T-20 વર્લ્ડકપ (T-20 Worldcup) શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) ચોંકાવનારી વાત કહી છે. ગાવસ્કર ટી-20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીને (Indian Cricket team captain Virat Kohli) કેપ્ટન તરીકે જોવા માંગતા નથી. ગાવસ્કરે કહ્યું કે, કોહલીને કેપ્ટનપદેથી દૂર કરી દેવો જોઈએ અને આ ખેલાડીને આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં કેપ્ટન બનાવી દેવો જોઈએ.
ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનસી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. કેટલાંક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા મેનેજમેન્ટને કોહલીના ઉદ્દત વર્તન વિશે ફરિયાદો કરવામાં આવી હતી. આ તરફ કોહલીએ પણ કામનું ભારણ વધુ હોવાનું કારણ રજૂ કરી ટી-20 વર્લ્ડકપ બાદ ટ્વેન્ટી-20 ક્રિકેટમાંથી કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી છે. ત્યારે પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે ટી-20 વર્લ્ડકપ પહેલાં જ કેપ્ટન બદલી નાંખવાની હિમાયત કરી છે.
ગાવસ્કરે કહ્યું છે કે આ વર્ષે અને આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે રોહિત શર્માને (Rohit Sharma) કેપ્ટન બનાવી દેવો જોઈએ. સતત 2 ટી-20 વર્લ્ડકપ વચ્ચે કેપ્ટન બદલવા યોગ્ય નથી. પહેલાંથી જ કેપ્ટન બદલી દેવો જોઈએ. ગાવસ્કરે વધુમાં કહ્યું કે, ક્રિકેટના આ શોર્ટ ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટનસી માટે પહેલી પસંદ છે. ક્રિકેટ સાથે સંકળાયેલા એક શોમાં ચર્ચા દરમિયાન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, રોહિત શર્મા કેપ્ટનસી માટે મુખ્ય દાવેદાર છે. આઈપીએલમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સને (IPL Mumbai Indians) સતત સફળતા અપાવી છે. મુંબઈ ઈન્ડિયન તેની જ કપ્તાની હેઠળ આઈપીએલના સૌથી વધુ ખિતાબ જીતનાર ટીમ બની છે. આ ફોર્મેટમાં તેની દમદાર બેટિંગ ટીમને મજબૂતાઈ આપે છે. રોહિત શર્મા ટી-20 માં ભારતીય ટીમની કપ્તાની માટે સૌ કોઈની પહેલી પસંદ છે.
ગાવસ્કરે વધુમાં કહ્યું કે, મારા માટે તો ટી-20 વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા જ પહેલી પસંદગી રહેશે. હું લોકેશ રાહુલને વાઈસ કેપ્ટન તરીકે જોવા માંગીશ. ઋષભ પંતને ધ્યાનમાં રાખી શકાય. (Lokesh Rahul & Rishabh Pant) દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન તરીકે પંતે આઈપીએલમાં સારી ભૂમિકા ભજવી છે. તેણે બોલરોનો સારો ઉપયોગ કર્યો છે. ઓનરિક નોર્ટજે અને કાગિસો રબાડા જેવા બોલરોનો બખૂબી ઉપયોગ દર્શાવે છે કે પંતમાં કેપ્ટનસીની સ્કીલ છે. તે પરિસ્થિતિને સમજીને તેને અનુકૂળ નિર્ણયો લઈ શકે છે. એટલે રાહુલ અને પંત બંને ખેલાડીઓ વાઈસ કેપ્ટન તરીકે મારી પસંદગી છે.