વડોદરા : વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.તળાવમાં માછલીઓના મૃતદેહ જોવા મળ્યા હતા.તળાવમાં રહેલા દૂષિત પાણીને કારણે માછલીઓના મોત થયા હોવાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીઓના મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે.તંત્ર દ્વારા તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે.પરંતુ તેની કાળજી ન લેવાતા માછલીઓના મોત નિપજે છે.ત્યારે વધુ એક વખત સુરસાગર તળાવમાં માછલીઓના મૃતદેહ જોવા મળ્યા હતા.
તળાવમાં મોટી માછલીઓ મરેલી જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.સુરસાગર તળાવમાં માછલીઓના મોત થતા આગાઉ કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કાઢવામાં આવી હતી.વિરોધના સુર રેલાતા તંત્ર દ્વારા સુરસાગર તળાવમાંથી પાણીના સેમ્પલ પણ લેવાયા હતા.સુરસાગર તળાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણી વખત અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે.ભૂતકાળમાં સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા તળાવ અને સમા તળાવમાં પણ અસંખ્ય માછલીનાં મોત થયાં હતા.મૃત માછલીઓના કારણે આસપાસ દુર્ગંધ વ્યાપી હતી.દુર્ગંધના પગલે સહેલાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.