SURAT

વોરંટી પીરિયડમાં ટીવી બગડી ગયા બાદ ગ્રાહકને મચક નહીં આપનાર સુરતની વિજય સેલ્સને કોર્ટે પાઠ ભણાવ્યો

સુરત: ટીવી (TV) વેચાણથી આપ્યા બાદ વોરંટી (Warranty) પીરિયડમાં ટીવીમાં ખરાબી આવી હતી. ટીવી વેચનાર વિજય સેલ્સ (Vijay Sales) અને મેન્યુફેક્ચરર વીડિયોકોન (Videocon) ટીવીમાં ખરાબીનું સંતોષજનક નિરાકરણ નહીં કરી આપતા ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક કોર્ટે સામવાળા બંનેને ફરિયાદી પાસેથી ટીવી લઈને તેને રિપેયર કરી આપવાની અથવા ફરિયાદી પાસેથી ટીવી પરત લઈને ફરિયાદીને તેના રૂપિયા ચૂકવી દેવા હુકમ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે અમરોલીના વીર નર્મદ નગરમાં રહેતા કનકસિંહ મધુભાઈ ચૌહાણે 53 હજાર રૂપિયા ચૂકવીને સામાવાળા વિજય સેલ્સ( ઇસ્કોન મોલ, કારગીલ ચોક પાસે, પીપલોદ) પાસેથી વીડિયોકોન કંપનીની ટીવી ખરીદી હતી. ટીવીની ત્રણ વર્ષની વોરંટી હતી.

વોરંટી પીરિયડ દરમિયાન ટીવીમાં બેક લાઈટનો પ્રોબ્લમ આવ્યો હતો. પહેલી વખત ટીવી રિપેર કરી આપી પરંતુ ફરીથી બે મહિના બાદ તેમાં એવો જ પ્રોબ્લમ આવ્યો હતો. સામાવાળાએ ટીવીનો પ્રોબ્લમ દૂર કરવા માટે કોઈ પ્રયાસ ન કરતા ફરિયાદી કનકસિંહે વિજય સેલ્સ અને વીડિયોકન ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ સુરતની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીને ટીવીની કિમત 53 હજાર રૂપિયા અને માનિસક ત્રાસના વળતરની માંગ કરી હતી.

કોર્ટે વિજય સેલ્સ અને મેન્યુફેક્ચરર વીડિયોકોનને નોટીસ કાઢતા વિજય સેલ્સે જવાબ રજુ કર્યો હતો કે ટીવીમાં ખામી બાબતે ફરિયાદીએ તકરાર ઉભી કરી છે. તે અંગેની જવાબદારી મેન્યુફેક્ચરરની છે. વેચાણ કરનારની કોઈ જવાબદારી નથી. વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ વતી કોઈ હાજર રહ્યું ન હતું.

તેથી કોર્ટે ફરિયાદીની અરજી અંશત: મંજૂર કરીને સામાવાળાઓને એવો હુકમ કર્યો હતો કે તેઓએ ફરિયાદીની ટીવી હુકમની તારીખથી 30 દિવસમાં રિપેર કરી આપવું અથવા ફરિયાદી પાસેથી ટીવી પરત લઈને ટીવીની કિંમત 53 હજાર રૂપિયા અરજી કર્યાની તારીખથી રકમ વસુલ થાય ત્યાં સુધી વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત સંયુક્ત અથવા વિભક્ત રીતે 60 દિવસમાં બારોબાર એકાઉન્ટ પેઈ ચેકથી ચૂકવી આપવા.

ઉપરાંત ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ-આઘાત અને હેરાનગતિના 5 હજાર રૂપિયા સંયુક્ત અથવા વિભક્ત રીતે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. અરજીના ખર્ચ પેટે 2500 રૂપિયા પણ ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top