SURAT

પાલતું શ્વાનના લીધે ઝઘડો થતાં સુરતના પાંડેસરામાં તલવાર ઉછળી, બે ઘાયલ

શહેરના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક ઈસમે જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ ફટકાર્યા હતા. પોલીસે ગુનો નોંધી બે લોકોને અટકાયતમાં લીધા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં પાલતું શ્વાનના મામલે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. બંને પરિવાર વચ્ચે ભૂતકાળમાં પણ બોલાચાલી થઈ હતી. ફરી એકવાર બંને પરિવારો શ્વાનના મામલે ઝઘડ્યા હતા. મામલો ઉગ્ર બનતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી. અન્ય યુવક પર તલવારથી હુમલાનો પ્રયાસ કર્યો હતો.

જોકે યુવક ખસી ગયો હતો જેથી તેનો બચાવ થયો હતો. બીજી તરફ લાકડાના દંડાથી એકબીજા પર વાર કર્યો હતો. આસપાસના લોકોએ બંને પક્ષોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો ખૂબ ઉગ્ર બની ગયો હતો. લાકડાના ફટકાથી હુમલો કરવાના લીધે બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

પાંડેસરાના પીઆઈ એચએમ ગઢવીના જણાવ્યા અનુસાર બંને પરિવારો નાનકડી બાબતમાં ઝઘડી પડ્યા હતા. વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો અમારા ધ્યાન પર આવ્યો હતો. અમે કાર્યવાહી શરૂ કરી છે. બે વ્યક્તિ ઇજા પામ્યા છે, તેઓની સારવાર ચાલી રહી છે. શ્વાન મામલે ઝઘડો થયો હતો. ગુનો દાખલ કરી એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

Most Popular

To Top