SURAT

શહેરમાં કોરોના માંડ શાંત પડી રહ્યો ત્યાં આ વ્યક્તિ મુંબઈ લગ્નમાંથી સ્વાઈન ફલૂ લઇ આવ્યો

સુરત: (Surat) શહેરમાં ચોમાસાની સાથે વાયરલ ઇન્ફેક્શન (Viral infection)ના કેસમાં વધારો શરૂ થયો છે. વાયરલ ઇન્ફેક્શનની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર (Corona third wave) ક્યારે શરૂ થઈ જાય તે નક્કી નથી. હજી તંત્ર ત્રીજી લહેરને સમજી શકે તે પહેલા સ્વાઈન ફ્લુ (Swain flu)ના કેસ સામે આવી રહ્યા છે. પરંતુ સ્વાઈન ફ્લુનું ટેસ્ટિંગ (Testing)થઈ રહ્યું નથી. પીપલોદ ખાતે રહેતા કાપડ વેપારી દસેક દિવસ પહેલા મિત્રના દિકરીના લગ્નમાં હાજરી આપવા મુંબઈ (Mumbai)માં ગયા હતા. મુંબઈથી પાછા ફર્યા ત્યારે તેમને તાવ-શરદી-ખાંસી શરૂ થયા હતા.

દરમિયાન મુંબઈથી તેમના મિત્રએ ફોન કરીને નવવધુ સહિત તેમના પરિવારમાં 12 લોકોને સ્વાઈનફ્લુ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી હતી. સાથે જ પોતે પણ જો લક્ષણો જણાય તો સ્વાઈનફ્લુ ટેસ્ટ કરવા કહ્યું હતું. વેપારીએ ફેમિલી ડોક્ટરને બતાવતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. આરટીપીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છતાં તાવ, શરદી-ખાસી હતી. જેથી ડોક્ટરની સલાહ લઈને સ્વાઈનફ્લુની દવા લેતા હાલ તેમની તબિયત સારી છે.

સુરતમાં માત્ર આરટીપીસીઆર ટેસ્ટ જ થાય છે

છેલ્લા બે વર્ષથી કોરોનાનો વાવર શરૂ થતાં શરદી, ખાંસી અને તાવ આવે તો તમામ જગ્યાએ તબીબો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. ઘણા કિસ્સામાં વાયરલ ઇન્ફેક્શનને કારણે પણ આ લક્ષણો હોઈ શકે છે. જો આરટીપીસીઆર નેગેટિવ આવે અને છતાં લક્ષણો દેખાતા હોય તો સ્વાઈનફ્લુ પણ હોઈ શકે છે. હવે સ્વાઈનફ્લુના ટેસ્ટ જ નહીં થતાં હોવાથી તે અંગે જાણી શકાતું નથી. પીપલોદના વેપારીને પણ ચાર દિવસ સુધી લક્ષણો હોવા છતાં અટવાવાનો વારો આવ્યો હતો.

આ લક્ષણો હોય તો કાળજી રાખવી: કોરોના, સ્વાઈનફ્લુ કે વાઈરલ ઈન્ફેકશન હોય શકે છે

શરદી, ખાસી, તાવ આવવો, અશક્તિ લાગવી, માથું દુ:ખવું, પેટમાં દુ:ખાવો આ પ્રકારના લક્ષણો જણાય તો વાયરલ ઇન્ફેક્શન કે પછી કોરોના કે સ્વાઈનફ્લુ પણ હોઈ શકે છે. જેથી લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ.

કોરોના નેગેટિવ આવે તો સ્વાઈનફ્લુ ટેસ્ટ પણ કરાવી લેવો

નવી સિવિલ હોસ્પિ.ના ડો.અમીત ગામીએ જણાવ્યું હતું કે, આ સિઝનમાં કોરોના સિવાય વાયરલ ઇન્ફેક્શનની સાથે સ્વાઈનફ્લુ પણ હોઈ શકે છે. જેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તે સ્વાઈનફ્લુ ટેસ્ટ પણ કરાવી શકે છે. જો લક્ષણો જણાતા હોય તો બેદરકારી દાખવવી નહીં.

Most Popular

To Top