SURAT

કતારગામનો રાદડિયા પરિવાર સોશિયલ મીડિયાની આ પોસ્ટથી હેરાન થઈ ગયો, કોમેન્ટમાં લોકો ગાળો દે છે…

સુરત : નવ મહિનાથી રાદડિયા પરિવારને ફેસબુક પર અને ફોન પર હેરાન પરેશાન કરનાર અજાણ્યા ઇસમ સામે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફેસબુક પર આ પરિવાર ચીટીંગ કરે છે તથા ફરિયાદીના પત્ની વિશે ગમે તેમ આઇડી બનાવીને બદનામ કરાતા છેવટે રાદડિયા પરિવારે પોલીસની આશરો લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

  • ફેસબુક દ્વારા આઈડી રદ કરાતા, તેમની પત્નીના નામે આઈડી બનાવી અને કોલ કરી પરિવારને હેરાન કરવામાં આવતા સિંગણપોર પોલીસમાં ફરિયાદ દાખલ

ચમનભાઈ જીવનભાઈ રાદડીયા (ધંધો- વેપાર, રહેવાસી ઘર નંબર 35, જીલપાર્ક , કતારગામ- સિંગણપોર. મૂળવતન તા.જસદણ જી.રાજકોટ) દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ મુજબ ગત 7મી જુલાઇ 2022ના રોજ તેમના ભાઇ અરવિંદભાઈએ ફોન કરીને તેઓને જણાવ્યું હતું કે સેજલ સાકરીયા નામની આઇડી પર તેમના તથા આખા પરિવારના ફોટા અપલોડ કરેલા છે. આ આઇડીમાં ‘આ પરિવારથી સાવચેત રહેવું . લોકોની મિલકત અને પૈસા પડાવે છે તથા ખાઇ જાય છે. તેમ લખેલું છે‘. સુરતમાં તેમની સામે 420નો દાવો ચાલે છે. આ લોકોનો બિઝનેશ ગારિયા કાઢવાનો છે. આમ માનહાનિ કરતા વાકયો પોસ્ટમાં લખેલા હતા. ત્યારબાદ ભાવના મુકેશ રાદડિયા લખેલું ફેસબુક આઇડી પણ કોઈએ બનાવ્યું હતું તેમાં ફ્રેન્ડ રિકવેસ્ટ તેમના ફોન પર આવી હતી. ફેસબુક ડીપીમાં પરિવારના સભ્યોના ફોટાનો ઉપયોગ કર્યો હતો તથા ઘરનું સરનામુ આંબા તળાવડી, કતારગામ, સિંગણપોર લખી તેમાં તેઓના તથા તેમના ભાઇ મુકેશનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો.

આ ઉપરાંત અજાણ્યા મોબાઇલ પરથી તેઓ પર અને તેમની પત્ની ભાવના પર કોલ આવતા હતા જેમાં અભદ્ર વાતચીત કરી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જેથી તેઓએ ફેસબુકને ફરિયાદ કરતા આ આઇડી બ્લોક કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ ઉતરાખંડ ફરવા ગયા ત્યારે કોઇ અજાણ્યાએ તેમને ફોન કરીને તેમની પત્ની વિશે એલફેલ વાત કરી હતી તથા મેસેજ કર્યા હતા. બાદમાં ફરીથી ભાવના ચમન રાદડિયા નામની આઇડી કોઈએ બનાવીને તેની પર તેમના પરિવાર અને તેમની પત્ની વિશે ખોટી ટીપ્પણી કરીને હેરાન પરેશાન કરી નાંખ્યા હતા. આથી આ મામલે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top