શુદ્ધ ઘીનું નામ સાંભળતા જ આપણી આંખની સામે તેનો ઉપયોગ કરીને બનાવેલી મીઠાઈઓનો રસથાળ તરવરવા લાગે છે. આપણા ઘરના વડીલો હમેશા ઘી ખાવાની સલાહ આપતા હોય છે. તેમનું માનવું છે કે, ભોજનમાં ઘીનો સમાવેશ કરવાથી તમે શારીરિક રીતે મજબૂત બનો છો, સ્વસ્થ રહો છો. ભારતમાં પ્રાચીન સમયથી દૂધ અને તેની બનાવટોનો ખાવામાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે જેમકે, દહીં, છાશ, માખણ, દૂધનો માવો. આમનું જ એક છે ‘ઘી’ જેને દૂધમાંથી કાઢવામાં આવેલા માખણ કે મલાઈને ગરમ કરીને બનાવાય છે. આપણે ત્યાં પૂજામાં ઘીનો ઉપયોગ અનિવાર્ય છે.
ઘી ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગી છે. સુરતીઓની ઘીની જરૂરિયાત 87 વર્ષથી હરિપુરા મેઈન રોડ પર સ્થિત શા.મણિલાલ ભૂખણદાસ મોદી પેઢી પુરી કરે છે. આ પેઢી પહેલાં ઘીની સાથે તેલનું વેચાણ પણ કરતી. આ પેઢી દ્વારા વેચાતું ઘી વિદેશમાં વસેલા સુરતી N.R.I. જ્યારે સુરત આવે ત્યારે અચૂક ખરીદે જ છે. 87 વર્ષથી શુદ્ધ ઘી માટે સુરતીઓને કેમ આ પેઢી પર ભરોસો છે? કેમ આ પેઢી હજી પણ વાંકી ડોકીવાળા કાકાની દુકાન તરીકે ઓળખાયા છે? તે આપણે આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક સ્નેહલભાઈ મોદી પાસેથી જાણીએ.
પહેલા સુરતની જરૂરિયાતનું ઘી બારડોલીથી આવતું: સ્નેહલભાઈ મોદી
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક સ્નેહલભાઈ મોદીએ જણાવ્યું કે, પહેલાં સુરતમાં ઘી બારડોલીથી આવતું. હરિપુરા ઘી કાંટા રોડ પર ઘીનો કાંટો હતો ત્યાં બારડોલીનું ઘી આવતું. ત્યાંથી સુરતના ઘીના વ્યાપારીઓ ઘી ખરીદતા હતાં. આ ઘી બરડોલીથી બળદ ગાડામાં માટીના માટલામાં આવતું. ઘીના વાસણને ઘડવો કહેવાય એટલે તે ઘડવાનું ઘી કહેવાતું. તે દાણાદર ઘી હોય છે. બારડોલીમાં લોકો ઘરે જ ઘી વલોણાથી બનાવતા. ત્યાં પશુધન ઓછું થતા અને દૂધ ડેરીમાં આપવા લાગતા 1950-52ની આસપાસ બારડોલીથી ઘી આવતું બંધ થયું. 1950-52થી જામખંભાળીયા અને પોરબંદરથી ઘી આવવાનું શરૂ થયું.
જામખંભાળીયાનું ઘી ઘારી- બીજી મીઠાઈ બનાવવા માટે ઉપયોગી છે: મોનાબેન મોદી
સ્નેહલભાઈ મોદીના પત્ની મોનાબેન મોદીએ જણાવ્યું કે જામખંભાળીયાનું ઘી કાચું ઘી કહેવાય તે ઘારી બનાવવા અને મગજ, ખાંડ અને ગોળના લાડુ બનાવવા પસંદ કરાય છે. મહાશિવરાત્રી પર ઘીના કમળ બનાવવા માટે પણ જામખંભાળીયાનું ઘી વપરાય છે. પહેલાં અમારી દુકાનમાં તેલ પણ વેચાતું પણ 79-80માં ઘરાકીને પહોંચી વળાતું નહીં હોવાથી તેલ વેચવાનું બંધ કર્યું. પહેલા તેલ મરોલી સાઈડથી આવતું હતું. રાજકોટથી તેલ મંગાવનારા સૌથી પહેલાં અમે જ હતાં. અમારી દુકાનમાંથી અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયામાં વસેલા સુરતીઓ પણ ખરીદવા આવે છે. સમૂહ લગ્ન માટેના જમણવાર માટે પણ અમારે ત્યાંથી વિવિધ સમાજના મંડળ ઘી ખરીદે છે.
શા. મણિલાલ ભૂખણદાસ મોદીએ 1936માં પેઢીનો પાયો નાંખ્યો
આ દુકાનનો પાયો શા. મણિલાલ ભૂખણદાસ મોદીએ 1936માં 25મી જુલાઈ શ્રાવણ સુદ સાતમ (શીતળા સાતમ) ના દિવસે નાખ્યો હતો. તેમના વડવાઓ પણ ઘી અને તેલના ધંધા સાથે સંકળાયેલા હતા. એ સમયે રામપુરા, મહિધરપુરા,સલાબતપુરા, બેગમપુરા, સગરામપુરા, ઝાંપા બજાર, નાણાવટ, શાહપોર, રાંદેર,કતારગામ,વેડગામ,ડભોલીગામ, નવસારી, વલસાડ,સાયણ, ઉધના ગામ, પાંડેસરા ગામથી લોકો ચાલતા અને ઘોડાગાડીમાં ઘી ખરીદવા આવતા હતાં. તેમના પત્ની તારાબેન પણ આ પેઢીનું સંચાલન કરતા હતાં.
વાંકી ડોકીવાળા કાકાની દુકાનના નામથી પણ ઓળખાય છે
શા. મણિલાલ મોદીના મોટા દીકરા ચંદ્રવદનભાઈ 10 વર્ષની ઉંમરના હતા ત્યારથી તેઓ દુકાને બેસતા. 30 વર્ષની ઉંમરે તેમને 2 વખત ટાઈફોડ થયો હતો તેમાં એમને બોર્ન TB થતા ડોકી વાંકી થઈ હતી. આ કારણે લોકો વાંકી ડોકીવાળા કાકાની દુકાન તરીકે હજી પણ ઓળખાય છે. ધંધાને આગળ ધપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેઓ કોઈપણ કામકાજ શાંતિથી કરવામાં માનતા. કોઈને ઓછું આપવું નહીં અને કોઈનું વધારે લેવું નહીં તે તેમનો સિદ્ધાંત રહ્યો છે. ઍટલે જ આજે પણ આ દુકાનનું નામ છે. તેમનું 1998માં નિધન થયું હતું.
દિલીપભાઈ સુગંધથી ઘીને પારખી લેતા
ચંદ્રવદન મોદીના નાના ભાઈ દિલીપભાઈ 1960થી દુકાનમાં બેસતા. તેઓ સુગંધથી ઘીને પારખી લેતાં. તેઓ ફક્ત મીઠાઈમાં ઘી ખાતા બાકી ખીચડી, રોટલી, ભાતમાં ઘી નહોતા ખાતા.બંને ભાઈઓના સાથ સહકારને કારણે તેમની દુકાનનું ઘી સુરતની જૂની પ્રસિદ્ધ મીઠાઈની દુકાનોમાં જતું. ઘારી, મગજ, હલવા પર ઘી પાથરવા જામખંભાળીયાનું ઘી અને નાના મોટા મંડળોને ચંદની પડવા માટે ઘારી બનાવે તેને ઘી સપ્લાય કરતા. તેમના નામથી દિલીપ ટ્રેડર્સના નામે પણ આ દુકાન ઓળખાય છે.
નાની હતી ત્યારથી અહીંથી ઘી ખરીદવા આવું છું: દેવિકાબેન પટેલ
રામપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય દેવિકાબેન પટેલે જણાવ્યું કે હું નાની હતી ત્યારે મારી મમ્મી સાથે અહીં ઘી લેવા આવતી. શિયાળામાં મગજ બનાવવા ઘી લઈ જઈએ છીએ. મારા પિયરના અને સસરા પક્ષના અહીંથી જ ઘી ખરીદવાનો આગ્રહ રાખે છે. અમારું 2400 થી 2500 લોકોનું સુરત લેઉવા પાટીદાર સિનિયર સિટીઝન કલબ છે જેના દર મહિને વિવિધ કાર્યક્રમ ભોજન સહિત થતા હોય છે. તેના ભોજન સમારોહ માટે અહીંથી ઘી ખરીદાય છે.
