શહેરના ઝડપથી વિકાસ પામતા ઉગત ભેંસાણ રોડ ઉપર હાલ મેટ્રોનું કામકાજ ચાલુ છે. થોડા દિવસ પૂર્વે કોઇ પણ આગોતરી જાણ કર્યા વિના અચાનક રાતે 2 વાગ્યે ભેંસાણ ગામથી ઉગત તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો! સવારે જ્યારે નોકરી, ધંધા, શાળા અને કોલેજે જવાવાળા નીકળ્યા ત્યારે આ રસ્તો અચાનક બંધ થતા તમામને હાલાકી પડી! સ્કૂલ વાનો, રિક્ષા, શબવાહીની, એમ્બ્યુલન્સ આ તમામ તકલીફમાં મૂકાયા! રાજહાર્મોની જંક્શન પાસે ચાર દિશામાં જતો ટ્રાફીક હોય છે. દાંડી રોડ, મોરા ભાગળ, ગૌરવ પથ અને ભેંસાણ એટલે આ બધા જ રૂટો ઉપર ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ છે! એક જ રસ્તા ઉપરથી બંને દિશામાં ચાર ચક્રીય અને દ્વી ચક્રીય વાહનો દોડી રહ્યા હોઇ અકસ્માતો થઇ રહ્યા છે અને રસ્તે ચાલતા રાહદારીઓ વાહનો સાથે અથડાઇ રહ્યા છે! બે દિવસ સુધી મેટ્રો તરફથી કોઇ સૂચના બોર્ડ કે માણસની ટ્રાફીક ડાયવર્ઝન માટે વ્યવસ્થા કરાઇ નહતી. ત્રીજા દિવસથી માણસો મૂકવામાં આવ્યા! મ્યુ.કમિશ્નર અને પોલીસ કમિશ્નરની સ્પષ્ટ સૂચના છે કે જ્યાં મેટ્રોનું કામ પતે ત્યાં રસ્તા ખુલ્લા કરી દેવા પણ એવું થતું નથી! એટલે હાલ તો ડ્રીમ પ્રોજેક્ટ સુરતીઓ માટે યાતના પ્રોજેકટ બની ગયો છે!
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રમુખ અને અધ્યક્ષમાં શું ફેર?
પ્રમુખ મુખપ્ર (નામકપૂર્વગ) મુખનો ઉપયોગ તે વધારે રહે. મુખનો પ્રહર્ષ જેમાં થાય એ પ્રમુખ. સંભાખંડમાં મંચ પર મુખ્ય સ્થાન પર બિરાજેલ વ્યક્તિને સંસ્થાના પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે તે સ્વાગત પ્રવચન કે મંડળના સભ્યોને કે સભાખંડમાં ઉપસ્થિત સૌ શ્રોતાઓને આવકારે છે. હવે અધ્યક્ષ અક્ષ એટલે આંખ અધિ એટલે ઉપરથી. જે વ્યક્તિ આખું દૃશ્ય બરાબર જોવા પોતાની આંખનો ઉપયોગ કરે તે અધ્યક્ષ જે અધ્યક્ષ હોય તે મંચ પરથી સભાખંડમાં સૌ સભ્યોને નિહાળે છે અને પુરતુ નિરિક્ષણ કરે છે. ત્યાર બાદ તેમનો બોલવાનો સમય આવે છે ત્યારે પોતાની નજરથી એમણે જ નિહાળ્યું હોય તેનો ઉલ્લેખ પોતાના પ્રવચનમાં કરે છે. આ રીતે અધ્યક્ષ અને પ્રમુખ વચ્ચે જે ભેદરેખા છે તે આપણને જોવા મળે છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.