Columns

કડવી દવા ગળી જાવ

ડો શાહ એક સફળ માનસશાસ્ત્રી. તેમની પાસે એક હતાશ નિરાશ બહેન આવ્યાં. થોડો જાણીતો ચહેરો લાગ્યો અને પુછતાછ કરતાં જૂની ઓળખાણ નીકળી. તે બહેન, નામ નીના તેમની પડોશમાં રહેતી મીતાના બહેનપણી હતાં.યુવાનીની અલ્લડ સુંદર નીના અને આજની આ નીનાબેનમાં જમીન આસમાનનું અંતર હતું.જાણે બે જુદા વ્યક્તિ…માનસશાસ્ત્રી ડો શાહ જૂની ઓળખાણના નાતે બોલી ઊઠ્યા ‘નીના, આ શું કેમ આવા હાલ કરી નાખ્યા છે.’

આ વાક્ય સાંભળતાં જ નીનાબહેનની આંખો વહેવા લાગી. પહેલાં કંઈ ન બોલ્યાં અને પછી ડો.શાહે પોતાની રીતે પૂછતાં એક પછી એક તેમના મનનો ભાર હલકો કરવા લાગ્યાં.એક નહિ, અનેક મુલાકાતોમાં તેમના મનને કચડી રહેલા દુઃખનો ભાર ડો શાહ સમક્ષ તેમણે ખુલ્લો મૂક્યો.લગ્નને ચાલીસ વર્ષ થઇ ગયાં હતાં.બે યુવાન બાળકો હતાં.સાધનસંપન્ન કુટુંબ હતું.પરંતુ નીનાબહેન ખુશ ન હતાં.

તેમના મનમાં હજી લગ્નની શરૂઆતનાં વર્ષોમાં સાસુએ મારેલાં મ્હેણાં અને નણંદે કરેલા અપમાન અકબંધ જાળવેલાં હતાં.પતિએ તેમનો સાથ ન આપ્યો અને ઘરનાનો પક્ષ લીધો તે વાત તેમને દુઃખી કરી રહી હતી.કોલેજમાં તેમની સુંદરતા અને હોશિયારીની ઈર્ષ્યા કરતી બહેનપણીઓ આજે પોતાના કરતાં વધુ સુખી હતી અને આજે તેમની મજાક ઉડાડી રહી હતી તેવું તેમને લાગતું હતું.લગ્ન બાદ કુટુંબની જવાબદારીઓ અને બધાની સેવા કરવામાં પોતે જીવનમાં આગળ વધીને સફળતા ન મેળવી શક્યાં તેનો તેમને વસવસો હતો.

અનેક મુલાકાતોમાં નીનાબહેનની બધી વાતો શાંતિથી સાંભળ્યા બાદ ડો. શાહે તેમને પૂછ્યું, ‘હજી કંઈ કહેવું છે?’ નીનાબહેને કહ્યું, ‘હજી શું કહું, બધું કહી દીધું છે તમને. હવે તમે જ કહો, આટલાં દુઃખો, અપમાનો પછી મારા હાલ આવા જ થઈ જાય ને…’  ડો શાહ હસ્યા. પણ કંઈ બોલ્યા નહિ.પોતાના ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને બે ગોળી કાઢી અને નીનાબહેનને આપતાં કહ્યું, ‘હું દવા આપું છું અને ઉપાય પણ સમજાવું છું. પહેલાં લો આ બે ગોળી ચાવી ચાવીને ખાવાની છે.’

નીનાબહેને ગોળી લઈને મોઢામાં મૂકી.જીભ પર મૂકતાં જ ગોળીની કડવાશથી મોઢું ભયંકર કડવું થઇ ગયું.તેઓ પાણી માંગતા બોલ્યા, ‘અરે ડોકટર પાણી આપો. આ ગોળી તો કેટલી કડવી છે, ચાવીને થોડી ખાઈ શકાય. તેને પાણી સાથે ગળી જવી પડે.’ડો શાહે તેમને પાણી આપ્યું અને પછી હસતાં હસતાં બોલ્યા, ‘તમે એકદમ સાચી વાત કરી. કડવી ગોળીઓ ગળી જ જવી પડે, તેને ચાવી ચાવીને કે ચૂસીને ન લઇ શકાય.તો પછી જીવનમાં તમે કેમ આ નિયમ સમજતા નથી અને ઉલટું કરો છો.જીવનમાં અપમાન, અસફળતા, અવિશ્વાસ કે બીજી કોઈ પણ કડવી વાતોને એક વારમાં ગળી જવાને બદલે તમે  સતત તેને ચાવી રહયા છો.  સતત તે અપમાન,દુઃખ,અસફળતાને યાદ કરી તેં જીવન આખું કડવું કરી નાખ્યું છે.આ કડવી યાદો કાં તો થૂંકી નાખો અથવા ગળી જાવ.જીવનમાં આગળ વધી જાવ.’ નીનાબહેનને ભૂલ સમજાઈ ગઈ. ધીમે ધીમે તેમનામાં બદલાવ આવવા લાગ્યો.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top