દરેક જ્ઞાતિનાં લોકોએ પોતાનાં પૂર્વજો પહેલાં કયાં વસતા હતા, કેવી રીતે રહેતા હતા, તેઓની આજીવિકા શું હતી, તેની જાણકારી રાખવી જોઈએ, જેથી આજની પેઢીના યુવાઓ પોતાના પૂર્વજોનો ઇતિહાસ જાણી શકે.વર્ષો પૂર્વે અમારા પૂર્વજ ખત્રીઓનો ચાંપાનેરમાં વસવાટ હતો.15 મી સદીના અંતે મહેમુદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કરી પાવાગઢ ચાંપાનેર જીતી લીધું હતું. પાવાગઢના ચાંપાનેરમાં થયેલા યુધ્ધને કારણે થયેલી તબાહી તથા ધાર્મિક સુરક્ષા અને આજીવિકાનો અભાવ લાગતાં ખત્રીઓ ચાંપાનેરથી હિજરત કરી ચીખલી ભરૂચ બારડોલી માંડવી અને અન્ય સ્થળોએ સ્થાયી થયાં.
મોટો સમૂહ સુરત આવ્યો અને સ્થાયી થયાં. સુરતમાં વસેલાં ખત્રીઓ પછી સમયાંતરે દક્ષિણિ ઇન્દોરી.ચેવલી.ખંભાતી અમદાવાદી તથા અન્ય ખત્રીઓનો તબક્કાવાર વસવાટ થતો ગયો. આ તમામ મૂળ ક્ષત્રિય પરંતુ શબ્દે અપભ્રંશ થઈ ખત્રી કહેવાયા. વર્ષોથી ખત્રીઓ હાથશાળ પર કાપડ બનાવતાં તેમજ કાપડ પર કલર તેમજ બાંધણી જેવી ડિઝાઈન પણ બનાવતા હતા. સમય જતાં સ્ત્રીઓ નાની હાથશાળ પર જરીની લેશ બનાવતાં.
જે સાડીની બોર્ડર પર લાગતી હતી. ખત્રી સમાજનાં ઘરોમાં કદાચ આજે પણ આવી નાની હાથશાળ જોવા મળી આવે. પૂર્વથી જ ખત્રીઓની કાપડ ઉદ્યોગમાં અને જરી ઉદ્યોગમાં માસ્ટરી હતી અને આજે પણ છે. સુરતમાં કાપડ ઉદ્યોગના તેમજ ડાઇંગ હાઉસના સ્થાપક પ્રથમ ખત્રીઓ જ કહી શકાય. ડાઇંગ હાઉસના માલિકો આજે જે પણ હોય તેવો પ્રથમ ખત્રી માસ્તરને રાખવાનો આગ્રહ રાખતા હોય છે, મહેનતુ અને ખાણી પીણીના શોખીન ખત્રીઓ 500 વર્ષ પહેલાંથી સુરતમાં વસેલાં છે અને સુરતના વિકાસમાં પોતાના હુન્નરનો મહત્ત્વપૂર્ણ ફાળો આપતાં આવેલાં છે અને તેથીજ ખત્રીઓ આજે પણ પોતાની આગવી ઓળખ જાળવી સન્માનપુર્વક જીવી રહ્યાં છે.
સુરત – વિજ્ય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે