ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય શૂટરોએ અત્યાર સુધીમાં કુલ ત્રણ મેડલ જીત્યા છે. પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં સ્વપ્નિલ કુસાલેએ 451.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વપ્નિલ આ ઈવેન્ટમાં મેડલ જીતનાર ભારતનો પહેલો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા કોઈ પણ ભારતીય ઓલિમ્પિકમાં 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં મેડલ જીતી શક્યો ન હતો. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્વપ્નિલ કુસાલે માટે મોટી જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઓલિમ્પિયન સ્વપ્નિલ કુસાલેને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સ્વપ્નિલ કુસાલેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં રમતવીરે ઘૂંટણિયે પડીને, નીચે સૂઈને અને પછી ઊભા રહીને શૂટ કરવાનું હોય છે. સ્વપ્નિલ ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને પાછળ રહ્યો હતો. પરંતુ આ પછી તેણે પોતાનું પ્રદર્શન સુધાર્યું અને નંબર-3 પર રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
સ્વપ્નિલ કુસાલેને તેની પ્રથમ ઓલિમ્પિક રમવા માટે 12 વર્ષ રાહ જોવી પડી હતી. જ્યારે સ્વપ્નિલ કુસાલેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે કદાચ ત્યારે હું માનસિક રીતે એટલો મજબૂત નહોતો. 28 વર્ષીય કુસાલે મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેના કમ્બલવાડી ગામમાં શાળાના શિક્ષક પિતા અને સરપંચ માતાના પુત્રએ 2009 માં શૂટિંગ શરૂ કર્યું અને 2012 માં આંતરરાષ્ટ્રીય સ્તરે તેની શરૂઆત કરી. તે રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેવાનું ચૂકી ગયો હતો.
મેડલ જીત્યા બાદ કુસાલેએ કહ્યું કે મેં કંઈ ખાધું ન હતું અને મારા પેટમાં ગુડગુડ થઈ રહ્યું હતું. મેં બ્લેક ટી પીધી અને અહીં આવ્યો હતો. હું દરેક મેચની આગલી રાત્રે ભગવાનને પ્રાર્થના કરું છું. આજે હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. મેં મારા શ્વાસને નિયંત્રિત કર્યો અને કંઈપણ અલગ કરવાનો પ્રયાસ કર્યો નહીં. આ સ્તરે તમામ ખેલાડીઓ સમાન છે. કુસાલેએ તેના માતા-પિતા અને અંગત કોચ દીપાલી દેશપાંડેને પણ શ્રેય આપ્યો. દીપાલી મેડમ વિશે હું શું કહું, તે મારી બીજી માતા જેવી છે.