સુરતની (Surat) ઉત્તરાયણ (Uttarayan) કયો સુરતી યાદ ન કરે, જે સુરતની ખાણી-પીણી વણખાય છે ત્યાં ઉત્તરાયણમાં ઉંધિયું, ચીકી, લોચો, વગેરેની લહેજત જ થઇ જાય છે. સુરતી લાલાઓ તો સવાર થાય ને ધાબા પર ચઢીને પતંગ ચગાવે અને ફ્રેન્ડસ અને લાઉડ મ્યુઝિક ને સથવારે ઉત્તરાયણનો કંઇક અલગ જ રંગ જામે. કહેવાય છે કે સુરતીને સુરતમાંથી બહાર કાઢી શકાય પણ સુરતને સુરતીમાંથી બહાર નથી કાઢી શકાતું. સુરતી કયાંય પણ રહે સુરતી જ રહે છે, સુરતના તહેવારો માણે છે અને યાદ પણ કરે છે, પછી એ આપણા નાટય જગત, ફિલ્મ જગત, મ્યુઝિક તથા ખેલકૂદમાં ખ્યાતિ પામનારા સુરતી સેલિબ્રિટિઝ (Celebrities) જ કેમ ન હોય. તેઓ સુરતમાં હોય કે ન હોય પણ ઉત્તરાયણ ઉજવવા સુરત આવવાનો પ્રયત્ન તો કરે જ છે, નહીંતર યાદ કરીને મિસ કરે છે. તો ચાલો જાણીએ આપણા સુરતી સેલિબ્રિટિઝની ઉત્તરાયણ વિશેની ચટપટી મઝેદાર વાતો અને યાદો….
પગમાં દઝાતું હોય તો પણ પતંગ ચગાવવા માટેની લાઈનમાં ઉભા રહેતા : પ્રાચી દેસાઈ (Actor)
પ્રાચી કહે છે કે સુરતની ઉત્તરાયણ તો હંમેશા યાદગાર જ રહી છે. તે દિવસે ખૂબ વહેલી સવાર પડી જાય છે. આખો દિવસ પતંગ ચગાવતા મ્યુઝીક અને ડાન્સ પણ અમે કરતા હતા. જોર જોરમાં કાઇપો છે ની બૂમો પાડવી તો અલગ જ આકર્ષણ રહેતું. આખો દિવસ પેચ લડાવવાની અને રંગ બેરંગી પતંગોથી આકાશ પણ કલરફૂલ બની જતું.આ દિવસે ઉંધિયું ખાવાની, તલ, ગોળના લાડુ ખાવાના અને ખમણ-લોચાની સહેજત માણવાની મજા અનેરી હોય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આજે પણ ઉજવવાની એટલી જ મજા આવે છે.ઉત્તરાયણ ને યાદ કરતા તેઓ કહે છે કે ડિજીટલ ફ્રી ઉત્તરાયણો તો હૃદયમાં અંકિત છે. તે કહે છે કે ઘણીવાર ધાબા પર ઉઘાડા પગે કોઇ વાર પગ માં ગરમ લાગે તો પણ લાઈનમાં ઉભા રહી આપણો પતંગ ચગાવવાનો વારો આવે તેની રાહ જોવાતી હતી અને આંગળી કપાઈ જવાનું દુ:ખ પણ નહોતું લાગતું-સારા માંજા વગર પતંગ ચગાવવાની મજાજ શું આવે.
ઘણા વર્ષે આ વખતે ઉત્તરાયણ ઉજવવાની ઇચ્છા ધરાવું છું – હરમીત દેસાઈ (આંતરરાષ્ટ્રીય Table- Tennis Player)
હરમીત દેસાઈ ઉત્તરાયણ વિશે વાત કરતા કહે છે કે હું જયારે ખૂબ નાનો હતો ત્યારે હું મારા મોટા ભાઈ સાથે અગાશી પર જતો હતો. મારો મોટોભાઈ પતંગ ચગાવતો હતો. મને એ દિવસે તલ ના લાડું ખાવા અને ટેરેસ પર મ્યુઝિક ની ખૂબ મજા આવતી હતી. હું તે વખતે મારા મોટાભાઈ સાથે થોડું થોડું પતંગ ચગાવતા શીખ્યો પણ હતો પણ હમણાં સ્પોર્ટસને કારણે ઘણા વર્ષોથી ઉત્તરાયણ નથી ઉજવી. આ વર્ષે હું ઘણા વર્ષો પછી સુરતમાં છું તો ફ્રેન્ડ્સ સાથે જો કંઇક ઉત્તરાયણનો પ્રોગ્રામ બનશે તો ચોક્કસ મજા કરવાની ઇચ્છા ધરાવું છું અને એ બહાને જુની યાદો પણ તાજી થશે.
