Charchapatra

સુરતનો વણાટ ઉદ્યોગ

સુરતના કોટ વિસ્તારમાં કાપડ વણાટનો ઉદ્યોગ ચાલતો હતો. સુરતમાં કાપડ ઉદ્યોગ મુખ્યત્વે ખત્રી જ્ઞાતિના હાથમાં હતો. સુરતના વિવિધ વિસ્તારમાં ઉપલી મારના કાપડના પાવર લુમ્સ ચાલતા હતા. કોટ વિસ્તારમાં ચાલતો કાપડ ઉદ્યોગ ત્યાં નજીકના વિસ્તારમાં વિસ્તર્યો હતો. મંછરપુરા અને લાલ દરવાજામાં ચાલતો કાપડ ઉદ્યોગ વસતા દેવડી રોડ અને અશ્વિની કુમાર રોડ ખાતે વિસ્તર્યો. બેગમપુરાનો સહારા દરવાજા ખાતે વિસ્તર્યો. સલાબતપુરાનો કમેલા દરવાજા,આંજણા ફાર્મ અને લીંબાયત ખાતે વિસ્તર્યો. રૂસ્તમપુરા અને સગરામપુરાનો ઉધના દરવાજા,ખટોદરા અને ઉધના મગદલ્લા રોડ ખાતે વિસ્તર્યો. કોટ વિસ્તારમાં ઘરે ઘરે કાપડનાં મશીન ચાલતાં હતાં. જેમાં ઘરની મહિલાઓનું પણ યોગદાન હતું. ઘરમાં જ કારખાનું અને ઘરમાં વખાર હોય. બહારગામથી આડતિયાઓ કોટ વિસ્તારમાં ઘરે ઘરે જઈ કાપડની ખરીદી કરતા. ખત્રી જ્ઞાતિનાં લોકો કાપડ વણાટ અને ડાઈંગ ઉદ્યોગ સાથે સંકળાયેલાં હતાં. આજે પણ કાપડ વણાટ ખત્રીનું વખણાય છે. એટલે સુરતમાં કહેવત છે ‘ખત્રીનું વણેલું અને બકરીનું જણેલું રહેતું નથી.’
સુરત     – કિરીટ મેઘાવાલા લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રશંસનીય સેવા
હમણાં જાણવા મળેલી વિગત પ્રમાણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ હજારો સગર્ભાઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. કપરા સંજોગોમાં પણ ૧૦૮નો સ્ટાફ દેવદૂત બનીને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી રહ્યા છે. ક્યારેક શૌચાલયમાં, ક્યારેક ખેતરમાં, ક્યારેક એમ્બ્યુલન્સમાં તો ક્યારેક રસ્તામાં જન્મ આપીને માતા અને નવજાતનો જીવ બચાવાયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦૮ EMT ના સ્ટાફે ૫૫૩૯ મહિલાઓને સફળ પ્રસૂતિ કરાવી છે.૧૦૮ સેન્ટર પર કોલ મળતાં એમ્બ્યુલન્સ ઘરે પહોંચી જાય છે. ક્યારેક એવી સ્થિતિ સર્જાય છે કે હોસ્પિટલ પહોંચવાનો સમય જ નથી મળતો અને તાત્કાલિક ડિલિવરી કરાવવી પડે છે.

૨૦૧૮ થી સુરતના કોલ સેન્ટર પર પ્રેગ્નન્સી ઇમરજન્સી માટેના ૨,૧૭,૨૬૪ કોલ આવ્યા છે અને તેમાંથી ૫,૫૩૯ થી વધુ કેસોમાં ત્વરિત ડિલિવરી કરાવવી પડી હતી. શ્રી જીતેન્દ્ર શાહી, ડિસ્ટ્રીક્ટ મેનેજર ,૧૦૮ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા પ્રમાણે તેમનો પ્રયાસ હોય છે કે પ્રસૂતિ નજીકની હોસ્પિટલમાં જ થાય, પરંતુ કેટલીક વાર વહેલી ડિલિવરીની જરૂર પડે છે. અમારો ટ્રેઇન્ડ સ્ટાફ ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ સાથે ડિલિવરી કરે છે અને તેની સાથે ૨૪ x ૭ ઓનલાઇન ડોક્ટર હોય છે જેમના માર્ગદર્શન હેઠળ ડિલિવરી થાય છે. ટૂંકમાં ૧૦૮ ઈમરજન્સીની આ સેવા મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે અને આવી અદ્ભૂત સેવા પૂરી પાડનાર સૌનો આપણે આભાર માનવો જોઈએ. તેમને તેમના ઉત્કૃષ્ટ કામ બદલ અભિનંદન આપવા જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top