ખેડા: જગતગુરૂ શંકરચાર્ય સ્વામી શ્રી સદાનંદસરસ્વતીજી મહારાજે ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ અતિ પૌરાણિક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં પધરામણી કરી હતી. દરમિયાન નિલકંઠ મહાદેવ મંદિર સમિતી દ્વારા શંકરાચાર્યજીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરાચાર્ય મહારાજે ચતુર્માસ બાદ નિલકંઠ મહાદેવના સાનિધ્યમાં 3 દિવસ સત્સંગ સભા કરવાનું વચન પણ આપ્યું હતું.
ખેડાના સામાજીક આગેવાન કલ્પેશસિંહ વાઘેલાના નિમંત્રણ ભાવને પારખીને દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદસરસ્વતીજી મહારાજ 28 વર્ષ બાદ ખેડાના આંગણે પધાર્યાં હતાં. જેને પગલે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શંકરાચાર્ય મહારાજના સ્વાગત અર્થે ખેડા મહારાણા પ્રતાપ સર્કલથી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સુધી ભવ્ય બાઈકરેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં. નિલકંઠ મહાદેવ મંદિર ખાતે કલ્પેશસિંહ વાઘેલા અને ખેડા ગૌરક્ષા આશ્રમના યોગીનાથજી સ્વામી દ્વારા શંકરાચાર્ય મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યજીના સ્વાગત અર્થે મહિલાઓએ પુષ્પવર્ષા કરી હતી.
જે બાદ સ્વામીજીએ અતિ પૌરાણિક એવા નિલકંઠ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં જઈ પુજનવિધિ કરી હતી અને ત્યારબાદ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન પાઠવ્યાં હતાં. જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, ચતુર્માસ બાદ શંકરાચાર્યનગર આવીશ અને 3 દિવસ નિલકંઠ મહાદેવના સાનિધ્યમાં સત્સંગ સભાનો લાભ આપવાનું વચન આપ્યું હતું. તેમજ નિલકંઠ મહાદેવનું સમગ્ર પરિસર અનેક તપસ્વીઓના તપને કારણે તપેલું છે. કોઈપણ શિવાલયમાં પુજારીના પુજા કરવાના મનોભાવથી ખંડેર થયેલાં શિવાલયોમાં દેવત્વ પ્રગટે છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ નિલકંઠ મહાદેવ મંદિર છે. ખંડિત થયેલા શિવાલયને પુનઃ જીર્ણોધ્ધાર કરો છો તે અતિ દુર્લભ છે અને તેનું પુણ્ય અનેકગણું પ્રાપ્ત થાય છે.