SURAT

સુરતના યુવાને એડિટ કરેલી શોર્ટ ફિલ્મ “અનુજા” ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થઈ

સુરત: ઓસ્કાર એવોર્ડની શ્રેણીમાં પ્રથમવાર કોઈ સુરતીનું નામ ચમક્યું છે. શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમીનેટ થયેલી ફિલ્મ “અનુજા”નું એડિટિંગ સુરતી કૃશાન તિમિર નાયકે કર્યું છે. એટલું જ નહીં, ફિલ્મનું મ્યુઝિક, સેટ અપ, ડિરેકટરને ગાઇડલાઇન આપવા સાથે ફિલ્મનું સંપૂર્ણ કોઓર્ડીનેશન પણ કૃશાન નાયકે કર્યું હોવાથી ફિલ્મના 4 પ્રોડ્યુસર પૈકી એક તરીકે પણ ફિલ્મના પોસ્ટર અને ટાઇટલમાં કૃશાન નાયકને સ્થાન મળ્યું છે. એ રીતે ફિલ્મ એડીટીંગ કરવી અને પ્રોડ્યુસર તરીકેની બેવડી ભૂમિકા આ ફિલ્મમાં કૃશાન નાયકે ભજવી છે.

  • ઓસ્કાર એવોર્ડ માટે પસંદગી પામેલી ટોપ -5 શોર્ટ ફિલ્મ પૈકી “અનુજા”ના ફિલ્મના 4 પૈકી એક પ્રોડ્યુસર તરીકે પણ કૃશાન નાયકનું નામ ચમક્યું
  • કઇ શોર્ટ ફિલ્મ પ્રથમ નંબરે વિજેતા જાહેર થશે તેનો 2 ફેબ્રુઆરીએ ફેંસલો થશે

સુરતમાં પાણીની ભીંત તસવીર કેન્દ્રવાળા પરિવારમાંથી આવતા કૃશાનનાં પિતા તિમિર નાયકે ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે, કૃશાનનો જન્મ સુરતમાં થયો હતો. B.COM અને MA. સુધીનો અભ્યાસ કૃશાને સુરતમાં કર્યોં હતો. કોલેજ કર્યા પછી સુરતમાં એનિમેશનનો અભ્યાસ કર્યો હતો, એ પછી ફિલ્મ ડીરેકશન અને ફિલ્મ એડિટીંગનો કોર્સ અમેરિકામાં લોસએન્જેલસની LMU યુનિવર્સિટીમાંથી કર્યો હતો. કોવિડને લીધે ત્રણ વર્ષને બદલે સાડા ત્રણ વર્ષ અભ્યાસ દરમ્યાન અંતિમ વર્ષે એડિટીંગ વિષય પર સ્પેશ્યલાઇઝ કર્યું હતું.

ઓસ્કારમાં ગયેલી ફિલ્મ “અનુજા” એ પહેલા જુદા જુદા ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા બનેલી ફિલ્મ છે. ઓસ્કારમાં શોર્ટ ફિલ્મોની કેટેગરીમાં 8000 ફિલ્મો આવી હતી, એમાં “અનુજા” ટોપ 150 પછી ટોપ 15 અને હવે ટોપ 5 ફિલ્મમાં પસંદગી પામી છે. 2 ફેબ્રુઆરીએ ખબર પડશે કે અનુજા ફિલ્મ કયા નંબરે આવે છે.

શોર્ટ ફિલ્મ “રિસર્જન્સ “ને એવોર્ડ મળતાં લેખક અને દિગ્દર્શક એડમ જે. ગ્રેવ્સની નજરમાં આવ્યો
તિમિર નાયક કહે છે કે લોસએન્જેલસમાં અભ્યાસ દરમિયાન કૃશાને બનાવેલી શોર્ટ ફિલ્મ “રિસર્જન્સ”ને એવોર્ડ મળતાં લેખક અને દિગ્દર્શક: એડમ જે. ગ્રેવ્સની નજરમાં આવ્યો હતો અને તેણે કૃશાનને શોધી ફિલ્મની શરૂઆત પહેલા ટીમમાં સામેલ કર્યો હતો. ગુનીત મોંગા કપૂર, કૃશાન પછી આ પ્રોજેક્ટમાં શામેલ થયો હતો. કૃશાન નાયક અમેરિકામાં LAમાં 20th Century Studios કંપનીમાં ફરજ બજાવે છે.

