સુરત: સુરતની (Surat) એસટીપીએલ (STPL) કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ મુંજાલ ગજ્જરને (Munjal Gajjar) વિશ્વપ્રસિદ્ધ પ્રકાશન દ્વારા ફોટોનિક્સ (Photonics) ઇન્ડસ્ટ્રીના ટોચના 100, મોસ્ટ ઇનોવેટિવ (Innovative) લોકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.‘ ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ’નામનું (Electro Optics) પ્રકાશન જૂથ યુરોપમાં (Europe) અને સમગ્ર વિશ્વમાં ફોટોનિક્સ ઉદ્યોગને સંબંધિત વિશ્વસનીય અને સચોટ માહિતી તથા વિશ્લેષણ પૂરું પાડવા માટે વિખ્યાત છે.
- ધ ફોટોનિક્સ 100 ની યાદીમાં એશિયન ત્રણ સંશોધકોમાં ભારતના એક માત્ર મુંજાલ ગજ્જરને સ્થાન મળ્યું
- મુંજાલ ગજ્જર પાક્કા સુ૨તી અને મૂળ ગુજરાતી વ્યક્તિ છે અને જે હવે વિશ્વના 100 ઇનોવેટિવ વ્યક્તિઓમાંના એક છે
- લેસર ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ આધારિત ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સ વિક્સાવી છે
આ મેગેઝિન દ્વારા ‘ધ ફોટોનિક્સ 100’ (The Photonics 100) નામે એક વાર્ષિક યાદી જાહેર કરે છે, જેમાં જેમાં વિશ્વના ફક્ત 100 વ્યક્તિઓ સ્થાન પામતા હોય છે જેમને વિશ્વસ્તરે વિશિષ્ઠ અને નોંધપાત્ર કામગીરી આપનારા લોકોને સન્માનિત કરવામાં આવે છે. લેસર ટેક્નોલોજી,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ આધારિત ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સ વિક્સાવનાર મુંજાલ ગજ્જરને તેમના ઇનોવેટિવ સંશોધનો માટે વિશ્વની 100 ઇનોવેટિવ વ્યક્તિઓમાં સ્થાન મળ્યું. હીરા ઉદ્યોગમાં લેસર ટેકનોલોજીના (Laser Technology) તેમને STPL થકી રજૂ કરી હતી. જે ક્રાંતિકારી શોધ બની રહી છે.
ધ ફોટોનિક્સ 100 ની યાદીમાં એશિયન (Asian) ત્રણ સંશોધકોમાં ભારતના (India) એક માત્ર મુંજાલ ગજ્જરને સ્થાન મળ્યું. STPL ના CEO રાહુલ ગાયવાલા અને એમડી ભાર્ગવ કોટડીયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ફોટોનિક્સ એ પ્રકાશનાં કિરણોના ભૌતિક વિજ્ઞાનની શાખા છે. પ્રકાશ અને ખાસ કરીને લેસર કિરણોનો વિવિધ પ્રકારે જીવન ઉપયોગી બાબતોમાં ઉપયોગ કરવાના વિજ્ઞાન અને ઉદ્યોગમાં ફોટોનિક્સ બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે. અહીં ગર્વની વાત એ છે કે મુંજાલ ગજ્જર પાક્કા સુ૨તી અને મૂળ ગુજરાતી વ્યક્તિ છે અને જે હવે વિશ્વના 100 ઇનોવેટિવ વ્યક્તિઓમાંના એક છે.
એસટીપીએલના મુંજાલ ગજ્જરે ફોટોનિક્સ, ખાસ કરીને લેસર ટેક્નોલોજીના ક્ષેત્રે નીતનવાં સંશોધનો દ્વારા દેશના સમગ્ર હીરાઉદ્યોગની કાયાપલટ કરવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. તેમણે આ જ ટેક્નોલોજીના ઉપયોગથી ભારતમાં મેડિકલ સ્ટેન્ટનું ઉત્પાદન શક્ય બનાવવામાં પણ વિશેષ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, આ પહલથી ભારત મેડિકલ સ્ટેન્ટના ઉત્પાદન થકી આત્મનિર્ભર બન્યો છે.