મળસ્કે અંધારામાં કાઈપો છે સાંભળીને ધાબા ભણી દોટ મુકતા – ઇસ્માઈલ દરબાર (Music Director)
ઇસ્માઈલ ભાઈ કહે છે કે મારી ઉત્તરાયણ નાનપણમાં મેં સુરતમાં વિતાવેલી હતી તે ખૂબ યાદગાર હતી. જયારે હમ દિલ દે ચુકે સનમમાં સંજયભાઈએ મને ઉત્તરાયણની સીચ્યુએશન આપી મ્યુઝીક આપવા કહ્યું તો મેં એમને ગાઇડ પણ કર્યા હતા. હજી તો અજવાળું પણ ન થયું હોયને કાઈપો છે નો અવાજ આવે એટલે ઉઠીને અમે ધાબા તરફ દોટ મૂકતા. હું બાળક તરીકે ખૂબ જ એનર્જેટીક હતો. મને ફાફડા સાથે પીળી ચટણી, અમીરી ખમણ અને મલાઈ ખાવું ખૂબ ગમતું આ દિવસે અમે આ બધી વાનગીઓ ખૂબ દબાવીને ખાતા અને પતંગ પાછળ દોડાદોડી કરતા. માંજાથી આંગણીઓ કપાઈ જવાને કારણે ચમચીથી ખાવું પડતું. બધાં છોકરાઓ ધાબા પર એટલી મસ્તી કરતા કે ઘરનાં વડીલો પણ ટેન્શનમાં આવી જતા, પતંગ ચગાવવામાં એટલા મશગુલ થઇ જતા કે મમ્મી પણ પરેશાન થઇ જતી.
દોસ્ત મહામહેનતે પતંગ ચગાવે અને એની દોરી કાપી નાખીએ- પ્રતીક ગાંધી (Actor)
પ્રતિક ગાંધી કહે છે કે ભાગ્યે જ કોઇ સુરતી એવો હશે જેને ઉત્તરાયણ ન ગમતી હોય. મુંબઇ માં તો પતંગ કોઇ ચગાવતું નથી. સુરત હતો ત્યારે મહિના પહેલા તૈયારી કરવાની દોરી સીલેકટ કરવી, માંજો લેવો, રાંદેર સુધી પતંગ લેવા જવું એ બધાની કંઇક અલગ જ મજા આવતી હતી. સીઝનનો પોંક ખાવો, તલ, સીંગની ચીક્કી ની મજા માણવી કંઇક અલગ જ છે. એક રમૂજી બનાવ યાદ કરતા તેઓ કહે છે કે બપોરના ટાઈમે જયારે પતંગ ન ચગે અને અમે થાકીને બેસી જતા ત્યારે મારો એક મિત્ર ઋિષરાજ દેસાઈ મહેનત કરીને પતંગ ચગાવે અને એક વાર મેં અને મારા કુશાંગનામના મિત્રએ એની દોરી કાપી નાખી અને મહામહેનતે ચગાવેલો એનો પતંગ હાથમાંથી જતો રહ્યો, આ વાત પર એ ખૂબ ભડકયો ને એણે અમારી સાથે એકઅઠવાડિયું વાત ન કરી. મારી 7 વર્ષની દિકરીને મારે સુરતની ઉત્તરાયણ બતાવવી છે પણ શુટીંગની વ્યસ્તતાને કારણે સમય જ નથી મળતો.