દશેરામાં જલેબી બનાવવા મીઠાઈવાળા ડેરીનું ઘી લઈ જાય છે
સ્નેહલભાઈએ જણાવ્યું કે, દશેરામાં જલેબી બનાવવા મીઠાઈ વિક્રેતા ડેરીનું ઘી લઈ જાય છે. ગાયનું ઘી પાચન માટે, સ્કિન માટે સારું હોવાથી તેની પણ સારી ડીમાંડ છે. ચંદની પડવા પર ઘારી બનાવવા જામખંભાળીયાનું ઘી વપરાય છે. નાગપાંચમમાં ખિચડી બનાવવા ઘડવાનું ઘી, રાંધણછઠના લાડુ તથા મોહનથાળ બનાવવા માટે જામખંભાળિયાનું ઘી, ગણપતિ ચોથ માટે અને ગણપતિ ઉત્સવમાં સત્ય નારાયણની કથા માટેના શિરા માટે જામખંભળીયાનું ઘી, દિવાળીમાં ઘૂઘરા અને નાનખટાઈ બનાવવા માટે પણ જામખંભાળિયાનું ઘી લેવા લાઈનો લાગે છે.
પહેલાં તાંબાના 52 દેગડામાં ઘી મૂકી દુકાનના ઓટલા પર વેચાણ કરાતું
સ્નેહલભાઈ મોદીએ જણાવ્યું કે તેમના દાદા શા. મણિલાલ મોદીના સમયમાં માટલામાં ઘી આવતું. આ ઘી દુકાનમાં રાખવામાં આવેલા તાંબાના 52 દેગડામા ઠાલવી માટલા પરત કરાતા. રોજ સવારે દેગડા દુકાનના ઓટલા પર મૂકી વેચાણ થતું. સાંજે આ દેગડા દુકાનની અંદર મૂકી દેવાતા.
1936માં એક રૂપિયામાં દોઢ શેર ઘી મળતું અત્યારે 800 રૂપિયે કિલો મળે છે
સ્નેહલભાઈ મોદીએ જણાવ્યું કે 1936માં એટલે કે 87 વર્ષ પહેલાં એક રૂપિયામાં 750 ગ્રામ એટલે કે, દોઢ શેર ઘી મળતું. 1989માં 88 રૂપિયામાં અને 1995માં 144 રૂપિયે કિલો મળતું. અત્યારે ઘી 640 રૂપિયાથી લઈને 800 રૂપિયે કિલો મળે છે.
રાણા સમાજના લોકો કાચું ઘી અને કાચું લસણ ખાય છે
સ્નેહલભાઈ મોદીએ જણાવ્યું કે, શિયાળામાં વિવિધ વસાણા બનાવવા જેમકે, મેથીપાક, સાલમ પાક, અડદિયા પાક,ખજૂરપાક માટે ઘી લેવા લાઇન લાગે છે. રાણા સમાજના લોકો કાચું ઘી અને તેમાં બારીક સમારેલું લસણ, મીઠું, મરી નાખે અને તેની પર કોલસાના ધુમાડાનો ટચ કરાવી તે ખાતા હોય છે. ખત્રી સમાજના લોકો ઘી ગરમ કરી લસણ નાખી થાળીમાં પાથરી દે છે. તેને લસણનો હલવો કહે છે તેના પીસ કરી શિયાળામાં ખાય છે.
2006ની રેલમાં ઘીના ડબ્બા પાણીમાં તરી ગયા હતાં
મોનાબેન મોદીએ જણાવ્યું કે 2006માં સુરતમાં આવેલી ભંયકર રેલમાં અમારી દુકાનમાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાયું હતું. ત્યારે અમારી દુકાનમાં એક લાખ રૂપિયાના માલ-સામાનને નુકસાન થયું હતું.6 દિવસ દુકાન બંધ રહી હતી અને પછી થી 4 દિવસ દુકાનમાં કાદવ-કિચડની સફાઈમાં લાગ્યાં હતાં. કોરોનામાં 45 દિવસ લોકડાઉનને કારણે દુકાન બંધ રહી હતી. ત્યારબાદ પણ ખાસ્સો સમય ઘરાકી ઓછી રહેતા આર્થિક ફટકો પડયો હતો.