અયોધ્યા(Ayodhya): રામનવમી (Ramnavmi) નિમિત્તે યોજાનાર રામલલ્લાના (Ramlalla) સૂર્ય તિલકની (SuryaTilak) ટ્રાયલ સફળ રહી છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે રામ જન્મોત્સવના દિવસે 17મી એપ્રિલે બપોરે બરાબર 12 વાગ્યે રામલલ્લાનો સૂર્ય અભિષેક કરવામાં આવશે. મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવે જણાવ્યું કે થોડા દિવસો પહેલા જ વિજ્ઞાનીઓએ ગર્ભગૃહની ઉપર ત્રીજા માળે સૂર્ય તિલક માટે સાધન સામગ્રી ફીટ કરી હતી.
રવિવારે મધ્યાહન આરતી પછી જ્યારે પહેલી ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, ત્યારે કિરણો રામ લલ્લાના હોંઠ પર પડ્યા હતા, ત્યારબાદ જ્યારે લેન્સ ફરીથી સેટ કરવામાં આવ્યો હતો અને સોમવારે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, ત્યારે કિરણો કપાળ પર પડ્યા હતા. જેના કારણે હવે રામ નવમી પર સૂર્ય તિલકનું આયોજન નિશ્ચિત માનવામાં આવે છે.
આ વખતે રામનવમી પર સૂર્યના કિરણો રામ મંદિરમાં હાજર ભગવાન શ્રી રામલલાનો અભિષેક કરશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પહોંચશે. અહીં કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને 75 મીમીના ગોળ તિલકના રૂપમાં રામલલાના કપાળ પર 4 મિનિટ સુધી સીધા જ જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થઈ રહ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિલ્ડિંગ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ નવમી પર સૂર્ય તિલકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અયોધ્યામાં 100 LED સ્ક્રીન પરથી તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ વખતે સૂર્ય તિલક કરવું મુશ્કેલ છે.
આ રીતે કિરણો ગર્ભગૃહ સુધી પહોંચશે
IT રૂરકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સિસ્ટમ બનાવવામાં આવી છે. પ્રોજેક્ટ વૈજ્ઞાનિક દેવદત્ત ઘોષે કહ્યું કે, તે સૂર્યનો માર્ગ બદલવાના સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં રિફ્લેક્ટર, 2 મિરર્સ, 3 લેન્સ છે અને કિરણો બ્રાસ પાઇપ દ્વારા સૂર્ય કિરણો રામલલ્લાના માથા સુધી પહોંચાડાશે.
ગીયર સેકન્ડમાં કિરણોની ગતિમાં ફેરફાર કરશે
CBRIના વૈજ્ઞાનિક ડો. પ્રદીપ ચૌહાણે જણાવ્યું કે સૂર્ય તિલક સમયસર થાય તેની ખાતરી કરવા માટે, સિસ્ટમમાં 19 ગિયર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે સેકન્ડમાં મિરર અને લેન્સ પરના કિરણોની ગતિ બદલી દેશે. બેંગલુરુ સ્થિત કંપની ઓપ્ટિકાએ લેન્સ અને બ્રાસ પાઇપનું ઉત્પાદન કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા ચંદ્ર અને સૌર કેલેન્ડર વચ્ચેના જટિલ તફાવતોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.