Sports

કંગારૂઓએ વર્લ્ડકપ જીત્યા બાદ ટ્રોફી પર પગ મુક્યો હતો, ભારતે જ્યાં વર્લ્ડકપ જીત્યું ત્યાંની માટીને પણ સમ્માન આપ્યું

T20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ (Cricket) ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ સાથે જ આખરે વર્ષો બાદ તેનું ICC ટ્રોફી જીતવાનું સપનું પણ પુરુ થયું. આ જીત સાથે રોહિત શર્મા દેશ માટે ICC ટ્રોફી જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો. આ જીત બાદ રોહિત પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યો અને બાર્બાડોસની પીચનું ઘાસ અને માટી ખાધી. જે જમીન પર ભારત જીત્યું તે ભલે વિદેશી જમીન હોય પરંતુ તે જમીનને પણ ભારતે સમ્માન આપ્યું. અહીં ભારતીય સંસ્કારોના દર્શન થયા હતા.

વર્ષ 2023નો એ વર્લ્ડકપ જ્યારે ભારતને ફાઈનલમાં હરાવી ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. પરંતુ કદાચ ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન મિચેલ માર્શ આ જીતને પચાવી શક્યો ન હતો. તેણે જીત બાદ વર્લ્ડકપ ટ્રોફી પર પગ મુકી પોતાના સંસ્કારો દર્શાવ્યા હતા. બીજી તરફ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ તેની સાથે કેન્સિંગ્ટન ઓવલનો એક નાનકડો ભાગ પોતાની સાથે લઈ જવાનો નિર્ણય કર્યો હતો અને તે બાર્બાડોસની પીચ પર માટી ખાતા જોવા મળ્યો હતો. રોહિત અહીં જ ન અટક્યો, તેણે બાદમાં બાર્બાડોસના મેદાન પર ભારતીય ધ્વજ પણ ફરકાવ્યો જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

જીત બાદ ICCએ રવિવારે રોહિતનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ભારતીય કેપ્ટન ટ્રેક પર દેખાતો હતો જ્યાં તેણે પ્રતિષ્ઠિત જીતની સ્ક્રિપ્ટ લખી હતી. જેમાં રોહિતને પીચ પર ઘાસના કેટલાક ટુકડા ખાતા દેખાડવામાં આવ્યા હતા. તેણે જતા પહેલા ટ્રેકની માટી તે જમીનને થપથપાવી સમ્માન આપ્યું હતું. વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મેદાનમાં ત્રિરંગો લગાવી રહ્યો છે.

અમદાવાદના નમો સ્ટેડિયમનો 19 નવેમ્બર 2023નો એ દિવસ જ્યારે પેટ કમિન્સ અને તેની ટીમે વર્લ્ડકપ જીત્યા બાદ અમદાવાદમાં મોડી રાત સુધી ઉજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવી રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો. પ્રખ્યાત વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાન પર યાદગાર ક્ષણો પછી ટીમ માટે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી થઈ હતી. ત્યારે ટોચના ક્રમના બેટ્સમેન મિશેલ માર્શની કપ સાથેની અસામાન્ય તસવીર સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. વર્લ્ડ કપ ટ્રોફી પર પગ સાથે માર્શની તસવીર કંઈક એવી હતી જે ચાહકોને પસંદ આવી ન હતી. સોશિયલ મીડિયા પર ચાહકોએ માર્શે જે રીતે ટ્રોફી સાથે ઉજવણી કરી તેના પર નિરાશા વ્યક્ત કરી અને તેને અપમાનજનક ગણાવ્યું હતું.

Most Popular

To Top