સુરત: શહેરના ખટોદરા વિસ્તારમાં યુનિક હોસ્પિટલ નજીકના મૂર્તિકારના કારખાનામાં મૂર્તિઓને નુકસાન પહોંચવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ નુકસાન અકસ્માતે થયું હોવાનું જણાઈ રહ્યું છે, જો કે પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
- ખંડિત મૂર્તિ ધ્યાને આવતા એક ગ્રાહકે પોલીસને જાણ કરી, 10-15 માટીની મૂર્તિઓને નુકસાન થયાનો ખુલાસો
- ભેજવાળું વાતાવરણ અને ગ્રાહકો અડતા હોવાથી કે મૂર્તિઓ આસપાસમાં સ્પર્શ થતી હોવાથી નુકસાનનો અંદાજ
ભટાર કેનાલ રોડ પર યુનિક હોસ્પિટલ નજીક ગણેશજીની મૂર્તિઓ ખંડિત થવાની ઘટના સામે આવી છે. આ ઘટના વહેલી સવારે સાડા ચાર વાગ્યે પ્રકાશમાં આવી જ્યારે ગ્રાહક પ્રતીક પાટીલની નજર મૂર્તિ પર પડી. તેમણે તાત્કાલિક મૂર્તિકાર રામ અવની દેવનાથ (ઉંમર 47 વર્ષ, રહે. સુમનધરા એપાર્ટમેન્ટ, મગદલ્લા)ને આ અંગે જાણ કરી હતી.
સાથે જ પ્રતીક પાટીલે તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. માહિતી મળતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવાજોગ નોંધ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન 10થી 15 જેટલી માટીની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. મુખ્યત્વે મૂર્તિઓની આંગળીઓ અને તેની આસપાસના ભાગ ખંડિત થયાનું જોવા મળ્યું છે.
મૂર્તિકારના કારખાનામાં વર્તમાન વાતાવરણમાં વધુ ભેજ હોવાને કારણે મૂર્તિઓ કાચી અને નાજુક હોવાનું માનવામાં આવે છે. તેમજ, આ વિસ્તારમાં હજારો લોકો મૂર્તિઓ જોવા અને તેને અડકવા માટે આવતા હોવાથી, અજાણતા હાથ લાગવાથી નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મૂર્તિઓને એકબીજાની નજીક રાખવામાં આવી હોવાથી પણ આવું બની શકે છે.
કોઈએ ઈરાદાપૂર્વક નુકસાન કર્યું હોય એવું લાગતું નથી: પોલીસ
ખટોદરા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કોઈ વ્યક્તિ દ્વારા ઈરાદાપૂર્વક નુકસાન કરવામાં આવ્યું હોવાનું જણાતું નથી. જો કે, ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે. સ્થાનિક વિસ્તારમાં આ ઘટનાને લઈને અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. આ ઘટના તહેવારોની તૈયારીઓ વચ્ચે બની હોવાથી મૂર્તિકારને આર્થિક નુકસાન થયું છે.