Columns

રાધાનું સમર્પણ

કૃષ્ણ દ્વારકાધીશ બની ગયા.વર્ષો વીતી ગયાં, પણ રાધાજીને ભૂલ્યા નથી.રાધા-કૃષ્ણનો પ્રેમ સદાકાળ અમર છે, અનન્ય છે.કૃષ્ણ ગોકુલ વૃંદાવન છોડી આગળ વધી ગયા,પણ રાધાજી ક્યાંય ગયાં નથી. તેમણે કૃષ્ણને પોતાની યાદમાં સતત રાખ્યા છે. તેમણે કદંબ હેઠળ યમુના કિનારે કૃષ્ણ વિનાની દરેક સાંજ પણ કૃષ્ણની સાથે જ ગુજારી છે. એક દિવસ દ્વારકાધીશ કૃષ્ણને રાધાની યાદ બહુ સતાવે છે.રાત્રે સપનું આવે છે અને સપનામાં તેઓ ગોપીઓને સંદેશો પહોંચાડે છે કે રાધાજીને લઇ મારી પાસે આવો.ગોપીઓ સંદેશો મળતાં જ હરખઘેલી થઈ રાધાજી પાસે દોડી જાય છે.રાધાજી યમુનાકિનારે યમુનાજીની કાળી લહેરોમાં પોતાના કાળિયા કાનુડાને નિહારતાં બેઠાં હતાં,ત્યાં જ હરખઘેલી ગોપી બોલે છે, ‘રાધિકા, ઊઠ સખી તારી તપસ્યા પૂરી થઇ …કૃષ્ણનો સંદેશો આવ્યો છે અને તેઓ તને મળવા માંગે છે.’

રાધિકા યમુનાની લહેરો પરથી નજર પણ હટાવતાં નથી અને કંઈ બોલતાં નથી.બીજી ગોપી તેમને ઝંઝોડી નાખતાં કહે છે, ‘રાધા…રાધા …સખી ચલ અહીં બેઠી જેની યાદમાં ખોવાયેલી છે તે તને બોલાવે છે ..ચાલ ઝટ કર ..’ રાધા કહે છે, ‘હું નહિ આવું …જાવ કૃષ્ણને જઈને કહો મને મળવું હોય તો મને અહીં આવીને મળે …’ એક ઈર્ષાળુ ગોપી બોલી ઊઠે છે, ‘રાધા, આવું અભિમાન સારું નહિ …..’રાધાજી જવાબ આપે છે, ‘આ મારું અભિમાન નથી …..મારી મજબૂરી છે. જાઓ, કૃષ્ણને કહો, તે તમને કારણ પણ કહેશે અને મળવું હશે તો અહીં આવશે પણ …….’ ગોપીઓ કૃષ્ણને જઈને રાધાનો સંદેશો કહે છે ..ઈર્ષાળુ ગોપી ઉમેરે છે, ‘પ્રભુ, તમે તેને બહુ ચાહો છો એ બાબતનું રાધાને અભિમાન છે એટલે કહે છે હું નહિ આવી શકું …કૃષ્ણને આવવું હોય તો આવે અને વળી અભિમાનને મજબૂરી કહી છુપાવે છે.’

રાધાજીનો આવો સંદેશો સાંભળી કૃષ્ણ બોલે છે, ‘ખરી વાત છે રાધા ક્યાંથી આવે ..તેણે તો પ્રેમમાં મને બધું સોંપી દીધું છે.તેને પોતાના મનની સાથે મનની ચંચળતા..ચરણોની ગતિ ..હૈયાની હોંશ …દિલના અરમાન …સ્નેહનાં આંદોલનો …સઘળી ઈચ્છાઓ બધું જ પ્રેમમાં મને સમર્પિત કરી દીધું છે ..તેની પાસે પોતાનું કહેવાય અને પોતે કહે તેમ કરે તેવું મન કે તન પણ નથી. બધું જ મને સમર્પિત છે..એટલે મારી રાધાને મળવા મારે જ જવું પડે, તે તો નહીં આવી શકે.’ રાધેના પોકાર સાથે દ્વારકાધીશ સપનામાંથી જાગે છે અને આંખમાં રાધિકાની યાદનું એક અશ્રુબિંદુ ચમકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top