Charchapatra

શંકા સંબંધોનું કેન્સર છે

સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે એ વ્યાજબી છે? કોઇપણ પ્રકારના સંબંધોમાં કોઇ વ્યકિત ઉપર વિશ્વાસ મુકવામાં આવે ત્યારે જે તે વ્યકિતનું ઉત્તરદાયિત્વ વધે છે. દા.ત. ધંધામાં જયારે વ્યકિત પોતાના ભાગીદાર કે કામ કરનાર કર્મચારીઓ ઉપર વિશ્વાસ મૂકવામાં આવે, ત્યારે તેમની કાર્યક્ષમતા વધે છે. ધંધામાં કોઇ વ્યકિતમાં કેટલો વિશ્વાસ રાખવો અને કેટલી સાવચેતી રાખવી તે વિવેક માંગે છે. સંબંધોમાં વિશ્વાસ ખૂબ જ અગત્યનો છે. એકબીજાની પ્રતિબધ્ધતા વગર તે શકય નથી.

એકબીજા પ્રત્યે અપાર સ્નેહ અને એમાંથી જન્મતી લાગણી સંબંધોને ખિલવવામાં મદદ કરે છે. ખુલ્લાપણું અને સંવાદ કરીને યોગ્ય રસ્તો શોધવાની દિશા એ શંકાને નિર્મૂળ કરવાની પાયાની શરત છે. કોઇ વ્યકિતને શંકાથી જોવાથી સંબંધનો અંત નજીક છે એવી સમજણ રાખવી જરૂરી છે. જીવનમાં સાચી મૂડી આપણાં સંબંધો છે. માનવીની સફળતા સંબંધો ઉપર નિર્ભર કરે છે. એક બીજા માટે લાગણી રાખવાથી માનવીય સંબંધોમાં આત્મીયતા જળવાઇ રહે છે. સામી વ્યકિતને શંકાથી ન જોતા વિશ્વાસ મૂકવાથી સંબંધોમાં વધારે મજબૂતાઇ આવે છે.
સુરત – સુવર્ણા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top