દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના બની હોવાનું કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું. સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ વ્યક્તિના 7 અંગોને એક દિવસે એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
52 વર્ષીય મહિલા બ્રેઈન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી. સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલા રતનજી નગરમાં 52 વર્ષીય પન્નાબેન ભરતભાઈ શિંગાળા પરિવાર સાથે રહેતા હતા. પતિ ભરતભાઈ હીરા મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના પરિવારમાં ત્રણ સંતાનો છે.
તા.11/04/2035ના રોજ દર્દી નામે પન્નાબેન ભરતભાઈ શિંગાળાને રાત્રી સમયે અચાનક ચક્કર આવતા તેમના પતિ ભરતભાઈ અને દિયર ધીરેનભાઈ નજીકના દવાખાને લઈ જતાં તપાસ કરતા ત્યાના ડોકટરે બ્લડ પ્રેશર વધારે હોઈ એવું જણાવી નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાનું કીધું. ત્યાંના ડોક્ટરે મગજના રિપોર્ટ કરાવતા દર્દીને મગજમાં હેમરેજ હોવાથી ઓપરેશન કરવું પડે તે માટે તેઓએ તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતાં. ત્યાં દર્દીને ઈમરજન્સીમાં રાત્રે 2 વાગ્યે ઓપરેશન કરાયું હતું અને વધુ સારવાર અર્થે ICUમાં રાખવામાં આવ્યા હતા.
લાંબી સારવાર બાદ અચાનક 21 એપ્રિલના રોજ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી તેમના રિપોર્ટ કરતા મગજ પર સોજો વધી ગયો હોવાથી અને દર્દીના તબિયતમાં સુધારો થઈ શકે એમ ના હોવાથી બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ કિરણ હોસ્પિટલના મેડિકલ ડીરેક્ટર ડો.મેહુલ પંચાલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા અને વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. મહિલાના પતિએ સ્વૈચ્છિક રીતે અંગદાનની તૈયારી બતાવી હતી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ કિરણ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલા પન્નાબેનના પરિવારના સભ્યો સાથે મળ્યા હતા. પન્નાબેનના પતિ ભરતભાઈ અને તેમના દિયર ધીરેનભાઈ વારંવાર સોશિયલ મીડિયા અને અખબાર પત્રમાં અંગદાન વિષે જોતા અને વાંચતા હતા. મારા ઘરે જ્યારે એક દીપક ઓલવાઈ ગયો,છે પરંતુ અંગદાન કરી હું બીજા ઘરના અનેક દીપકને પ્રજ્વલિત કરીશ અને અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોય એ વિશેષ મહત્ત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટેની તૈયારી બતાવી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ક્રિષ્નાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી. 23 એપ્રિલના રોજ સુરતના 52 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેનના અંગોના દાન થકી 7 લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું હતું, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું, હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું, આંખ(કોર્નિયા) નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું.
કિરણ હોસ્પિટલના મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અલગ અલગ સમય લાગ્યો હતો. સૌથી વધુ ફેંફસા ટ્રાન્સપોર્ટ કરતાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. 6 કલાક હાથ માટે, લીવર માટે 7 કલાક, કિડની માટે 4 કલાક અને આંખો માટે એકથી દોઢ કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે. આ તમામ ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા હતા. દર્દી કિરણ હોસ્પિટલમાં જ હોવાથી આ શક્ય બન્યું હતું.
ડો.મેહુલ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ પ્રક્રિયાની અંદર ટંક જ સમયમાં કરવામાં આવી હતી ઓર્ગન વ્યક્તિ માંથી રીમવ કર્યા બાદ બે થી ત્રણ મિનિટની અંદર જ આ ઓર્ગન છે તે ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 25 ડૉક્ટર અને 30 જેટલો પેરા મેડિકલ સ્ટાફ કામે લાગ્યો હતો.