ભાગ્યે જ એવો કોઈ સુરતી હશે કે જેણે સુરતની અઠવાલાઈન્સ ખાતે આવેલા જવાહરલાલ નહેરૂ ઉદ્યાન એટલે કે ચોપાટીમાં ફરવાની મજા માણી નહી હોય. એક સમય હતો કે જ્યારે ચોપાટીમાં સ્વાતંત્ર્યની લડાઈઓ માટે સ્વાતંત્ર્યવીર ભેગા થતાં હતા. સુરતની ચોપાટી આખા દક્ષિણ ગુજરાતમાં વખણાતી હતી. ત્યારે સુરતમાં ફરવાના સ્થળો ઓછા હતા. છેલ્લા બે દાયકામાં સ્થળો વધી ગયા અને ચોપાટીમાં ફરવા માટે આવનારાઓની સંખ્યા ઘટતી રહી. જે આકર્ષક પર્યટન સ્થળ મનાતું હતું તે ચોપાટીની હાલત ખસ્તાં થઈ ગઈ. ફુવારાઓ તૂટી ગયા, બાંકડાઓ જર્જરીત થઈ ગયા. યોગ્ય રીતે જાળવણીના અભાવે લેન્ડ સ્કેપિંગ અને ગાર્ડનિંગનો ઘાણ વળી ગયો. અસામાજિકો અને ડ્રગ્સ એડિક્ટોનો આ અડ્ડો બની ગયો હતો. યુવાવર્ગ દ્વારા તેનો ગેરલાભ પણ લેવાતો હતો. જોકે, હવે આગામી દિવસોમાં ચોપાટી તેના નવા જ સ્વરૂપમાં જોવા મળશે. બની શકે કે ચોપાટી ફરવા માટે એવું સ્થળ બનશે કે સુરતીઓ ફરી બોલી ઉઠશે. વાહ! શું નવી ચોપાટી છે. લોકોને ભેગા થવા માટે એક નવા જ સ્થળરૂપે ચોપાટી મળશે. સુરત મહાપાલિકા દ્વારા આ ચોપાટીના નવિનીકરણની સાથે જાળવણી માટે 30 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. ચોપાટીમાં પ્રવેશવા માટે નવો એન્ટ્રી ગેટ બનાવવાની સાથે નીતનવા આયોજનો જોવા મળશે. હાલમાં મેટ્રો રેલની કામગીરીને કારણે ચોપાટીના નવિનીકરણની કામગીરી શરૂ થઈ નથી. પરંતુ જેવું મેટ્રોનું એલાઈનમેન્ટ ફાયનલ થશે કે તુરંત ચોપાટીને નવતર ઓપ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવશે.
નિ:શુલ્ક પ્રવેશ સાથે સુરતીઓ વખાણતાં થઈ જાય તેવી રીતે નવી ચોપાટીનું અમે નિર્માણ કરીશું: યશવંત શાહ
અઠવાલાઈન્સ ચોપાટીની જાળવણી અને નવિનીકરણનો કોન્ટ્રાક્ટ લેનાર શાહ પબ્લિસિટીના યશવંત શાહે જણાવ્યું હતું કે, ચોપાટીને નવો ઓપ આપવા માટે અમે બેથી ત્રણ કરોડનો ખર્ચ કરીશું. સુરતીઓને ફરવા માટે એક નવું જ સ્થળ મળે તેવી રીતે ચોપાટીમાં નવા લેન્ડસ્કેપિંગની સાથે સાથે બાળકોને રમવા માટે ગેમ ઝોન, ટોય કાર સહિતના આયોજનો કરવામાં આવશે. ટોય કારની ખરીદી માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આટલો ખર્ચો કર્યા બાદ પણ ચોપાટીમાં સુરતીઓને નિ:શુલ્ક જ પ્રવેશ મળશે.
નવી ચોપાટીમાં શું શું જોવા મળશે
• સુપર્બ લેન્ડ સ્કેપિંગ અને ગાર્ડનિંગ, નવા જ પ્રકારના ફુલ-છોડ જોવા મળશે
• અદ્યતન સ્ટ્રીટ ફર્નિચર
• ટોય ટ્રેઈન
• આર્ટ ગેલેરી
• ફુડ ઝોન
• ગેમ ઝોન
• ઈવેન્ટ માટે એમ્ફી થિયેટર
• સ્કેટિંગ ઝોન
• મ્યુઝિક સિસ્ટમ
• આખો બગીચો જોઈ શકાય તે માટે બેટરી ઓપરેટેડ કાર
• સેલ્ફી પોઈન્ટ
• ટાવર ક્લોક
• મધરકેર રૂમ
મેટ્રોમાં બેઠા બેઠા ઉપરથી ચોપાટીનો નજારો માણી શકાશે
સુરતમાં મેટ્રો ટ્રેન માટે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેમાં અઠવાગેટથી મેટ્રો રેલ ચોપાટીની ઉપરથી પસાર થઈને નદીના સામે પાર અડાજણ, બદ્રીનારાયણ મંદિર સુધી જવાની છે. મેટ્રો રેલ શરૂ થઈ જશે અને સાથે સાથે ચોપાટીનું નવિનીકરણ પણ થઈ જશે. જેને કારણે લોકો મેટ્રો રેલમાં બેઠા બેઠા નીચે નવી ચોપાટીનો નજારો પણ જોઈ શકશે.
નવી ચોપાટી સાથે સુરતીઓ નવા રિવરફ્રન્ટની પણ મજા લઈ શકશે
રાજ્ય સરકાર અને મહાપાલિકા દ્વારા તાપી નદીની બંને તરફ રિવરફ્રન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અઠવાલાઈન્સની ચોપાટી પણ તાપી નદીના કિનારા પર જ છે. આ સંજોગોમાં સુરતીઓને નવી ચોપાટી સાથે સાથે રિવરફ્રન્ટમાં પણ ફરવાનો લાભ મળશે.