SURAT

સુરતીલાલાઓને પતંગ ઉડાડવાની મજા પડી જવાની, આશરે 7 થી 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે

સુરતઃ શહેરમાં ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાની ઠંડીએ આઠ વર્ષનો રેકોર્ડ બ્રેક કરતા લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ત્યાં આજે ઉત્તરાયણના તહેવારમાં લોકોને ભલે ઠંડી હોય પણ પવન કેવો રહેશે તેની વૈશ્વિક ચિંતા રહેલી હોય છે. ત્યારે હવામાન વિભાગે આજે શહેરમાં 7 થી 10 કિલોમીટરની ઝડપે પૂર્વ અને ઉત્તર-પૂર્વનો પવન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે પતંગ ઉડાવવા માટે પતંગ રસિયાઓને પુરતો પવન મળી રહેશે.

  • અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશન બનતા તે હાલ મુંબઈની નજીક છે
  • આગામી બે-ત્રણ દિવસ ફરી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના
  • શહેરમાં કડકડતી પડી રહેલી ઠંડીથી લોકોને આંશિક રાહત મળી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશન બનતા તે હાલ મુંબઈની નજીક છે. આવતીકાલે મહારાષ્ટ્ર પર આવશે. જેને કારણે શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અને આગામી બે-ત્રણ દિવસ ફરી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ઉત્તરાયણમાં પતંગરસિયાઓને સૌથી મોટી ચિંતા પવનની રહેલી છે. ત્યારે હવામાન વિભાગે આજે ઉત્તરાયણમાં ઉત્તરનો તથા ઉત્તર-પૂર્વનો પવન ફુંકાવાની તાત પવનની ઝઢપ આશરે 7 થી 10 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

બીજી બાજું અરબ સાગરમાં બનેલા અપર એર સર્ક્યુલેશનનને કારણે શહેરમાં કડકડતી પડી રહેલી ઠંડીથી લોકોને આંશિક રાહત મળી શકે છે. તાપમાનમાં સામાન્ય વધારો થવાની આગાહી છે. એટલે ઠંડીથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે. 15 તારીખે જમ્મુ કશ્મીરમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ત્યારબાદ આબોહવાકીય ફેરફાર થતા ઠંડીથી આંશિક રાહત મળશે. પરંતુ ઠંડા પવનોને કારણે ઠંડીનો મિજાજ યથાવત રહેશે. આજે શહેરમાં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 12.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે 26.6 ડિગ્રી નોંધાયું છે. આજે શહેરમાં 57 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.

નવસારી-વલસાડમાં 13 ડિગ્રી ઠંડી, વાદળછાયું વાતાવરણ રહેતા લોકો ધ્રુજ્યા
નવસારી, વલસાડ : નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રીનો વધારો થયો છે. પરંતુ દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં લોકો ધ્રુજ્યા હતા. વલસાડ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું.

નવસારીમાં ગત રવિવાર અને સોમવારે લઘુત્તમ તાપમાન વધુ 9 ડિગ્રી ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેના પગલે હાડ થીજવતી ઠંડી પડી હતી. પરંતુ ગત મંગળવારે લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થયો હતો. છતાં પણ ઠંડી યથાવત રહી હતી. જ્યારે બુધવારે ફરી લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા. ગુરૂવારે ફરી લઘુત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રીનો વધારો થયો હતો. પરંતુ દિવસ દરમિયાન રહેલા વાદળછાયા વાતાવરણને લીધે વધુ ઠંડી અનુભવાઈ હતી. જ્યારે દિવસે ફુંકાયેલા પવનોને લીધે ઠંડીથી લોકો ધ્રુજ્યા પણ હતા.

ગુરૂવારે મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધતા 26.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વધતા 12.9 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 89 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 51 ટકા જેટલું નીચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.

Most Popular

To Top