પીરિયડની પીડા..ડાઘ લાગવાની ઝંઝટ… અને દુનિયાભરના નિયમ. કોઈ પણ સામાન્ય છોકરી માટે દર મહિનાનો આ સંઘર્ષ છે. પીરિયડને લઈને ઘર કરી ગયેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટેનું બીડું અમેરિકામાં અભ્યાસ કરી રહેલી એક ગુજરાતી છોકરીએ ઝડપ્યું છે તે છે સ્વરા પટેલ. ઉંમર માત્ર 20 વર્ષની છે પણ દેશની ગરીબ મહિલાઓ અને બાળકીમાંથી કિશોરાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલી છોકરીઓ માટે તે છેલ્લાં 4 વર્ષથી પેડ વુમન બની છે. સ્વરાએ માત્ર 16 વર્ષની ઉંમરથી જ એવું અભિયાન ઉપાડ્યું કે આજે ચાર વર્ષમાં દેશની હજારો ગરીબ કિશોરી, યુવતીઓ અને મહિલાઓને પીરિયડના સમયમાં હાઇજેનિક સ્થિતિ માટે સેનેટરી નેપ્કિન વિતરણ કર્યાં છે અને હજારો લોકોમાં માસિક ચક્રને લઈને પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધાને દૂર કરવા માટેનો સફળ પ્રયાસ કર્યો છે. સ્વરા યંગ વર્લ્ડ એમ્બેસેડર છે. સ્વરાના જીવનમાં એવું તો શું બની ગયું કે તેણે માસિકચક્રને લઈને પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું અને ગરીબ મહિલાઓને કપડાના સેનેટરી નેપ્કિન વિતરણ માટે એકલે હાથે ‘ધ પીરિયડ સોસાયટી’ સ્થાપી. તે હાલમાં સુરત આવેલી સ્વરાએ સન્નારી ટીમની સાથેની મુલાકાત માં જે જણાવ્યું તે તેના જ શબ્દોમાં જાણીએ…
પીરિયડની પીડા..ડાઘ લાગવાની ઝંઝટ… અને દુનિયાભરના નિયમ.
કોઈ પણ સામાન્ય છોકરી માટે દર મહિનાનો આ સંઘર્ષ છે. પીરિયડને લઈને ઘર કરી ગયેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટેનું બીડું અમેરિકામાં અભ્યાસ કરી રહેલી એક ગુજરાતી છોકરીએ ઝડપ્યું છે તે છે સ્વરા પટેલ. ઉંમર માત્ર 20 વર્ષની છે પણ દેશની ગરીબ મહિલાઓ અને બાળકીમાંથી કિશોરાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલી છોકરીઓ માટે તે છેલ્લાં 4 વર્ષથી પેડ વુમન બની છે. સ્વરાએ માત્ર 16 વર્ષની ઉંમરથી જ એવું અભિયાન ઉપાડ્યું કે આજે ચાર વર્ષમાં દેશની હજારો ગરીબ કિશોરી, યુવતીઓ અને મહિલાઓને પીરિયડના સમયમાં હાઇજેનિક સ્થિતિ માટે સેનેટરી નેપ્કિન વિતરણ કર્યાં છે અને હજારો લોકોમાં માસિક ચક્રને લઈને પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધાને દૂર કરવા માટેનો સફળ પ્રયાસ કર્યો છે. સ્વરા યંગ વર્લ્ડ એમ્બેસેડર છે. સ્વરાના જીવનમાં એવું તો શું બની ગયું કે તેણે માસિકચક્રને લઈને પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું અને ગરીબ મહિલાઓને કપડાના સેનેટરી નેપ્કિન વિતરણ માટે એકલે હાથે ‘ધ પીરિયડ સોસાયટી’ સ્થાપી. તે હાલમાં સુરત આવેલી સ્વરાએ સન્નારી ટીમની સાથેની મુલાકાત માં જે જણાવ્યું તે તેના જ શબ્દોમાં જાણીએ…
