સલમાન, આમીરખાન જ નહીં, ફાર્મ હાઉસ તો રાજકપૂર, ગુરુદત્તનાં પણ હતાં

ધર્મેન્દ્ર હવે ફિલ્મોમાં નથી દેખાતા, અરે મુંબઇના ઘરમાં ય કયારેક જ દેખાય છે. તેઓ દેખાય છે તો લોનાવલાના તેમના વિશાળ ફાર્મહાઉસમાં. ધર્મેન્દ્ર મૂળ ખેડૂતપુત્ર છે ને ખેતી કરવી તેમને આજે પણ ગમે છે. ફાર્મહાઉસમાં તેઓ એકલા જ સમય વીતાવે છે. પત્ની પ્રકાશ કૌર મુંબઇનું ઘર સંભાળે, હેમા માલિની મુંબઇ-દિલ્હી વચ્ચે પોતાનાં કામો સંભાળે અને સની-બોબી તેમનો સંસાર સંભાળે. ફાર્મહાઉસમાં કામ કરનારા સહુ સાથે ધર્મેન્દ્રને એકદમ પોતીકાપણું લાગે છે. પૂરા સો એકરનું આ ફાર્મહાઉસ છે. ફિલ્મોમાં વ્યસ્ત હતા ત્યારે તેમને જરાય ફુરસદ નહોતી પણ હવે તેઓ ફાર્મહાઉસમાં ફુરસદનો સમય વીતાવે છે.

મુંબઇના સ્ટાર્સ દાયકાઓથી મહાબલેશ્વર, ખંડાલા, લોનાવલા, પંચગીનીથી માંડી પૂણે નજીક આ રીતે ફાર્મ હાઉસ રાખતા આવ્યા છે. રાજકપૂરે પૂણેથી ૩૦ કિ.મી. દૂર લોણીમાં આખો રાજબાગ વસાવ્યો હતો. તેઓ અહીં આવીને રહેતા અને કેટલીક ફિલ્મનાં અમુક દૃશ્યો પણ અહીં ફિલ્માવ્યાં હતાં. હવે તેઓ નથી તો ત્યાં રાજકપૂર મેમોરિયલ બની ગયું છે અને તે મીટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુશન્સે બનાવ્યું છે એટલે કપૂર કુટુંબ ત્યાં અધિકાર ગુમાવી ચૂકયું છે. પરંતુ રાજકપૂર જ નહીં સુરૈયા, શોભના સમર્થ અને ગુરુદત્ત જેવાનાં પણ ફાર્મહાઉસ, બંગલા મુંબઇ-પૂણે રસ્તા પર હતાં. અમુકના માત્ર બંગલા જ હોય. તે વખતે ફાર્મ હાઉસનો કન્સેપ્ટ ન હતો. ગુરુદત્તનો એક વિશાળ બંગલો ખંડાલામાં હતો. જયાં તેઓ ઘણી વાર રહેવા ચાલી જતાં અને પટકથાઓ પર કામ કરતાં.

એવું પણ બન્યું છે કે તેઓ શૂટિંગ પરથી સીધા જ ખંડાલા પહોંચી ગયા હોય ને પત્ની ગીતા દત્તને પછીથી ખબર પડી હોય. ખંડાલા-લોનાવલામાં ગુરુદત્તે ખેતી માટે જીન રાખેલી ને સ્વયં ખેતી કરવાનું પસંદ કરતા. શોભના સમર્થ પણ વર્ષો સુધી પૂણે નજીકના તેના બંગલામાં વર્ષો સુધી એકલાં જ રહ્યાં હતાં. હવે મુંબઇ-પૂણે રસ્તા પર સલમાનખાનનું અર્પિતા ફાર્મ્સ છે જયાં તે અનેક વાર સમય વીતાવે છે. પહાડો વચ્ચે આ ફાર્મહાઉસ છે અને ગયા વર્ષે કોરોના સમયમાં તે અહીં મહિનાઓ સુધી રહ્યો હતો. પરંતુ એવું ફાર્મ હાઉસ તો સુનીલ શેટ્ટીનું પણ છે કે જે ખંડાલામાં છે. શાહરૂખ ખાન પણ ફાર્મહાઉસ ધરાવે છે પણ અલીબાગમાં. આ બધાથી દૂર ગોવામાં એકદમ દરિયા તટે અક્ષયકુમારનું તો પંચગીનીમાં આમીરખાનનું ફાર્મહાઉસ છે. એવું ફાર્મહાઉસ નાના પાટેકર પણ પૂણે પાસેના વિસ્તારમાં ધરાવે છે ને આજુબાજુના ગામમાં સેવાકાર્ય કરે છે. 

એક સમય એવો હતો કે મહેમૂદ, વહીદા રહેમાન, ફિરોઝખાન વગેરે બેંગ્લોરમાં જગ્યા લેતા. ફિરોઝખાનને ઘોડા પાળવાનો શોખ હતો અને બેંગ્લોર પાસે હોર્સફાર્મ વસાવેલું. પણ આ બધાથી એક અલગ જીવન નાસીર હુસેનના પુત્ર મનસૂર ખાનનું છે. ‘કયામત સે કયામત તક’, ‘જો જીતા વહી સિકંદર’ બનાવનાર મનસૂર હવે તમિલનાડુના કૂન્નૂરમાં રહી નૈસર્ગિક ખેતી કરે છે. તેની સાથે તેની પત્ની ટીના પણ રહે છે. હવે ફાર્મ હાઉસ વસાવવા ઘણાંને ગમે છે, પણ મનસૂરખાન ખરા અર્થમાં ખેતી કરતાં કરતાં પ્રકૃતિ વચ્ચે જીવે છે. જો તમે ક્રિકેટરોને પણ જાણીતા ટી.વી. સ્ટાર્સ માની શકતા હો તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અલીબાગમાં તો મહેન્દ્રસિંહ ધોની પાસે રાંચી ફાર્મ હાઉસ છે. સુનીલ ગાવસ્કર ગોવામાં ઇન્સ્પ્રાવ વીલા ધરાવે છે. રવીન્દ્ર જાડેજાનું ફાર્મ હાઉસ જામનગરમાં છે જયાં તે ઘોડા પણ પાળે છે. રવિ શાસ્ત્રી ક્રિકેટથી પરવારતો નથી, પણ પરવારે તો તેની પાસે અલીબાગમાં ફાર્મહાઉસ છે.

Most Popular

To Top