નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની (Company) સુઝલોન એનર્જીના (Suzlon Energy) સ્થાપક તુલસી તંતીનું (Tulsi Tanti) નિધન (Death) થયું છે. રાજકોટના પનોતા પુત્ર એવા 64 વર્ષીય તુલસી તંતીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. વિન્ડ ફાર્મ ક્ષેત્રે તેમણે સમગ્ર દેશ અને વિદેશમાં ડંકો વગાડ્યો હતો. તેમણે રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી અને અમદાવાદને પોતાનો બેઝ બનાવ્યો હતો.
સુઝલોન એનર્જીના સ્થાપક ભારતના ‘વિન્ડ મેન’ તરીકે જાણીતા એવા તુલસી તંતીનું શનિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે 64 વર્ષની વયે નિધન થયું હતું. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા તંતી સુઝલોન એનર્જીના પ્રમોટરોમાંના એક હતા, જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી.રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો. તેમના પરિવારમાં પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે.તંતીએ 1995માં સુઝલોન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રની પહેલ કરી હતી. તેમણે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય પુનઃપ્રાપ્ય ઊર્જા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો.
તમને જણાવી દઈએ કે તુલસી તંતી દેશમાં પ્રથમ પવનચક્કી લાવનાર વ્યક્તિ છે. કહેવાય છે કે 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવનચક્કી શરૂ કરી હતી. તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. 27 વર્ષમાં સુઝલોને દેશ અને વિશ્વના 17 દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.
તંતીનું અવસાન એવા સમયે થયું છે જ્યારે કંપની 240 કરોડ શેરના રાઇટ્સ ઇશ્યૂ દ્વારા આશરે રૂ. 1,200 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.ગયા સપ્ટેમ્બરમાં સુઝલોન એનર્જીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાઈટ્સ ઈશ્યૂના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.રાઇટ્સ ઇશ્યૂ સાથે, ફક્ત વર્તમાન શેરધારકોને જ આ શેર ખરીદવાનો અધિકાર હશે.કંપની રૂ. 2ની ફેસ વેલ્યુના 240 કરોડ શેર પ્રતિ શેર રૂ. 5ના ઇશ્યૂ ભાવે ઓફર કરશે. શુક્રવારે સુઝલોન એનર્જીનો શેર લગભગ 3 ટકા વધ્યો હતો.શેરની કિંમત 8.72 રૂપિયા છે.6 સપ્ટેમ્બરના રોજ શેરનો ભાવ રૂ. 24.95 હતો, જે 52 સપ્તાહની ઊંચી સપાટી છે.