Sports

IPLના સૌથી મોંઘા ખેલાડીને પછાડી સૂર્યા બન્યો ક્રિકેટર ઓફ ધી યર

નવી દિલ્હી: વર્ષ 2023નો પ્રારંભ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને ભારતીય ક્રિકેટરો (Indian Cricketer) માટે શુકનવંતી રહી છે. T-20 અને વન-ડે માં ભારતીય ટીમ નંબર વન બન્યા બાદ હવે નવી ખુશખબર આવી છે. ICC દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક એવોર્ડમાં (ICC Annual Awards) ભારતીય ખેલાડીઓએ દબદબો જમાવ્યો છે. ICC દ્વારા બુધવારે તા. 25 જાન્યુઆરી 2022ના રોજ T20 ફોર્મેટના ક્રિકેટર ઓફ ધી યરની (SuryaKumar Yadav Won ICC T20 Cricketer Of The Year Award) જાહેરાત કરાઈ છે. આ એવોર્ડ સૂર્યાકુમાર યાદવને મળ્યો છે. વર્ષ 2022માં T-20 ફ્રોર્મેટમાં બેટથી ધમાલ મચાવનાર સૂર્યકુમાર યાદવને આ એવોર્ડથી સન્માનિત કરાયો છે. 32 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યુ કરનાર સૂર્યાકુમાર યાદવ આ સાથે જ આંતરરાષ્ટ્રીય ફલક પર ચમક્યો છે.

સૂર્યાકુમાર યાદવ સાથે એવોર્ડ જીતવાની રેસમાં ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કેરેન પણ હતો. જે તાજેતરમાં IPLની હરાજીમાં સૌથી વધુ 18.25 કરોડની ઐતિહાસિક ઊંચી કિમતે વેચાયો હતો. આ ઉપરાંત ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા અને પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન સામેલ હતો. આ ત્રણેયને હરાવીને સૂર્યકુમાર યાદવે ક્રિકેટર ઓફ ધી યર 2022નો એવોર્ડ જીતી લીધો છે. તાજેતરમાં સૂર્યકુમાર યાદવે T20 ફોર્મેટમાં નંબર 1 બેટ્સમેનનો એવોર્ડ પણ જીત્યો હતો તે સાથે જ ICC દ્વારા સોમવારે તા. 23 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલી T-20માં પણ તેને સામેલ કરાયો હતો.

2022માં સૂર્યકુમાર યાદવે 1164 રન બનાવ્યા
2022નું વર્ષ સૂર્યકુમાર યાદવના નામ રહ્યું હતું. આખા વર્ષ દરમિયાન સૂર્યકુમાર યાદવ કુલ 31 T20 મેચ રમ્યો હતો જેમાં તેણે 47ની સરેરાશથી 1164 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારનો સ્ટ્રાઈક રેટ 187.43 હતો. જે વિશ્વના અન્ય તમામ ધુરંધર ખેલાડીઓ કરતા અનેકગણો વધારે હતો. 2022ની આ 31 મેચમાં સૂર્યકુમાર યાદવે કુલ 68 સિક્સ ફટકાર્યા હતા. એક કેલેન્ડર વર્ષમાં T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલામાં સૂર્યા ટોચ પર પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ કોઈપણ એક કેલેન્ડર વર્ષમાં T20 ક્રિકેટમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

ICCની T20 ટીમમાં પણ ભારતીયોનો દબદબો: સૂર્યા સહિત 3 ભારતીયોને સામેલ કરાયા
સોમવારે ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની (ICC T20 International team of the year) પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય ટીમનો (Team India) દબદબો જોવા મળ્યો હતો. ICCની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ કરાયા હતા, જેમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવનું (Suryakumar Yadav) નામ પણ છે. યાદવ ઉપરાંત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરાયો હતો. આ ટીમની કમાન ICC દ્વારા જોસ બટલરને સોંપવામાં આવી હતી. બટલરના નેતૃત્વમાં 2022માં ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમમાં ભારતના 3, પાકિસ્તાનના 2, ઈંગ્લેન્ડના 2, ન્યુઝીલેન્ડ-ઝિમ્બાબ્વે-શ્રીલંકા-આયર્લેન્ડના એક-એક ખેલાડીનો સમાવેશ કરાયો હતો.

Most Popular

To Top