12 વર્ષની ઉંમરે પીરિયડમાં આવી અને સાંભળવા મળ્યું મંદિરમાં નહીં જવાય
20 વર્ષની સ્વરા પટેલે જણાવ્યું કે, ‘‘મારો જન્મ અમદાવાદમાં થયો હતો. ત્રણ મહિનાની હતી ત્યારે મારાં મમ્મી શ્રુતિબેન પટેલ મને મુંબઈ લઈ આવ્યાં. મુંબઈમાં મારા ડેડી ડૉ. યતીન પટેલ ફિઝિશ્યન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. મારાં મમ્મી પેરા મેડિકલ ફિલ્ડમાં છેે. મુંબઈમાં માહિમમાં હું સ્કોટીશ સ્કૂલમાં 10મા ધોરણ સુધી અંગ્રેજી મીડિયમમાં ભણી હતી. હું 12 વર્ષની થઈ અને જ્યારે ફર્સ્ટ ટાઈમ પીરિયડમાં આવી ત્યારે મને માસિકચક્ર શું છે અને તે કેમ આવે છે તેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બસ ઘરના અને બહારના લોકોએ કહ્યું માસિકના સમયે મંદિરમાં નહીં જવાનું. મારી ફ્રેન્ડસને તો એવી રોકટોક હતી કે રસોડામાં નહીં જવાનું, અથાણાંની બરણીને નહીં અડકવાનું, બીજા કોઈને નહીં અડકવાનું. ત્યારે મારા મનમાં વારંવાર સવાલ ઊઠતો કે આ તો એક કુદરતી પ્રક્રિયા છે તો તેને અપવિત્ર કેમ માનવામાં આવે છે?
એક ગરીબ મહિલા બની પ્રેરણા
સ્વરાએ જણાવ્યું કે હું મુંબઈમાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં વોલંટિયર તરીકે સેવા આપી રહી હતી. હું ત્યાં કેન્સર પીડિત બાળકોને ભણાવતી અને આર્ટ એન્ડ ક્રાફટ શીખવાડતી હતી ત્યારે ત્યાં એક કેન્સર પીડિત બાળકને તેની મમ્મી સારવાર માટે ગામડેથી અહીં સુધી લાવતી. આ છોકરાની મમ્મીએ એક દિવસ મને કહ્યું કે તે પીરિયડ વખતે સેનેટરી પેડ અફોર્ડ નથી કરી શકતી વળી. તેની પાસે તો કપડાનો બીજો કટકો પણ નથી. આવા સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી અઘરી લાગે છે. આ સાંભળી મને થયું કે ઇન્ડિયામાં એવી ઘણી છોકરીઓ હશે જેની પાસે સેનેટરી નેપ્કિન નહી હોય. તે કઈ રીતે પીરિયડના ચાર-પાંચ દિવસ આવી સ્થિતિમાં વિતાવતી હશે? ત્યારે મને ગરીબ મહિલા, યુવતીઓ, કિશોરીઓ માટે નિઃશુલ્ક પેડ વિતરણ કરવાનો વિચાર આવ્યો અને મેં ચાર ફ્રેન્ડ્સ સાથે મળીને ‘ધ પીરિયડ સોસાયટી’ની શરૂઆત કરી. જો કે શરૂઆત તો મેં એકલે હાથે કરી. મારે એવી સોસાયટી બનાવવી હતી કે જેમાં લોકો કોઈ પણ શેહશરમ વગર પીરિયડ સંબંધિત વિચારો વ્યક્ત કરી શકે. મેં પીરિયડ સોસાયટીની સ્થાપના 2019માં કરી હતી. મેં અને મારી ફ્રેન્ડ્સે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન કૅમ્પેન ચલાવી લોકો પાસેથી દોઢ લાખ જેટલું ફંડ એકઠું કર્યું અને તેમાંથી 700 છોકરીઓને પીરિયડ પ્રોડક્ટ્સ આપ્યાં. હું અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂયોર્કમાં મકોલે ઓનર્સ કોલેજમાં બાયોલોજી અને જેન્ડર એન્ડ સેક્સ્યુઆલીટી વિષય પર સ્ટડી કરી રહી છું.’’