મારા પપ્પા અને કૃશાનના નાના કાંતિલાલ નાયકે પણ ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવી છે: દર્શના જરદોશ
ઓસ્કાર એવોર્ડમાં જેની ફિલ્મ નોમિનેટ થઈ એ કૃશાન નાયક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરતનાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશનાં ભાઈ તિમિર નાયકનો દીકરો છે. દર્શના જરદોશ કહે છે કે, 34 વર્ષીય કૃશાનને આ વારસો મારા પિતા કાંતિલાલ નાયક પાસેથી મળ્યો છે.

મારા પિતા કાંતિલાલ નાયકે 1959નાં સુરત તાપી પૂર, કડાણા ડેમ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી. એ ઉપરાંત રાજ્યના માહિતી વિભાગની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો પણ બનાવી હતી. એડિટર અને પ્રોડ્યુસર તરીકે કૃશાનની ટીમની ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે ટોપ ફાઇવ કેટેગરીમાં પસંદગી પામી એ અમારા પરિવાર માટે ગૌરવ લેવા જેવી વાત છે. કૃશાન નાયક હાલ લોસએન્જેલસમાં રહે છે. એને બે – ત્રણ શોર્ટ ફિલ્મ બનાવવાનો અનુભવ છે.

અનુજા ફિલ્મ દિલ્હીની સ્લમમાં રહેતી બે બહેનોની સંઘર્ષ કથા છે
“અનુજા” ફિલ્મ અને ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનર વચ્ચે એક સમાનતા છે. સ્લમ ડોગ મિલિયોનર મુંબઈની ઝૂંપડપટ્ટીના કિશોરોની કહાની હતી, તો “અનુજા” દિલ્હીની સ્લમમાં રહેતી એક સગીર અને એક પુખ્ત વયની બે બહેનોની કથા છે. 12 વર્ષના કૃશાન નાયકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મ વિશે વાત રજૂ કરતાં જણાવ્યું છે કે, “અનુજા એક અવિશ્વસનીય હૃદયસ્પર્શી ફિલ્મ છે, જેમાં બે મુખ્ય અભિનેત્રીઓ સજદા પઠાણ (12 વર્ષ) અને અનન્યા શાનબાગે અભિનય કર્યો છે.

97મા ઓસ્કારમાં આ નોમિનેશન માટે અવિશ્વસનીય રીતે સન્માનિત છે. સલામ બાલક ટ્રસ્ટ, દિલ્હીના કાર્યનું પ્રતિનિધિત્વ કરતી અનુજાની વાર્તા શેર કરવી એ એક લહાવો છે. અનુજા એ સ્થિતિ સ્થાપકતા, બહેનપણું અને આશાની વાર્તા છે, બે બહેનો વચ્ચેના અતૂટ બંધનનું એક ગીત છે, જેમણે પોતાના સંજોગોથી આગળ સ્વપ્ન જોવાની હિંમત કરી. આખરે તે બધા સુંદર બાળકોનો ઉત્સવ છે, જેઓ વિશ્વભરમાં દરરોજ કઠોર પરિસ્થિતિઓનો સામનો કરે છે. અકલ્પનીય મુશ્કેલીઓ વચ્ચે પણ, તેઓ અમને બતાવે છે કે સ્મિત કરવાનું કારણ છે. અમે અમારી ટીમ, ભાગીદારો અને પ્રેક્ષકોના અનંત આભારી છીએ, જેમણે અનુજામાં વિશ્વાસ કર્યો અને તેનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડ્યો.

આ નોમિનેશન એ વાતનો પુરાવો છે કે કેવી રીતે ખરા દિલથી બનાવેલી વાર્તા બધી સીમાઓ પાર કરી શકે છે, શિક્ષણ, બાળમજૂરી અધિકારો અને દરેક જગ્યાએ નાના બાળકોના સપનાઓ વિશે અર્થપૂર્ણ વાતચીત શરૂ કરી શકે છે. અનુજા ફિલ્મના લેખક અને દિગ્દર્શક: એડમ જે. ગ્રેવ્સ છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ તરીકે મિન્ડી કલિંગ, ગુનીત મોંગા કપૂર, સુચિત્રા મટ્ટાઈ અને કૃશાન નાયક છે. ફિલ્મનું એડિટિંગ પણ કૃશાન નાયકે કર્યું છે.

Most Popular

To Top