉપરાંત ઈરફાન પટેલ-નરોલીના વતની અને હાલ સાઉથ આફ્રિકા ઇશા ફાઉન્ડેશન યુ.કે. તરફથી એમ્બ્યુલન્સ, ગફુર પોલ્ટ્રી યુ.કે. તરફથી બે લેબોરેટરી મશીન, યુ.કે. નિવાસી સિરાજભાઈ દેસાઈ તથા યુ.કે., કેનેડા, સાઉથ આફ્રિકા, અમેરિકા, રિયુનિયન, પતાઈ જેવા  વિદેશમાં વસતાં સ્થાનિકોનો પણ સારો સાથ સહકાર મળ્યો હતો. જ્યારે શાહ લોન સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક ધીરુભાઈ શાહ અને નીતિનભાઈ શાહને કોવિડ સેન્ટર શરૂ કરવાની જાણ થતાં તેમના તરફથી હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ તથા પી.પી. કિટ આપવામાં આવી હતી .

  • સરપંચ : યુનુસભાઈ ફતેહભાઈ મહિડા
  • ઉપસરપંચ : ભરતભાઈ મગનભાઈ પટેલ
  • તલાટી કમ મંત્રી: વિજયભાઈ બારિયા
  • સભ્યો
  • 1.મનીષાબેન અર્જુનભાઈ પટેલ
  • 2.સાહેદાબીબી યાકુબ દેસાઈ
  • 3.દિનેશભાઈ ગણપતભાઈ સુરતી
  • 4.સાલેહા મુસારાજા
  • 5.મધુબેન કાન્તિભાઈ પટેલ
  • 6.મરિયમબીબી મુસાભાઈ ચૌહાણ
  • 7.રતિલાલ નટવરભાઈ પટેલ
  • 8.ઈમરાન યાકુબ પટેલ
  • 9.ભરતભાઈ મગનભાઈ પટેલ
  • 10.દક્ષાબેન અમૃતભાઈ રાઠોડ
  • 11.નિકુંજકુમાર મણિલાલ પટેલ
  • 12.યાકુબ અબ્દુલ ખાલેક નાખુદા
  • 13.મુકેશભાઈ માધુભાઈ વસાવા
  • 14.નીતાબેન મહેન્દ્રભાઈ વસાવા

ડો.હનીફભાઈ બના પ્રખર વક્તા હતા

આ ગામમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવતા ડો.હનીફ બનાએ એમ.એ.-પીએચ.ડી. સુધી ઉચ્ચ અભ્યાસ કરી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેઓ પ્રખર વક્તા તરીકે જાણીતા હતા. તેમણે રાજપીપળાની એમ.આર.આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે 25 વર્ષ સુધી સેવાઓ આપી હતી. ત્યારબાદ છેલ્લાં 10 વર્ષથી પોતાના વતનમાં રહી માંડવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી હતી. તેમજ ડો.હનીફ બના સુરત જિલ્લા પંચાયતમાં પણ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપપ્રમુખ પદે રહ્યા હતા. ઉપરાંત વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પદે ત્રણ ટર્મ ચૂક્યા હતા. તથા તડકેશ્વર કેળવણીમંડળના પ્રમુખ અને મદ્રેસા ફલાહી દારૈનમાં સેવા આપી હતી. આજે પણ વોહરા કોમ્યુનિટીના લોકો મેગેઝિનમાં એમની કોલમને યાદ કરે છે. એમનાં કાર્યોનાં ગુણગાન લોકોના મોઢે આજે પણ સંભળાય છે.

સલીમભાઈ બનાનો શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય ફાળો

તડકેશ્વર ગામની શાળાના આચાર્ય સલીમભાઈ બનાએ એમ.કોમ., બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો હતો. જેઓ ફ્રાન્સના રિયુન્યન ટાપુમાં રહેતા હતા. પરંતુ ગામ માટે તેમણે કંઈ કરવું હતું. આથી ફરી વતન આવી ગયા હતા. અને ગામની 62 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળામાં તડકેશ્વર વિભાગ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા કરી હતી. હાલ તેઓ આચાર્ય અને સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે. અંગ્રેજી શિક્ષણની બોલબાલા અને શાળાઓ વચ્ચેની સ્પર્ધા હોવા છતાં પણ તેઓ શાળાને પ્રગતિના પંથે દોરી રહ્યા છે. મર્હુમ પિતાના સપનાને વતનમાં રહી સાકાર કરી રહ્યા છે. તેમણે સુરત જિલ્લા આચાર્ય સંઘમાં વિવિધ હોદ્દા પર સેવા આપી છે. જેઓ પોતાની શાળામાં નબળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શિક્ષણ લેવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહ્યા છે.

તડકેશ્વર ગામનો રાજકીય ક્ષેત્રે પણ દબદબો

તડકેશ્વર ગામના રહેવાસી બળવંતભાઈ પટેલ ઉર્ફે દિનેશભાઈ ગામનું જાણીતું નામ. કોળી પટેલ સમાજના આ આગેવાન ગામના કોઈપણ કામમાં હંમેશાં આગળ રહે છે. તેઓ બે ટર્મથી માંડવી તાલુકાના ભાજપ પ્રમુખ પદે સેવારત છે. તેઓ ભાજપ પક્ષના સક્રિય કાર્યકર્તા તરીકેની છબી ધરાવે છે. તેમના અથાક પ્રયત્નોથી આ વર્ષે તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 14 બેઠક ભાજપે કબજે કરી હતી. અને સત્તા હાંસલ કરી હતી. ઉપરાંત જિલ્લાની પાંચ બેઠકમાંથી 3 બેઠક મેળવી હતી.

Most Popular

To Top