પીરિયડ પ્રોડક્ટ્સમાં કપડાનાં શિલ્ડ અને લાઈનર અપાય છે
સ્વરાએ જણાવ્યું કે, ‘‘અમે ગરીબ મહિલાઓને પીરિયડ પ્રોડક્ટ્સની જે કીટ આપીએ છીએ તેમાં કપડાનાં 2 શિલ્ડ અને 8 લાઈનર અને 2 સાબુ આપીએ છીએ. બ્લડના ફ્લો પ્રમાણે લાઈનર મુકાય છે. આ પેડ કાપડના બનેલા હોય છે. શિલ્ડમાં એક પ્લાસ્ટિકનું લેયર હોય છે જે બ્લડને પેન્ટી પર નીકળવા નથી દેતું. આ કાપડના પેડ રિયુઝેબલ હોય છે તેને બે વર્ષ ધોઈને યુઝ કરી શકાય છે. આ પેડ એક સંસ્થા પાસેથી લઈએ છીએ જે ગામડાંઓની મહિલાઓને બનાવવા આપે છે.
લોક જુડતે ગયે કારવાં બનતા ગયાની જેમ 300 મેમ્બર્સ બન્યા
સ્વરાએ જણાવ્યું કે, ‘‘હૈદરાબાદમાં એક કોન્ફરન્સમાં ગઈ હતી ત્યાં હાવર્ડ યુનિવર્સિટીની એક્ટ ટુ ઇમ્પેક્ટ કોમ્પિટિશનમાં મેં અને ‘ધ પીરિયડ સોસાયટી’ સાથે જોડાયેલી સમીક્ષા સુદે અમારા કાર્યથી સમાજસુધાર માટેના જેમ કે જેન્ડર ઇકવાલીટી, ગુડ હેલ્થ એન્ડ વેલ બીઇંગ વગેરે 15 ગોલ એચીવ કરી શકાય તે બતાવ્યું. જેના માટે અમને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું. અહીંથી લોકોને અમારા કાર્યની ખબર પડી અને દેશભરમાંથી 300 મેમ્બર્સ જોડાયા અને દેશના મોટાભાગના રાજ્ય જેમ કે વેસ્ટ બેંગોલ, કર્ણાટક, આસામ, ત્રિપુરા, દિલ્હી, તમિલનાડુ વગેરે રાજ્યોમાં 4 વર્ષમાં 10 હજારથી વધુ મહિલાઓને નિઃશુલ્ક સેનેટરી પેડ આપ્યા તથા 50 હજારથી વધારે લોકોને માસિકચક્ર શું છે, માસિક કેમ આવે છે અને તે દરમિયાન હાઇજિન માટેનું શિક્ષણ આપ્યું. હું યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટડી કરું છું પણ હું વેકેશનમાં ઇન્ડિયા આવી અવેરનેસ કૅમ્પેન ચલાવું છું.’’
સુરતમાં પણ શરૂ કર્યું અભિયાન
સ્વરા કહે છે કે, ‘‘મેં સુરતમાં પણ આ અભિયાન શરૂ કર્યું છે. મેં ભટારની વિદ્યાભારતી સ્કૂલમાં અને અઠવાગેટમાં સ્થિત વનિતા વિશ્રામની સ્કૂલમાં 400થી વધુ છોકરીઓને માસિકચક્ર વિશે માહિતી આપી તેમને જાગૃત કર્યાં છે.
પ્રિન્સ હેરી અને મેગન માર્કેલે કરી સરાહના
સ્વરાએ જણાવ્યું કે, ‘‘માન્ચેસ્ટરમાં હું અને અન્ય દેશના 7 લોકો વચ્ચેના એક પરિસંવાદમાં ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન માર્કેલ આવ્યાં હતાં ત્યારે તેમણે મારા આ કાર્યની સરાહના કરી હતી. મારા કાર્ય માટે થ્રિ ડોટ ડેશ ગ્લોબલ ટીન લીડર, ડાયના એવોર્ડ, બ્રાઉન યુનિવર્સિટી તરફથી ઇરેન ફિલન એવોર્ડ અને બીજા પણ ઘણા એવોર્ડથી સમ્માનિત કરાઈ.’’