સ્ટાર મેરેજનું ટકવું પત્નીના કુુુંટુંબની જવાબદારી કેમ?

સ્ટાર પર આપણું જેટલું ધ્યાન જાય તેટલું તેમની પત્નીઓ પર નથી જતું. જો એ પત્નીઓ ભૂતપૂર્વ યા વર્તમાન સમયની અભિનેત્રી ન હોય તો તે લોકોને ચર્ચાનું કારણ પણ જણાતું નથી. પણ એ જાણવું જરૂરી છે કે ઘણા સફળ હીરો બને ત્યાં સુધી એવી પત્નીને લાવ્યા છે, જે ફિલ્મજગતથી સંબંધ ન ધરાવતી ન હોય. હમણાંનાં થોડાં વર્ષોમાં શાહીદ કપૂર મીરા રાજપૂતને પરણ્યો યા જોહન અૅબ્રાહ્મ પ્રિયા રુંચાલને પરણ્યો. આમ જુઓ તો સંજય દત્તની પત્ની માન્યતા પણ ફિલ્મની કોઇ સ્ટાર એકટ્રેસ નહોતી.

તમે સની દેઓલ કે બોબી દેઓલની પત્નીને જાણો તો તે પણ ફિલ્મી કુટુંબોમાંથી નથી આવી. શાહરૂખ ખાનની પત્ની ગૌરીનાં પિયરિયાં પણ ફિલ્મી નથી. ઋતિક રોશન સંજય ખાનની દીકરી સુઝૅનને પરણેલો પણ સુઝૅન પોતે ફિલ્મ એકટ્રેસ નહોતી. તમે જોશો કે બિનફિલ્મી કુટુંબમાંથી જે અભિનેતા પત્ની લાવ્યા છે તેમના લગ્નજીવન વિવાદોથી દૂર રહ્યા છે. તેમના વચ્ચે છૂટાછેડા થયા હોય એવું કયારેક જ બન્યું છે. વિત્યા સમયમાં ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, મનોજકુમાર, જીતેન્દ્રની પત્નીઓ કોઇ ફિલ્મ એકટ્રેસ નહોતી અને તેમના લગ્નજીવનમાં કોઇ બબાલ નથી થઇ. ધર્મેન્દ્ર તો હેમામાલિનીને પરણ્યા તો ય તેમની પત્ની પ્રકાશ કૌરે ફકત એક જ શરત મૂકી કે એ આ ઘરમાં ન જોઇએ. જીતેન્દ્ર તો લફડાબાજ હતા, પણ શોભાને પરણ્યા પછી એ બાબતે ડહાપણ આવી ગયું. રાજકપૂર જે કૃષ્ણાકપૂરને પરણેલા તે ફિલ્મી કુટુંબનાં નહોતાં એટલે જ રાજકપૂરના નરગીસ સાથેના પ્રેમને માન્ય રાખેલો. સંજય ખાન ઝરીનને પરણેલા અને તો ય લફડાં તો કરતા. પણ તે ઝિન્નત અમાન સાથે હતા તો ય ઝરીનખાને કુટુંબ સાચવી લીધેલું.

બાકી મુશ્કેલ હોય છે હીરોને પરણવું અને સંભાળવું. અજય દેવગણ – કાજોલ યા અક્ષયકુમાર – ટવિંકલ ખન્ના, રણવીરસીંઘ – દીપિકા પાદુકોણ સ્ટાર જોડીઓ છે ને તેમના લગ્નજીવન સારા ચાલે છે એ સારી વાત છે. પણ સુનીલ શેટ્ટી પરણ્યો છે માના શેટ્ટીને. સુનીલ તો જો કે લફડાબાજ નથી પણ તેની પત્ની માના ઇફિતખાર કાદરી અને વિપુલાની દીકરી છે. ઇફિતખાર આર્કિટેકટ ને વિપુલા સોશ્યલ એકિટવિસ્ટ છે. આ કારણે માના પોતે એકદમ મેચ્યોર છે. તે ફેશન ડિઝાઇનર છે અને રિયલ એસ્ટેટ ફર્મ ધરાવે છે, જેણે ૨૧ લકઝરી વિલા બાંધ્યા છે. તમે કહી શકો કે સુનીલ શેટ્ટીને પત્નીનો મોટો આધાર છે. શાહીદ કપૂરના જીવનને મીરા રાજપૂતે સરસ રીતે સંભાળી લીધું છે. તે શાહીદના ફિલ્મી જીવનમાં કોઇ માથું નથી મારતું અને તેના સ્ટ્રેસ વિના શાહીદ કામ કરે છે. માન્યતા મૂળ તો મુસ્લિમ હતી અને ગુંડા ટપોરીને જ પરણેલી હતી. દિલનવાઝ શેખ નામે ઓળખાતી એ સ્ત્રીને સંજય પરણ્યો. અનેક સ્ત્રીઓને ભોગવી ચૂકેલો, ડ્રગ્સ લઇ ચૂકેલો, અપરાધીઓ સાથે મૈત્રી ધરાવી ચૂકેલો સંજય માન્યતા સાથેના લગ્ન પછી બદલાયો એવું તો ન કહીએ, કારણ કે જેલજીવન ને બે લગ્નભંગ પછી હવે શાણપણ જરૂરી હતું, પણ માન્યતાએ તેના અપરાધોને જોયા નહીં અને સંજય જેલમાં હતો ત્યારે અને જેલથી છૂટયો પછી પણ બધું સંભાળી લીધું. માન્યતાને કારણે જ સંજય દત્ત ફિલ્મનિર્માતા બનવા તત્પર બનેલો કારણક કે તે બધું સંભાળી શકે છે. અત્યારે તે સંજય દત્ત પ્રોડકશન્સની સીઇઓ છે.

જોહન અૅબ્રાહ્મે પ્રિયા રુંચાલને પત્ની તરીકે પસંદ કરી ત્યારે તેનો બિપાશા બસુ સાથેનો સંબંધ જાણીતો હતો. પ્રિયા એનઆરઆઇ ફાઇનાન્સિઅલ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. પ્રિયા સાથેના લગ્ન પછી જહોન એક સારો નિર્માતા અને સ્થિર અભિનેતા જણાઈ રહ્યો છે. મૂળ વાત એટલી કે કંકાસ વિનાનું લગ્નજીવન હોય તો ફિલ્મસ્ટાર્સ પોતાના કામમાં સારું ધ્યાન આપી શકે છે. બાકી, લફડેબાજ તો હંમેશા એવા જ રહેવાના. આમીરખાન જેવા સામે ચાલીને સમસ્યા વ્હોરી લે પછી શું કરવું? સૈફ અલીખાન હવે ટાઢો પડયો છે. બાકી પતિ-પત્ની બન્ને જયારે એક જ ક્ષેત્રમાં ચમકવા મહત્ત્વાકાંક્ષી હોય તો સવાલ થાય. જયા ભાદુડીથી માંડી કાજોલ સહિતની અભિનેત્રીઓએ લગ્ન પછી રાખીએ કારકિર્દી બાબતે સમાધાન નહોતું કરવું તો લગ્નજીવન તૂટયું, પણ નીતુસીંઘે રિશીકપૂર માટે અભિનેત્રી તરીકેથી કારકિર્દી સમેટી લીધી હતી. બાકી દરેક લગ્નજીવનમાં કઇ વાતનું મહત્ત્વ જાળવવાથી લગ્ન ટકે તે આમ તો પતિ-પત્નીએ જ નકકી કરવાનું હોય છે.

Most Popular

To Top