ઉત્તરાયણ ના 3 દિવસમાં આખા વર્ષની એનર્જી ભેગી કરી જાઉં છું – ધર્મેશ વ્યાસ (Actor)
ધર્મેશ ભાઈ ઉત્તરાયણના ખૂબ શોખીન છે, તેઓ કહે છે કે અમે અમુક ફ્રેન્ડસે એ નક્કી કર્યું ચે કે જીવશું ત્યાં સુધી ઉત્તરાયણ સાથે સુરતમાં ઉજવીશું. હું દુનિયાનાં કોઇપણ ખૂણામાં હોઉં હું 13, 14, 15, જાન્યુઆરી હાજર થઇ જ જાઉં છું. અમે મારા ફ્રેન્ડ હેમુ પંચાલના બિલ્ડીંગ પર પતંગ ચગાવીએ છે, ત્યાં ટેન્ટ બનાવીએ છીએ. જ્યાં લેડીઝ અને છોકરાઓ બેસી શકે. મને બધી સુરતી વાનગીઓ, ઉંધિયું, લીલવા, પોંક, પોંક વડા બધું ખૂધ જ ભાવે છે. દર વર્ષે અમે માર્ચ મહિનો જાય એટલે બીજી ઉત્તરાયણનું મેનુ ફિકસ થઇ જાય છે. મારો માંજો ખાસ બરેલીથી આવે છે અને ઓર્ડર પણ એક વર્ષ અગાઉથી અપાય જાય છે. આ ત્રણ દિવસ હું કોઇ પણ સંજોગોમાં કામ નથી કરતો. મને આ એક જ શોખ બાકી રહ્યો છે. તેઓ એક સંસ્મરણ વાગોળતા કહે છે કે 1991ની સાલમાં હું US શો કરવા ગયો હતો ત્યાથી મારા ખર્ચે ખાસ ઉત્તરાયણ ઉજવવા આવ્યો હતો. અને પછી પાછા US જઇને નાટકનાં શોઝ કર્યા હતા. 13, 14, 15 જાન્યુઆરીએ સન્ડે આવે ને મારા કમર્શ્યલ નાટકના શો હોય તો પણ હું પરફોર્મ નથી કરતો. હું આ ત્રણ દિવસમાં આખા વર્ષની એનર્જી ભેગી કરીને જાઉં છું.
મારા માટે તો સાથે હોવાપણું એજ ઉત્તરાયણ છે – મેહુલ સુરતી (Music Composer)
મહેલુભાઈ કહે છે દર ઉત્તરાયણે અમે મારા માસા નરેશભાઈના એલ.પી. સવાણી ના રો-હાઉસની અગાશી પર જઇએ છીએ. આમ તો હું પતંગ ચગાવવાનો શોખીન નથી. પણ બધા સાથે મળે, બે ટાઈમ સાથે બેસીને જમો, રમો ને ઉત્સાહ મનાવો અને ટેરેસ પર બૂમ પાડવી એ મારા માટે આકર્ષણ રહે છે. ઉંધિયું, ચીકી, મને ખૂબ જ ભાવે છે. એ બહાને છોકરાઓ સ્ક્રીન છોડીને પતંગ ચગાવવાની કોશિશ કરે એ જોવાની મજા આવે છે. મારા માટે ઉત્તરાયણ એટલે પરિવારનું સાથે હોવા પણું એજ મહત્વનું છે. 2015ની ઉત્તરાયણ મેં પાલનપુર માં એક મુવીના શુટીંગ દરમ્યાન ઉજવી હતી. મારા મિત્રો નૈનિશ અને મારું ગ્રુપ છે એ લોકો સાથે પણ તહેવાર ઉજવવા મને આનંદ આપે છે.
હું કયારે ફરકી નહોતો પકડતો : યઝદી કરંજીયા (પદ્મશ્રી સન્માનિત પારસી નાટ્યકાર)
યઝદીભાઈ જુના દિવસો યાદ કરતા કહે છે કે બચપનમાં પતંગ ચગાવવાનો ખૂબ શોખ હતો. પહેલા ચગાવવાનો શોખ થયો, પછી કાપવાનો અને પછી લૂંટવાનો શોખ થયો. જેમ ઉંમર થઇ તેમ શોખ ઓછો થયો. જયારે સુરત FM રેડિયોનું ઉદ્દઘાટન થયું ત્યારે ચંચી મહેતા સાથે 14 જાન્યુઆરીના દિવસે અમે તેના પર કમેન્ટ્રી આપતા હતા. જાતજાતની કમેન્ટ્રી કરવાની ખૂબ મજા આવતી હતી. 2-3 વર્ષ અમે આ કમેન્ટ્રી આપી હતી. શરૂઆતમાં ફિરકી પકડવી પડે અને પછી પતંગ ચગાવવા મળે પણ હું લુચ્ચાઈ કરીને ફિરકી નહોતો પકડતો. ફ્રેન્ડસ અને ફેમિલી મારી ટેરેસ પર ભેગા થતા હતા અને જોઇ કોઇ બીજાનો પતંગ કપાઈ તો તે પણ વિશેષ આનંદ રહેતો (હસતા જણાવે છે). મને ઉત્તરાયણ પર બનતી ચિકી ખાવાની ખૂબ જ ગમતી વધુમાં જણાવે છે કે આંગળા કપાઈ જાય તો ઘરમાં નીચેની આવીને પપ્પાને કહેતા નહિ. બસ આજ મારી બાળપણની ઉત્તરાયણની યાદો છે જે આજે પણ એટલો જ આનંદ આપે છે.