વરાછા રોડની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી અને સામાન્ય પરિવારમાંથી આવતી સુરતની ધ્રુવી જસાણીની નાસા યુનિવર્સિટીમાં સ્પેઇસ આર્કિટેકટના કોર્સમાં પસંદગી થઇ છે. સ્પેસ અર્કિટેકટના કોર્સમાં સ્પેસમાં જતા એસ્ટ્રોનોટસ માટે કઇ રીતે ચંદ્ર અને મંગળ જેવા ગ્રહ પર વધારે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબતના પ્રોજેકટ પર ધ્રુવી છેલ્લાં ૬ વર્ષથી કામ કરતી હતી. આ માટે ધ્રુવીએ નાસાની સૂચિત વેબસાઇટ પર લેકચર્સ એટેન્ડ કર્યાં હતાં. અમેરિકાના ટાઇમ ડીફરન્સને કારણે તે રાત્રે ૧૦ થી મળસ્કે ૩-૪ કલાક જ ઊંઘ લઇ શકતી હતી. તે કહે છે કે ‘એક વખત હું હિંમત હારી ગઇ હતી. પણ પાછી હિંમત ભેગી કરીને તૈયારી ચાલુ રાખી હતી. તેનું ફળ મને આજે મળ્યું છે.’ આ અથાગ પરિશ્રમને કારણે ધ્રુવી નાસા યુનિવર્સિટીના સ્પેસ આર્કિટેકટના અભ્યાસ માટે પસંદગી પામી છે.
આમાં કુલ ચાર પરીક્ષા આપવાની હોય છે. પહેલી પરીક્ષામાં ૩૫૦૦ વિદ્યાર્થીઓ હતાં. છેવટે ચોથી એકઝામમાં ૩૦૦ વિદ્યાર્થીઓ હતાં. આ ૩૦૦ માંથી ભારતનાં બે વિદ્યાર્થીઓની નાસા એકેડેમીએ પસંદગી કરી હતી. એક ધ્રુવીની અને બીજા એક પંજાબના યુવકની. આ સ્પેસ આર્કિટેકટના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ નાસા જ ભોગવશે. નાસા એકેડેમીના અભ્યાસક્રમ મુજબ ધ્રુવીને સ્પેસમાં પણ ટ્રાવેલ કરવાની ટ્રેઇનિંગ અપાશે. ધ્રુવીના પિતા કિશોરભાઇ જસાણીની હેન્ડલુમની શોપ ધરાવે છે અને માતા હાઉસવાઇફ છે. ગુજરાત માટે અને વિશેષત: સુરત માટે આ એક ગૌરવપ્રદ ઘટના છે. આ પ્રસંગે ધ્રુવી કહે છે કે યુવાઓ સ્પેસક્ષેત્રમાં વધુ રસ લે અને વધુ આગળ આવે. ધ્રુવી, ખૂબ ખૂબ અભિનંદન! તું હજુ વધુ આગળ ઊડે એવી શુભેચ્છાઓ!
સુરત -ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આતશ-બહેરામ
ઇરાનથી પોતાના જરથોસ્તી-ધર્મની રક્ષા માટે ભારતમાં આવીને વસેલાં પારસીઓની અગિયારીમાં કાયમ આતશ-બહેરામ પ્રજવલિત રહે છે. આમ પારસીઓ અગ્નિ-દેવતાનું પૂજન કરે છે. આજે જમાનો ભલે આધુનિકતા તરફ જઇ રહ્યો છે છતાં પણ પારસીઓએ પોતાનો પહેરવેશ – પોશાક બદલ્યો નથી. બાનુ (મહિલા)ઓ પણ અશો-જરથોસ્તીની – પૂજા – અર્ચના કરે છે. પારસીઓએ જે કામ – ધંધો વ્યવસાય સ્વીકાર્યો છે તેમાં નેકી – પ્રામાણિકતા – ઇમાનદારી કાયમ રહી છે. સિધ્ધાંતોના ભોગે કોઇ ખોટું કાર્ય કરતા નથી. મીઠી-મઝાની તેમની બોલી આગવી ઓળખ છે. લગભગ કોઇ પારસી ધૂમ્રપાન કરતો નથી કેમ કે અગ્નિને દેવતા સમજે છે. આથી ધર્મ-વિરુધ્ધ કાર્ય છે. આ બાબતે પારસી – સજજન, નાટ્યકાર અને ‘પદ્મશ્રી’ યઝદી કરંજિયા આ લખનારને કહે છે. હું ખોદાયજીનું સ્મરણ કર્યા વિના રંગમંચ – પર પગ મૂકતો નથી. મારી નસે-નસમાં નાટયપ્રવૃત્તિ આજે જૈફ વયે પણ વહેતી રહે છે. અમો સવાયા ગુજરાતી, વફાદાર પારસી તરીકે જીવીએ છીએ; અલબત્ત પારસીઓની ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે.
તરસાડા પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.