શ્રીનગર, તા.14 (પીટીઆઈ) આર્મીના જવાનોએ શનિવારે તેમના પાકિસ્તાની સમકક્ષોને તેમના રાષ્ટ્રના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પર મીઠાઈની આપ-લે કરી હતી.ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં ચિલેહાના તિથવાલ ક્રોસિંગ પોઈન્ટ પર ભારતીય સેનાના જવાનો દ્વારા તેમના પાકિસ્તાની સમકક્ષોને મીઠાઈઓ આપવામાં આવી હતી.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, 14 ઓગસ્ટના રોજ ભારતીય સેનાએ ઉષ્માભર્યા સંકેતરૂપે ચીલેહાના તિથવાલ ક્રોસિંગ પોઈન્ટ પર પાકિસ્તાની સેનાને મીઠાઈઓ આપી હતી અને એલઓસી પર શાંતિ જાળવવાની ઈચ્છા દર્શાવી પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, વર્ષોથી, ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો સતત પ્રયાસ કર્યો છે.અધિકારીએ જણાવ્યું હતું કે, અવામે (લોકોએ) એલઓસી પરના ગામોમાં શાંતિ જાળવવા માટે ભારતીય સેનાના પ્રયાસોની પ્રશંસા કરી છે. ભારતીય સેનાના આ સકારાત્મક પ્રયાસો એલઓસી પર લાંબા સમય સુધી શાંતિની દિશામાં આગળ વધશે.