Editorial

યુએસ ડોલર કમાવવાની ઘેલછામાં જીવનું જોખમ નહીં લેવું જોઇએ

એક નાની બોટમાં સવાર થઈ કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક ભારતીય પરિવાર પણ સામેલ છે. કાતિલ ઠંડી અને ખરાબ હવામાનના કારણે આ આઠ લોકો જે બોટમાં સવાર હતા તે ડૂબી ગઈ હતી. , આ ઘટના કેનેડાની હદમાં આવેલા એક્વાસેસનમાંથી પસાર થતી સેન્ટ લૉરેન્સ નદીમાં બની હતી. ગુરુવારે બપોરે બોટ પલ્ટી જતાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં છ મૃતદેહો મળ્યા બાદ શુક્રવારે વધુ બે બોડી મળી આવી હતી.મૃકકોમાં બે બાળકો અને છ વયસ્કો સામેલ છે, જેમાંથી એક બાળકની ઉંમર ત્રણેક વર્ષ હોવાનો અંદાજ છે, બંને મૃતક બાળકો પાસે કેનેડિયન પાસપોર્ટ હોવાનું અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું છે.

ભારતીય પરિવાર સિવાય આ ઘટનામાં મોતને ભેટેલો અન્ય પરિવાર રોમેનિયન હોવાનું બહાર આવ્યું છે, જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈની ઓળખ જાહેર કરવામાં નથી આવી. પોલીસનું એમ પણ કહેવું છે કે આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણ જાણવા પણ હાલમાં તપાસ ચાલુ છે. બુધવારે આ વિસ્તારમાં વાતાવરણ ખરાબ હતું, તોફાની પવન ફુંકાઈ રહ્યો હતો તેમજ કાતિલ ઠંડી પણ હતી, અને આ સ્થિતિમાં નદી ક્રોસ કરવામાં ખૂબ મોટું જોખમ પણ હતું. આ ઘટના જ્યાં બની છે તે વિસ્તારના સ્થાનિક ફાયર ઓફિસરનું એમ પણ કહેવું છે કે મૃતકો જે બોટમાં સવાર હતા તે ખૂબ જ નાની હતી, અને સાત-આઠ લોકો તેમાં સવાર થઈ શકે તેમ પણ નહોતા.

પોલીસને જ્યાંથી મૃતદેહો મળ્યા હતા તેનાથી થોડે દૂર ડેમેજ થયેલી બોટ પણ મળી હતી. કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નો સમાવેશ થાય છે. આ તમામ ગુજરાતી છે અને મૂળ મહેસાણાના રહેવાસી છે. એક્વાસેસન પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાની 48 જેટલી ઘટના સામે આવી છે. કેનેડાની બોર્ડરને જોખમી રીતે ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરનારા મોટાભાગના લોકો ભારતીય અથવા રોમાનિયન હોય છે.

એક્સવાસેસન બિલકુલ કેનેડા-અમેરિકાની બોર્ડર પર આવેલું છે, અને તેની હદ કેનેડાના ક્યુબેક, ઓન્ટારિયો અને અમેરિકાના ન્યૂયોર્કને સ્પર્શે છે. અમેરિકા-કેનેડા વચ્ચેના ઈમિગ્રેશન એગ્રિમેન્ટમાં કેટલાક લૂપહોલ્સનો ફાયદો ઉઠાવી હજારો શરણાર્થીઓ બોર્ડર ક્રોસ કરીને અમેરિકા આવી જાય છે, જોકે બંને દેશોએ તેને બંધ કરવા તાજેતરમાં જ મહત્વના પગલાં લીધા છે. કેનેડા બોર્ડર પર આ પહેલા જાન્યુઆરી 2021માં ડિંગુચાના જગદીશ પટેલ અમેરિકા જવાના પ્રયાસમાં પોતાના પરિવારના ત્રણ સભ્યો સહિત ઠંડીમાં થીજી જઈને મોતને ભેટ્યા હતા.

આ સિવાય બીજી એક ઘટનામાં મે 2021માં સેન્ટ લૉરેન્સ નદીમાંથી જ છ ગુજરાતી સ્ટૂડન્ટ્સને ડૂબતા બચાવવામાં આવ્યા હતા. આ તમામ લોકો ગુજરાતથી સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા, અને ત્યાં પહોંચ્યા બાદ બોટમાં કેનેડાથી અમેરિકા આવવા નીકળ્યા હતા. તેઓ અમેરિકાની હદમાં પ્રવેશી પણ ગયા હતા, પરંતુ અચાનક તેમની બોટ ડૂબવા લાગી હતી. જોકે, સદ્દનસીબે તે વખતે અમેરિકન પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તમામ લોકોને બચાવી લીધા હતા. આવી ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ડોલર કમાવાની જે ભૂખ છે તે ક્યારે મટશે?

હજી કેટલા લોકો મોતને ભેંટશે? ગંભીર બાબત તો એ છે કે, અત્યાર સુધી જેટલા લોકોના પણ મોત થયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બાળકોને તો ખબર પણ નથી હોતી કે, ભારત શું છે? કેનેડા શું છે? અમેરિકા શું છે? ડોલર શું છે? કે પછી રૂપિયા શું છે? માત્ર માતા પિતાની ડોલર કમાવવાની ઘેલછાના કારણે આ બાળકો મોતના ખપ્પરમાં હોમાઇ જાય છે. અમેરિકા, કેનેડા અને યુકેમાં ગેરકાયદે ઘૂસવાની પ્રવૃતિ વર્ષોથી ચાલી આવી છે અને આટલી ગંભીર ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી પણ આ ઘેલછામાં તસુભરનો પણ તફાવત આવ્યો નથી. આ તકનો સીધેસીધો લાભ એજન્ટ ઉઠાવે છે અને ગરજવાન લોકો પાસેથી કરોડો રૂપિયા વસૂલે છે.

કેટલાંક લોકો તો પરિવાર સાથે અમેરિકા કે કેનેડા સ્થાયી થવા માટે 5 થી 10 કરોડ ખર્ચતા પણ અચકાતા નથી. ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો આટલા રૂપિયા હોય તો વિદેશ જવાની જરૂર જ શા માટે પડે છે? જે પરિવાર વિદેશ જવાનું વિચારે છે તે હંમેશા ડોલરમાં થતી આવકનો હિસાબ માંડે છે. પરંતુ ત્યા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવાનો ખર્ચ પણ ડોલરમાં જ થાય છે તેનો હિસાબ કોઇ કરતું નથી. ત્યાં જે ડોલરમાં બચત થાય છે તેના માટે સામાન્ય જીવનશૈલીનો મોટો ભોગ આપવો પડે છે. ભારતમાં ગરીબમાં ગરીબ માણસ પણ સવાર સાંજ ગરમાગરમ ભોજન કરે છે પરંતુ અમેરિકા કે કેનેડામાં તો સવારનું બનેલું જમવાનું જ સાંજે જમવું પડે છે અને જો સાંજે જમવાનું બનાવ્યું હોય તો તે બીજા દિવસે સવારે જમવું પડે છે. આને કરકસર નહીં પણ કંજૂસાઇ જ કહી શકાય અને આવી જિંદગી જીવવા માટે લોકો પોતાના તો જીવ ગુમાવે જ છે સાથે સાથે બાળકોના પણ જીવ જાય છે.

Most Popular

To Top