Business

વિસર્જનમાં જવા અવનવા ઓપ્શનનું સુરતીઓએ કર્યું અનોખું સર્જન

અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાની વિધિ વિધાનથી સ્થાપના કરે છે. ગણેશચતુર્થીના દિવસે ગણપતિ લાવ્યા બાદ તેને પૂરા આદર સત્કાર સાથે એક, ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે અને ત્યારબાદ વિસર્જન કરાય છે. જો કે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લાવેલા આ ગણેશજીને વિદાય કરવાના દિવસો પણ નજીક આવી ચૂક્યા છે. જે શ્રદ્ધાથી ગણેશજીને લાવ્યા હતા અને સ્થાપના કરી હતી. આ શ્રદ્ધા સાથે સુરતીઓ ગણેશજીને વિદાય પણ કરશે. જો કે આ વર્ષે કોરોના ગાઈડ લાઈનના આધારે ગણેશોત્સવમાં ડી જે ની મંજૂરી તો મળી પણ પરિપત્ર અનુસાર 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન કરી શકાશે. આથી ખરી મુંઝવણ તો હવે સર્જાશે કે મોટી સોસાયટી અને શેરીઓમાં કોઈને મનદુખ ના થાય તે પણ જોવાનું. ત્યારે ચાલો જોઈએ સુરતીઓએ આ વિસર્જનમાં જવા માટેના કેવા ઓપ્શન અપનાવ્યા છે. કેવી રીતે નક્કી કરી રહ્યાં છે કે કોણ જશે વિસર્જનમાં?

બાપ્પાની વિદાયમાં જોડાવવાના અવનવા પ્રયોગો

હવે જ્યારે વિસર્જનની ઘડીઓ નજીક આવી ગઈ છે ત્યારે અનેક સોસાયટી, શેરીઓ અને મહોલ્લામાં લોકો મુંઝવણમાં મુકાયા છે કે વિસર્જનમાં કયા 15 વ્યક્તિઓ જશે? આ પ્રશ્ન હાલ દરેક ગ્રૂપમાં સતાવી રહ્યો છે. ત્યારે સુરતીઓએ તેના પણ અવનવા રસ્તા શોધી લીધા છે. અને અપનાવી રહ્યાં છે કઈક આવા રસ્તા…

લક્કી બોક્સમાં ગ્રૂપના સભ્યોના નામ લખી ચિઠ્ઠી ઉછાળાશે

વિકી રાજપૂત જણાવે છે કે, ‘’આ વર્ષે ગણેશોત્સવમાં અમને ખૂબ જ ઉત્સાહ હતો કેમ કે 2 વર્ષ બાદ બાપ્પાના વધામણાં કરવાનો મોકો મળ્યો હતો અને સૌથી વધારે મજા આવે વિસર્જન વેળાએ. આખી સોસાયટી એકઠી થઈને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપવા જવાની અને સાંજે આવીને બધા સમૂહ ભોજનનો આનંદ માણતા. જો કે આ વર્ષે ગાઈડલાઇન મુજબ આવો આનંદ શકય નથી. વિસર્જનમાં ફકત 15 વ્યક્તિને જ મંજૂરી હોવાથી અમે કેટલાય દિવસથી પ્લાનિંગ કરતાં હતા કે કોણ કોણ જશે વિસર્જનમાં ? પણ એમાં જોયું તો કેટલાકને મનદુખ થાય આથી અમારા ગ્રુપે નક્કી કર્યું છે કે અમે ગ્રૂપના બધા જ સભ્યોના નામ લખીને એક બોક્સમાં મૂકી દઇશું અને તેને કોઈ નાના છોકરા પાસે ચિઠ્ઠી ઉછાળાવીશું. શરૂઆતના જે 15 નામ નીકળે તેણે વિસર્જનમાં જવાનું. કોઈએ ખોટું નહીં લગાડવાનું. જેનું નસીબ હોય તેનું નામ આવશે.’’

વિસર્જનમાં જવા માંગતા લોકોને સર્કલમાં ઊભા રાખી પાછળથી થપ્પો કરાશે

મયુર પટેલ જણાવે છે, ‘’અમારા નવો મહોલ્લો યુવક મંડળે નક્કી કર્યું છે કે સ્થાપના વખતે અમુક 15 વ્યક્તિઓ સિલેક્ટ કર્યા હતા અને ત્યારબાદ હવે વિસર્જન માટે 15 સિલેક્ટ કરશે. જેના માટે અમે અમારી શેરીના જે પણ લોકોને વિસર્જનમાં જવા માંગતા હોય એમને એક ગોળ સર્કલમાં ઊભા રાખીશું. જેમનું મોં પાછળ દેખાય નહીં તે રીતે. ત્યારબાદ પાછળથી એક નાના છોકરાને આંખે પાટા બાંધી એ સર્કલના ઉભેલા સોસાયટીના વ્યક્તિઓમાંથી જેના પર એ થપ્પો કરે એ વ્યક્તિએ જ વિસર્જનમાં જશે. જેમાં એવું નથી કે ફકત પુરુષો જ જશે. પણ મહિલાઓ બાળકોને પણ અમે ચાન્સ આપીશું.’’

ઘરદીઠ એક વ્યક્તિ વિસર્જન યાત્રામાં જોડાશે

વિવેક ઝા જણાવે છે કે, ‘’અમારી સોસાયટીમાં એવું નક્કી કર્યું છે કે આ તો ભગવાનનો તહેવાર છે એમાં વળી સિલેક્શન શેનું ? અને એકબીજાની અદેખાઇ કેવી ? આ વર્ષે ના જઈ શકાયું તો શું થયું. આવતા વર્ષે જશે. અને આમ પણ કોરોનાની પરિસ્થિતી સુરતવાસીઓ જોઈ જ ચૂક્યા છે, આથી ઘરે રહેવું જ વધારે હિતાવહ છે. આથી અમારી શેરીના પ્રમુખ અને બીજા બે ચાર વડીલ મળીને નક્કી કર્યું છે કે ઘરદીઠ એક વ્યક્તિએ વિસર્જનમાં જોડાવું. ઘરમાંથી કોણે આવવું એ જે તે ઘરના લોકો જ નક્કી કરશે. સ્થાપના વખતે જે 15 વ્યક્તિઓ જોડાયેલા તેઓ વિસર્જનમાં જોડાશે નહીં જેથી કરીને બીજા ઘરના વ્યક્તિને ચાન્સ મળી શકે.’’

  • વિસર્જનમાં 15 વ્યક્તિની પસંદગી કઈ કઈ રીતે કરાશે?
  • # ઘરદીઠ એક વ્યક્તિ જશે
  • # ચિઠ્ઠી ઉછાળાશે
  • # લક્કી ડ્રો કરાશે
  • # બાળક પાસે 15 વ્યક્તિ સિલેક્ટ કરાવાશે
  • # સોસાયટીના પ્રમુખ કે વડીલો નક્કી કરશે
  • # જાતે જ ગ્રૂપમાં કોણ જશે તે નક્કી કરશે

Most Popular

To Top