નવી દિલ્હી: (Delhi) ભારતની યજમાનીમાં યુએઇ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડકપ (T 20 World Cup) માટે ભારતીય ટીમમાં બુધવારે મુખ્ય ટીમમાં સામેલ અક્ષર પટેલના સ્થાને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને સામેલ કરવામાં આવ્યો હતો. યુએઇમાં હાલ રમાઇ રહેલી આઇપીએલ (IPL) દરમિયાન શાર્દુલે ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) વતી 18 વિકેટ ખેરવીને પ્રભાવિત કર્યા છે. તેની સાથે જ બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડકપ માટે પોતાની અંતિમ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં ફેરફાર કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય અપાયો હતો.
- ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ
- પસંદગી સમિતિએ ટીમ મેનેજમેન્ટ સાથેની ચર્ચા પછી શાર્દુલને મુખ્ય ટીમમાં સામેલ કર્યો, જ્યારે અક્ષરને મુખ્ય ટીમમાંથી સ્ટેન્ડબાયમાં ખસેડ્યો
બીસીસીઆઇ સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે ઓલ ઇન્ડિયા સીનિયર પસંદગી સમિતિએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ મુખ્ય ટીમમાં સામેલ હતો તેને ત્યાંથી ખસેડીને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં મુકવામાં આવ્યો છે. ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટનેસને કારણે આઇપીએલ દરમિયાન બોલિંગ કરતો નથી તેથી પસંદગીકારોએ તેના માટે કવર તરીકે શાર્દુલને ટીમમાં સમાવ્યો છે. રવિન્દ્ર જાડેજા છે ત્યાં સુધી અક્ષરની જરૂર નથી પણ જો તે ઘાયલ થશે તો અક્ષરની જરૂર પડશે.
ટી-20 વર્લ્ડકપ માટેની ફેરફાર પછીની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મહંમદ શમી.
સ્ટેન્ડબાય ખેલાડી : શ્રેયસ ઐય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ
ટીમ ઇન્ડિયાના બાયો બબલમાં જોડાનારા અન્ય ખેલાડીઓ : અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, વેંકટેશ ઐય્યર, કર્ણ શર્મા, શાહબાઝ અહેમદ અને કૃષ્ણપ્પા ગૌતમ.