ODISA : ઓડીશાના ગુનાગાર પાસેથી બોગસ પુરાવા ( BOGUS DOCUMENT) ઉપર એક્ટિવ કરેલા સીમકાર્ડ ( SIMCARD) મંગાવી તેની એક સિમકાર્ડના 200 રૂપિયા આપી આ સિમકાર્ડ ઓળખના પૂરાવા વિનાના ગ્રાહકોને 500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા લઈ વેચતા ખરવરનગરમાં રહેતા ફોટોગ્રાફરને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. જ્યારે ઓડીશાના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ કોઈપણ મોબાઈલ સિમકાર્ડ ( MOBILE SIMCARD) કંપનીનો અધિકૃત વ્યક્તિ ન હોવા છતાં તે પોતાની પાસે અલગ – અલગ કંપનીના પ્રિ – એકટિવ ( PRI ACTIVE) કરેલા સિમકાર્ડ રાખે છે અને કોઈપણ આધાર પુરાવા લીધા વગર સિમકાર્ડનું વેચાણ કરે છે. આ વ્યક્તિ હાલ ઉધના ખરવર નગર જુના સીએનજી પંપની બાજુમાં ઓવર બ્રિજની નીચે ફરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમએ ફોટોગ્રાફીનું કામ કરતા આશિષભાઈ જશવંતભાઈ માટલીવાળા (ઉ.વ.20 , રહે. ખરવરનગર, ઉધના)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વોડાફોન, આઇડીયા કંપનીના અગાઉથી એક્ટિવ કરેલા 17 સીમકાર્ડ મળી આવ્યા હતા.
આરોપીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હાલ લોકડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો નહીં ચાલતા પોતાની અર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેણે સોશિલ મિડીયા મેસેન્જરમાં ટેલિગ્રામ એપ્લિકેશનમાં ઇન્ડિયન ઓટીપી ગ્રુપ નામના ગ્રુપમાં ઓડીશા રાજ્ય ખાતે રહેતા વોન્ટેડ આરોપીનો સંપર્ક કર્યો હતો. અને તેણે યેનકેન પ્રકારે અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવી તેના અધારે વોડાફોન – આઈડિયા કંપનીમાંથી અન્ય વ્યક્તિઓના નામે સિમકાર્ડ ઇસ્યુ કરાવ્યા હતા. અને તેને એક્ટિવ કરી તે સિમકાર્ડ સુરત ખાતે કુરીયર મારફતે મેળવ્યા હતા. અને તે સિમકાર્ડ જે લોકો પાસે પોતાના નામના કોઈ ઓળખના પુરાવા ન હોય તેવી વ્યકિતઓને ઉંચી કિંમતે વેચાણ કરતો હતો.
આશિષને કુરિયર મોકલનાર કંપનીમાં તપાસ કરાશે
આશિષને સીમકાર્ડ મોકલનાર કુરિયર કંપનીમાં તપાસ કરાશે. આ કુરિયર કંપનીએ અગાઉ પણ તેને કુરિયર મોકલ્યા છે કે કેમ અને કયા એડ્રેસ પરથી કુરિયર આવ્યા છે. સાથે જ પેટીએમથી અત્યાર સુધી ઉડીશાના વ્યક્તિને કેટલા ટ્રાન્ઝેક્શન કરાયા છે. તેની પણ તપાસ કરવામાં આવશે.
સોશિયલ મિડીયામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ગ્રુપની માહિતી મેળવાશે
ભુતકાળમાં ગંભીર પ્રકારના ગુના આચરવા ઘણા ગુનેગારો ડમી સીમકાર્ડનો ઉપયોગ કરે છે. જેથી આરોપીની વધારે પુછપરછ કરી તેની પાસેથી મળી આવેલા 17 સિમકાર્ડ કોને – કોને આપવાનો હતો તથા અગાઉ આવી રીતે કેટલા સિમકાર્ડ મેળવ્યા હતા તેમજ સોશિયલ મીડિયામાં આવી ગેરકાયદે પ્રવૃતિ કરતા બીજા ગૃપ બાબતે માહિતી મેળવવા તેમજ કંપનીમાંથી કેવી રીતે સીમકાર્ડ કઢાવેલા તથા કંપનીનો કોઈ વ્યક્તિ આ પ્રવૃતિમાં સામેલ છે, કે કેમ તે અંગે પુછપરછ કરાશે.