નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના (West Indies) પ્રવાસે જનારી ટી-20 મેચ માટે ભારતીય ટીમની (Indian Team) પસંદગી કરવામાં આવી છે. આ ટી-20 સિરીઝ માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે વાઈસ કેપ્ટનશીપ તરીકે સૂર્યા કુમારની પસંદગી કરવામાં આવી છે. આ સિરિઝમાં ઘણા નવા ખેલાડીઓને (Players) પણ તક આપવામાં આવી છે જ્યારે મોટા ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવ્યાં છે. ટી-20 સિરીઝ માટે ટીમની પસંદગી પછી નવા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નિર્ણય પર સવાલો ઉભા થયા છે.
આગામી તા. 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝમાં રમાનારી પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની આજે ગુરુવારે તા. 6 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. નવા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી છે, જેમાં કેપ્ટન પદે હાર્દિક પંડ્યા જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સૂર્યાકુમારની પસંદગી કરવામાં આવી છે.
વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને ટી-20 સિરિઝમાંથી ડ્રોપ કરવામાં આવ્યા છે. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન ટીમમાં પરત ફર્યો છે, જ્યારે IPL સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહની પસંદગી થઈ નથી, જેની પર સવાલો ઉભા થયા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ટીમનો ભાગ નથી. અજીત અગરકર દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમથી સ્પષ્ટ છે કે હવે BCCIનું ધ્યાન 2024માં યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમને તૈયાર કરવા પર છે.
શું રોહિત અને કોહલીની T20 કારકિર્દી પૂરી થઈ ગઈ છે?
ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યા હતા. ત્યારથી બંને એકપણ આંતરરાષ્ટ્રીય ટી-20 સિરીઝમાં રમ્યા નથી. આવી સ્થિતિમાં શું એવું માની શકાય કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને BCCIએ કોહલી અને રોહિતને T20માંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે?
બીસીસીઆઈના નવા એકતરફી સંચાર પર પણ સવાલો ઉભા થયા
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી આ ટીમે સૌને ચોંકાવી દીધા હતા જ્યારે બીસીસીઆઈના નવા એકતરફી વલણ પર પણ સવાલો ઉભા થયા છે. કારણકે બીસીસીઆઈએ ટીમની પસંદગી માટે વિગતવાર માહિતી આપી નથી. આ ઉપરાંત BCCI આ માટે કોઈ કોન્ફરન્સ પણ કરી નથી જ્યાં સીધા સવાલ-જવાબ કરી શકાય. ટીમ સિલેકશન પછી સવાલો ઉભા થઈ રહ્યાં છે કે આ ટીમની પસંદગીનો માપદંડ શું હતો?
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની T20 ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યાકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ , અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર.
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડ્યૂલ
1લી ટેસ્ટ – 12 થી 16 જુલાઈ, ડોમિનિકા
બીજી ટેસ્ટ – 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન
1લી ODI – 27 જુલાઈ, બ્રિજટાઉન
2જી ODI – 29 જુલાઈ, બ્રિજટાઉન
ત્રીજી ODI – 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન
1લી T20 – 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન
બીજી T20 – 6 ઓગસ્ટ, ગયાના
3જી T20 – 8 ઓગસ્ટ, ગયાના
4થી T20 – 12 ઓગસ્ટ, ફ્લોરિડા
5મી T20 – 13 ઓગસ્ટ, ફ્લોરિડા